વાંચો વીર બાળા હમ્મીર-માતાની સ્ટોરી, જેના પરાક્રમથી ચિત્તોડના રાજકુમાર અવાક બની ગયા હતા.

0
417

પોતાની સાથે મજાક કરનાર રાજાના સૈનિકને ધૂળ ચાટતો કરી દીધો હતો વીર બાળા હમ્મીર-માતાએ, વાંચો સ્ટોરી.

ચિત્તોડના મહારાણા લક્ષ્મણસિંહના સૌથી મોટા કુમાર અરિસિંહજી શિકાર માટે નીકળ્યા હતા. એક જંગલી સૂવર (ભૂંડ)ની પાછળ તેઓ પોતાના સાથીઓ સાથે ઘોડા દોડાવતા જઈ રહ્યા હતા. સૂવર આ લોકોના ભયથી બાજરાના પાકના એક ખેતરમાં ઘૂસી ગયું. તે ખેતરની રખેવાળી એક બાળા કરી રહી હતી. તે માળા (મંચ) પરથી નીચે ઊતરી અને ખેતરની બહાર આવીને ઘોડાઓ સામે ઊભી રહી ગઈ.

ખૂબ નમ્રતાથી તેણે કહ્યું – “રાજકુમાર! તમે લોકો મારા ખેતરમાં થઈને ઘોડાઓને લઈ જશો તો મારી ખેતી ભેળાઈ જશે. તમે અહીં રોકાઈ જાઓ, હું સૂવરને મારીને લાવી આપું છું.”

રાજકુમારને થયું કે આ છોકરી ખાલી હાથે સૂવરને કેવી રીતે મારી શકશે. તેઓ કુતૂહલને લીધે ઊભા રહી ગયા; પણ તેમને એ જોઈને ઘણો અચંબો થયો કે તે છોકરીએ બાજરાના એક છોડને ઉખાડીને અણીદાર બનાવ્યો અને નિર્ભયપણે ખેતરમાં ઘૂસી ગઈ. થોડી જ વારમાં સૂવરને મારીને તેણે રાજકુમારની સામે લાવીને મૂકી દીધું. ત્યાંથી રાજકુમાર પોતાના મુકામ પર આવી ગયા.

જ્યારે તે લોકો સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક પથ્થર આવીને તેમના એક ઘોડાના પગને વાગ્યો, જેનાથી ઘોડાનો એક પગ ભાંગી ગયો. તે પથ્થર ખેડૂતની પેલી છોકરીએ જ પોતાના માળા પરથી, પક્ષીઓને ઉડાવવા માટે ફેંક્યો હતો. રાજકુમારના ઘોડાની હાલત જોઈને તે પોતાના ખેતરમાંથી ત્યાં દોડી આવી અને પોતે ગાફેલપણે પથ્થર ફેંક્યો એ બદલ માફી માગવા લાગી.

રાજકુમારે કહ્યું – “તારી શક્તિ જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો છું. મને એ વાતનું દુઃખ છે કે તને આપવા યોગ્ય કોઈ ઇનામ અત્યારે મારી પાસે નથી.”

તે છોકરીએ કહ્યું – “પોતાની ગરીબ પ્રજા પર તમે દયાભાવ રાખો એ જ મારે માટે ઘણું મોટું ઇનામ છે.” આટલું કહીને તે સમયે તે ત્યાંથી ચાલી ગઈ.

સાંજના સમયે રાજકુમાર તથા તેમના સાથીઓ ઘોડાઓ પ૨ બેસીને જઈ રહ્યા હતા. તે સમયે તેમણે જોયું કે તે જ છોકરી માથા પર દૂધનું હાંડલું મૂકીને, બંને હાથે બે ભેંસોની રાશ (દોરડું, અછોડો) પકડીને જઈ રહી છે.

રાજકુમારના એક સાથીએ મજાક કરવા ખાતર ધક્કો મારીને તેનું હાંડલું પાડી નાખવાની ઇચ્છા કરી; પણ જેવો તેણે ઘોડો આગળ વધાર્યો કે તરત તે છોકરી તેનો ઇરાદો સમજી ગઈ. તેથી પોતાના હાથમાં પકડેલી ભેંસની રાશ એવી રીતે ફગાવી કે તે રાશમાં તે સવારના ઘોડાનો પગ ફસાઈ ગયો અને ઘોડાની સાથે જ તે સવાર પણ ધડામ કરતો જમીન પર પટકાઈ પડ્યો.

આ નિર્ભય બાળાની હિંમત અને શક્તિ જોઈને કુમાર અરિસિંહ મુગ્ધ થઈ ગયા. તેમણે માહિતી મેળવીને જાણી લીધું કે તે ક્ષત્રિય કન્યા છે. અરિસિંહ પોતે તે બાળાના પિતા પાસે ગયા અને તેની સાથે લગ્ન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આ પ્રમાણે પોતાના પરાક્રમના પ્રભાવથી તે બાળા એક દિવસે ચિત્તોડની મહારાણી થઈ. પ્રસિદ્ધ મહારાણા હમ્મીરે તેમના જ ગર્ભથી જન્મ લીધો હતો.

(અનુવાદક પ્રો. જોઈતારામ એમ. પટેલ.)