હિંદુ ધર્મનો ત્યાગ કરવાની વાતનો અસ્વીકાર કરીને મોતને વ્હાલું કર્યું હતું ગુજરાતના આ રાજા-રાણીએ, વાંચો સ્ટોરી.

0
155

સૂબા રહેમતખાને ગુજરાતની રાજકુમારી પર નાખી ખરાબ નજર, પછી જે થયું તે… અભ્યાસક્રમમાં નથી આ પાઠ.

“સરદારબાઈ”

ગુજરાતમાં રાણીપુર નામનું એક નાનકડું હિંદુ રાજ્ય હતું. ત્યાંના રાજા હતા ખેમરાજ. રાજા ખેમરાજનો પુત્ર મૂળરાજ નીચ સ્વભાવનો, જુગારી અને દારૂડિયો હતો, પરંતુ રાજાની પુત્રી સરદારબાઈ અત્યંત સુંદર અને બહાદુર હતી.

તે સમયે દિલ્હીના બાદશાહનો સૂબો રહેમતખાન શાહી કર વસૂલ કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો. આ વાત વિક્રમ સંવતની તેરમી સદીની છે. રાણીપુર રાજ્યમાં નગરની બહાર એક ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. નગરના બધા પુરુષો ઉત્સવ જોવા ગયા હતા. આવા ટાણે રહેમતખાન ઘોડા પર સવાર થઈને, બે-ચાર સિપાઈઓ સાથે નગરમાં ઘૂમી રહ્યો હતો. તે સમયે તેણે રાજકુમારી સરદારબાઈને જોઈ અને તે તેના સૌંદર્ય પર મોહી પડ્યો.

રાતના સમયે રહેમતખાને રાજકુમાર મૂળરાજને પોતાની છાવણીમાં બોલાવીને દારૂ પાયો. દારૂના નશામાં રાજકુમાર મૂળરાજ જુગાર રમવા લાગ્યો. રહેમતખાનના ઉશ્કેરવાથી તેણે પોતાની બહેનને દાવમાં મૂકી અને તે હારી ગયો. બીજે દિવસે સવાર થતાં જ રહેમતખાને રાજકુમારીને લઈ આવવા માટે રાજમહેલના દરવાજે પાલખી મોકલી.

રાજા ખેમરાજને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તે પાલખીને તોડાવીને ફેંકાવી દીધી અને પાલખી લઈ આવનારાઓને બંદી બનાવી લીધા. આ સમાચાર રહેમતખાનને મળ્યા. તેણે મૂળરાજને આગળ કર્યો અને તે ગુપ્ત માર્ગથી કિલ્લામાં પહોંચી ગયો. રાજપૂત સૈનિકોને આની ખબર હતી નહીં, પરંતુ રાજમહેલની સ્ત્રીઓએ તલવારો સંભાળી લીધી. વિશ્વાસઘાતી રાજકુમાર મૂળરાજની પત્ની તે બધી સ્ત્રીઓની આગળ હતી. તેણે મુસલમાનોની આગળ ચાલ્યા આવતા મૂળરાજને જોયો, તો તે સિંહણની જેમ તૂટી પડી અને તેણે મૂળરાજની છાતીમાં તલવાર ભોંકી દીધી.

ત્યારપછી તેણે તે જ તલવાર કાઢીને પોતાની છાતીમાં ખોસતાં કહ્યું – “મેં પોતાના પતિના પાપનું પ્રાયશ્ચિત્ત કરી લીધું અને હવે હું પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહી છું.”

એ દરમિયાનમાં ત્યાં રાજપૂત સૈનિકો પણ આવી પહોંચ્યા. ઘણું ભયંકર યુદ્ધ થયું. પરંતુ થોડા-સરખા રાજપૂત સૈનિકો શત્રુના ઘણા મોટા સૈન્યને જીતી શક્યા નહીં. રાજા ખેમરાજ, તેમનાં રાણી અને તેમની પુત્રી સરદારબાઈને રહેમતખાનના સૈનિકોએ પકડી લીધાં. તેમને સાથે લઈને રહેમતખાન ગુજરાતની રાજધાની પાટણ તરફ ચાલી નીકળ્યો.

પ્રતીકાત્મક ફોટો

રસ્તામાં જ એક દિવસે રહેમતખાન રાતના સમયે સરદારબાઈના તંબુમાં ગયો. સરદારબાઈએ પ્રસન્નવદને તેનું સ્વાગત કર્યું. રહેમતખાન જ્યારે સરદારબાઈની વાતોમાં ભોળવાઈ ગયો ત્યારે સરદારબાઈએ દારૂ મંગાવ્યો અને પોતાના હાથે તે રહેમતખાનને પિવડાવવા લાગી. સરદારબાઈએ એટલો દારૂ પિવડાવ્યો કે રહેમાનખાન બેહોશ થઈ ગયો. તે વીર રાજપૂત-કન્યાએ બેહોશ રહેમતખાનને પગથી લાત મારીને પલંગમાંથી હેઠો પાડી દીધો અને તે તંબુમાંથી બહાર નીકળી ગઈ.

બધા જ પહેરેદાર દારૂ પીધેલા પડ્યા હતા. તેણે એક સિપાઈનાં કપડાં ઉતારી લઈને પોતે પહેરી લીધાં અને અંધારી રાતમાં ઘોડા પર ચઢીને તે ત્યાંથી ચાલી ગઈ. રહેમતખાનને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે જોયું કે ત્યાં સંરદારબાઈનાં કપડાં પડ્યાં છે અને એક સિપાઈ નાગો પડ્યો છે. એ સમજી ગયો કે સરદારબાઈ ભાગી ગઈ છે. ચારે તરફ ઘોડેસવારોને દોડાવવામાં આવ્યા, પણ હવે સરદારબાઈ ક્યાં મળે તેમ હતું?

રહેમતખાને સરદારબાઈના પિતા રાજા ખેમરાજ અને તેમનાં રાણીને ધમકાવીને મુસલમાન થઈ જવા કહ્યું; પરંતુ સાચાં હિંદુઓ પ્રાણના ભયથી ધર્મનો ત્યાગ કરતા નથી હોતા. જ્યારે રાજા અને રાણીએ હિંદુ ધર્મનો ત્યાગ કરવાની વાતનો સ્વીકાર કર્યો નહીં ત્યારે રહેમતખાને તેમને મરાવી નાખ્યાં. સરદારબાઈ ભાગી ગઈ એ વાતનો આવો બદલો લઈને તેણે સંતોષ માનવો પડ્યો.

(અનુવાદક પ્રો. જોઈતારામ એમ. પટેલ.)