લાલબાઈએ પિતા, ભાઈ અને સૈનિકોનો બદલો લેવા અહમદશાહને તડપાવી-તડપાવીને માર્યો હતો, વાંચો સ્ટોરી 

0
469

“લાલબાઈ”

સિંધના બાદશાહ અહમદશાહે આહોરના રાજા પર્વતસિંહને સંદેશો મોકલ્યો કે તેઓ પોતાની દીકરી લાલબાઈનાં લગ્ન બાદશાહ સાથે કરાવી દે. બાદશાહના દૂત મારફતે આ સંદેશો મળતાં રાજા પર્વતસિંહ અને તેમના દરબારના રાજપૂત સરદારો ક્રોધથી લાલચોળ થઈ ગયા. બાદશાહનો દૂત નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો.

આહોર એક નાનું સરખું રાજ્ય હતું. અહમદશાહ સમજતો હતો કે આહોરનો રાજા ડરી જશે. તેનો દૂત જ્યારે નિરાશ થઈને પાછો આવ્યો ત્યારે તેણે ઘણું મોટું સૈન્ય લઈને આહોર પર ચઢાઈ કરી. તેના સૈન્યએ આહોરના કિલ્લાને ચારે બાજુએથી ઘેરી લીધો.

રાજપૂત સૈનિકોની સંખ્યા ઘણી થોડી હતી. જોકે તેમની વીરતા સામે કિલ્લા પર આક્રમણ કરવાની અહમદશાહની હિંમત ચાલી નહીં, પરંતુ તે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘરો ઘાલીને પડી રહ્યો. આખરે કિલ્લામાં અનાજ ખૂટી પડ્યું. રાજા પર્વતસિંહ અને તેના સૈનિકોએ ભૂખથી મરી જવાને બદલે શત્રુ સાથે લડીને મરવાનો નિશ્ચય કરી લીધો. કિલ્લામાં જેટલી સ્ત્રીઓ હતી તે બધીએ જૌહર કરવાની તૈયારીઓ કરી લીધી. (કેસરિયાં કરનારા રાજપૂતોની પત્નીઓનું પોતાનું આત્મસમ્માન જાળવી રાખવા માટે વિશાળ ચિતા પ્રગટાવીને સમૂહમાં સ્વૈચ્છિક બળી મરવું એને જૌહર કહે છે.)

ખૂબ મોટી ચિતા કિલ્લામાં બનાવવામાં આવી. તે રાજપૂત સતી સ્ત્રીઓ હસતાં હસતાં તે ભડભડતી ચિતામાં કૂદી પડી. પુરુષોએ કેસરી કપડાં પહેર્યા, ગળામાં તુલસીની માળા પહેરી અને શાલિગ્રામ બાંધ્યા; અને એકબીજાને ભેટ્યા. પછી કિલ્લાનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો. બધા જ રાજપૂતો તલવારો ખેંચીને શત્રુઓ પર તૂટી પડ્યા અને લડતાં લડતાં માર્યા ગયા. રાજા પર્વતરસિંહ, તેમનો પુત્ર અને બધા જ સાથીઓ શહીદ થઈ ગયા.

યુદ્ધ જીતીને અહમદશાહ જ્યારે આહોરના કિલ્લામાં દાખલ થયો ત્યારે આખોય કિલ્લો ચિતાના ધુમાડાથી ભરાઈ ગયો હતો; તેમાં કોઈ જીવતું માણસ ન હતું. અહમદશાહ તો માથું પકડીને બેસી જ ગયો. પરંતુ પછીથી ભાળ મેળવતાં તેને એ વાતની જાણ થઈ ગઈ કે પર્વતસિંહે પોતાની પુત્રી લાલબાઈને ગુપ્ત રીતે પોતાના એક વિશ્વાસુ સરદારને ત્યાં મોકલી દીધી છે. અહમદશાહે તે સરદારની પાસે, તે લાલબાઈને સોંપી દે એ માટે દૂત મોકલ્યો.

લાલબાઈને પોતાના પિતા અને ભાઈના માર્યા જવાની જાણ પહેલેથી જ થઈ ચૂકી હતી. તેણે ખાવાપીવાનું છોડી દીધું હતું. તે સરદારને ત્યાં જ્યારે અહમદશાહનો દૂત જઈ પહોંચ્યો ત્યારે લાલબાઈએ સરદારને બોલાવીને કહ્યું – “કાકા! તમે મારે ખાતર આફતમાં પડશો નહીં, હું અહમદશાહ પાસે જવા માગું છું.”

સરદારે કહ્યું – “દીકરી! તું ચિંતા ન કર. અમે બધા પણ રાજપૂત છીએ. અમારા જીવતાં તો કોઈ તારી સામે આંખ ઉઠાવીને જોઈ શકશે નહી.” પરંતુ લાલબાઈએ પાકો નિશ્ચય કરી લીધો હતો પોતાના પિતાને મારનારાની પાસે જવાનો. તેની જિદ બધાંને વિચિત્ર લાગતી હતી, પણ કોઈ ઉપાય તો હતો નહીં.

આ સમાચાર સાંભળીને અહમદશાહ તો ફૂલ્યો સમાતો ન હતો. લગ્નનો દિવસ નક્કી થઈ ગયો. ચાંદી ઝીલ (તળાવ-જળાશય) પાસે શાહી મહેલમાં લગ્નની તૈયારીઓ થવા લાગી. તે સમયનો રિવાજ હતો કે કન્યા માટે વરને ત્યાંથી અને વર માટે કન્યાને ત્યાંથી લગ્નનાં કપડાં આવતાં હતાં. લાલબાઈએ મોકલાવેલાં કપડાં પહેરીને અહમદશાહ લગ્નમંડપમાં આવ્યો. લાલબાઈએ પણ અહમદશાહે મોકલાવેલાં કપડાં પહેર્યાં હતાં.

ઘણાબધા મૌલવીઓ અને પંડિતોને લગ્ન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. બહાર જનતાની ભીડ એકઠી થયેલી હતી અને તે લોકો બાદશાહ અને તેમની નવી બેગમને જોવા માટે ધમાલ મચાવી રહ્યાં હતાં. જનતાને સંતુષ્ટ કરવા માટે અહમદશાહ લાલબાઈની સાથે રાજમહેલના કાંગરા પર ગયો. પરંતુ ત્યાં પહોંચતાં-પહોંચતાં તો અહમદશાહના જમણા ખભામાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.

લાલબાઈએ અત્યંત તીવ્ર ઝેર ભેળવેલાં કપડાં મોકલાવ્યાં હતાં. જ્યાં સુધીમાં કોઈ એ વાત સમજી લે કે લાલબાઈએ પોતાના પિતાનો બદલો લેવા માટે આ ચાલ ચાલી છે, એ પહેલાં લાલબાઈ કાંગરા પરથી ચાંદી ઝીલમાં કૂદી પડી.

અહમદશાહ ઝેરની જ્વાળાથી ગાંડાની જેમ અહીં-તહીં ભાગંભાગ કરવા લાગ્યો અને તડપી-તડપીને મરી ગયો. આહોરના સરદાર હવે સમજ્યા કે લાલબાઈએ બદલો લેવા માટે જ લગ્નનું નાટક કર્યું હતું.

(અનુવાદક પ્રો. જોઈતારામ એમ. પટેલ.) (તમામ ફોટા પ્રતિકાત્મક છે.)