ભારતને લુંટવા આવનાર કાસિમ સાથે રાજા દાહરની દીકરી સૂર્ય અને પરમાલે આ રીતે લીધો બદલો, વાંચો સ્ટોરી.

0
200

રાજા દાહરની દીકરી સૂર્ય અને પરમાલે આ રીતે લીધો પોતાના પિતાનો બદલો, ખલીફા તેમની વીરતા જોઈ ડઘાઈ ગયો.

“સૂર્ય અને પરમાલ”

બગદાદના ખલીફા (ઇસ્લામી ધર્મગુરુ) વલીફના સૈન્યે ભારતમાં સિંધ પ્રાન્તના દેવલ રાજ્ય પર આક્રમણ કર્યું. એ સૈન્યનો સેનાપતિ મુહમ્મદ બિન કાસિમ હતો. દેવલના રાજા દાહર અને તેમના પુત્ર જયશાહે પોતાના સૈન્ય સાથે શત્રુનો સામનો કર્યો. દેવલ રાજ્યના સૈન્યના વીર સૈનિકોએ ઘણી બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું, પરંતુ આક્રમણ કરનારું દુશ્મનનું સૈન્ય ઘણું મોટું હતું. દેવલ રાજ્યનું આખુંય સૈન્ય તથા રાજા અને રાજકુમાર પણ યુદ્ધમાં માર્યા ગયા.

ત્યાંનાં મહારાણીએ જ્યારે પોતાના પતિનું મૃત્યુ થયાના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ સ્ત્રીઓનું સૈન્ય બનાવીને રાજમહેલમાંથી નીકળી પડ્યાં અને શત્રુઓ પર તૂટી પડ્યાં. મહારાણી તથા તેમની સાથેની વીર સ્ત્રીઓ યુદ્ધ કરતાં કરતાં માર્યા ગયાં. મુહમ્મદ બિન કાસિમે રાજમહેલ લૂંટાવી દીધો. લૂંટના બીજા બધા સામાનની સાથે તેણે રાજા દાહરનું કપાયેલું મસ્તક, રાજાનું છત્ર અને બંદી બનાવેલી રાજાની સૂર્ય અને પરમાલ નામની બે પુત્રીઓ એ બધાંને બગદાદમાં મોકલી આપ્યાં. તે પોતે સંપૂર્ણ ભારત દેશને જીતી લેવા માગતો હતો તેથી સિંધમાં જ રોકાઈ ગયો.

રાજા દાહરની પુત્રીઓ જ્યારે બગદાદના ખલીફા પાસે પહોંચી ત્યારે તેમનું અદ્ભુત સૌંદર્ય જોઈને તે અચંબામાં પડી ગયો. તેને એવું લાગ્યું કે સ્વર્ગમાંથી અપ્સરાઓ આવી છે. તેણે સૂર્યકુમારી સાથે લગ્ન કરવાનો પ્રસ્‍તાવ મૂક્યો. બિચારી રાજકુમારીઓ પરદેશમાં, શત્રુના રાજમહેલમાં એકલી શું કરી શકે? પરંતુ તેમણે પોતાના પિતાને મારનારાઓ સાથે બદલો લેવાનો નિશ્ચય કરી લીધો હતો.

ખલીફાએ જ્યારે સૂર્યકુમારી આગળ લગ્ન કરવાનો પ્રસતાવ મૂક્યો ત્યારે તે રડવા લાગી. તેને રડતી જોઈને ખલીફા તેને શાંત કરવા તેની તરફ આગળ વધ્યા. સૂર્યકુમારી પાછળ ખસી ગઈ અને બોલી – “ખલીફા! તમે અમને અડકતા નહીં. તમારા અધમ સેનાપતિ બિન કાસિમે અમને અપવિત્ર કરી દીધેલી છે.”

ખલીફાએ આ સાંભળ્યું, તો તે ક્રોધથી કંપવા લાગ્યો. તેણે તે સમયે પોતાના દૂતોને ભારતમાં મોકલ્યા અને તેમને હુકમ કર્યો કે મુહમ્મદ બિન કાસિમને જીવતો જ સુકાયેલા ચામડામાં સીવી લેવામાં આવે અને તેની લાશ મારી આગળ હાજર કરવામાં આવે. ખલીફાના દૂત ભારતમાં આવ્યા. મુહમ્મદ બિન કાસિમે પ્રયત્ન તો ઘણો કર્યો કે પોતે જીવતો જ ખલીફા પાસે જઈ પહોંચે અને પોતાને નિર્દોષ બતાવી શકે, પરંતુ તેની વાત કોઈએ માની નહીં. તેને સુકાયેલા ચામડામાં જીવતો જ સીવી લેવામાં આવ્યો.

સુકાયેલા ચામડાના કોથળામાં સીવી લેવાથી મુહમ્મદ બિન કાસિમ તો મરી જ ગયો. તેની લાશને તે કોથળામાં બગદાદ પહોંચાડવામાં આવી. ક્રોધે ભરાઈને ખલીફાએ તે લાશને કેટલીય લાતો મારી. ત્યારપછી ખલીફા પોતાના મહેલની છત પર ગયો. તેણે સૂર્ય અને પરમાલને ત્યાં બોલાવીને જણાવ્યું કે ચામડાના કોથળામાં સીવેલી મુહમ્મદ બિન કાસિમની લાશ નીચે દરબારમાં પડી છે.

સૂર્યકુમારીએ કહ્યું – “બરાબર છે. અમે પોતાના પિતાને મારનારા અને પોતાના દેશને લૂંટી લેનારા સાથે બદલો લઈ લીધો.”

પછી, જ્યારે ખલીફાને ખબર પડી કે તેના સેનાપતિનો કોઈ દોષ ન હતો, ત્યારે તેણે પોતાનું માથું કૂટ્યું. સૂર્યકુમારીએ પોતાની નાની બહેનને બધી વાતો સમજાવી દીધી હતી. દુઃખ અને ક્રોધથી પાગલ બનેલા ખલીફાને તેણે કહ્યું – “અમે હિંદુ કન્યાઓ છીએ, સમજ્યા? કોનામાં હિંમત છે કે જીવતે-જીવ અમારા શરીરને હાથ પણ લગાડી શકે?”

આટલું કહીને તે બંને વીર બાળાઓએ મહેલની છતના બિલકુલ કિનારે ઊભી રહીને વિષ પાયેલી કટારો એકબીજીની છાતીમાં જોરથી ભોંકી દીધી અને તેમનાં પ્રાણહીન શરીર તે ઊંચી છત પરથી નીચે પટકાઈ પડ્યાં.

ખલીફા ભારતદેશની બાળાઓની આ આશ્ચર્યજનક વીરતા જોઈને એવો ડઘાઈ ગયો કે તે ત્યાં જ માથું પકડીને બેસી ગયો.

(અનુવાદક પ્રો. જોઈતારામ એમ. પટેલ.)