જાણો વિષ્ણુજીના કયા અવતારમાં હતી કેટલી કળાઓ, દરેક હિંદુને આ ખબર હોવી જોઈએ

0
1087

ભગવાન વિષ્ણુના અવતારો અનુસાર જાણો કયા અવતારની છે કેટલી કળાઓ. ભગવાન વિષ્ણુને દશાવતાર જણાવવામાં આવે છે, જેમાંથી તે 9 અવતાર રૂપ ધારણ કરી ચુક્યા છે, જયારે 10 માં અવતારનો જન્મ લેવાનો હજી બાકી છે. માન્યતા છે કે, ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કિ હશે, જે કળિયુગમાં અવતરિત થશે અને સફેદ ઘોડા પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરશે.

વિષ્ણુજીએ અત્યાર સુધી જેટલા પણ અવતાર રૂપ લીધા છે, તેમાં શ્રીકૃષ્ણને સૌથી શ્રેષ્ઠ અવતાર માનવામાં આવે છે, કારણ કે તેમનામાં કોઈ વ્યક્તિમાં સંભવ થનારી દરેક ષોડશ કળાઓ એટલે કે 16 કળાઓ રહેલી હતી. આવો જાણીએ ભગવાન વિષ્ણુના કયા અવતારમાં કેટલી કળાઓ હતી.

શું સામાન્ય મનુષ્યમાં પણ હોય છે કળાઓ : આ કળાઓ આર્ટવાળી કળાઓ નહિ પણ તે ગુણ અથવા અંશ છે જેનાથી જીવોનું નિર્ધારણ થાય છે. મનુષ્યોમાં સામાન્ય રીતે 5 કળાઓ માનવામાં આવી છે, પણ શ્રેષ્ઠ મનુષ્યમાં આ કળાઓની સંખ્યા 6 થી 8 સુધી હોઈ શકે છે. તેમજ નવથી પંદર કળાઓવાળા અંશાવતાર માનવામાં આવે છે, અને પૂર્ણાવતાર સોળ કળાઓથી યુક્ત હોય છે. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણને 16 કળાઓથી યુક્ત માનવામાં આવે છે. આવો જાણીએ ભગવાન વિષ્ણુના અન્ય અવતાર કેટલી કળાઓથી યુક્ત માનવામાં આવે છે.

મત્સ્ય, કૂર્મ અને વરાહ અવતાર : જળ પ્રલયથી જયારે સૃષ્ટિનો અંત થઈ રહ્યો હતો ત્યારે નવી સૃષ્ટિની રચના માટે મનુની રક્ષા કરવા ભગવાન વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યા. માન્યતા છે કે ભગવાને મત્સ્યાવતાર લઈને મનુને જળ પ્રલય દરમિયાન સુરક્ષિત સ્થાન પર મુક્યા હતા, જેથી સૃષ્ટિનો રચનાક્રમ આગળ વધી શકે. વિષ્ણુજી મત્સ્યાવતારમાં એક કળાથી યુક્ત હતા. એજ રીતે કૂર્મ અને વરાહ અવતારમાં પણ તે એક જ કળાથી સંપન્ન માનવામાં આવે છે.

નૃસિંહ અને વામન અવતાર : હિરણ્યકશ્યપનો નાશ કરવા માટે નૃસિંહ અવતાર ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુ, અને વામન રૂપ ધારણ કરી હિરણ્યકશ્યપના જ પ્રપૌત્ર અને ભક્ત પ્રહલાદના પૌત્ર અસુર રાજ બલી પાસેથી વરદાન લઈને બે પગમાં આકાશથી લઈને ભૂલોક માપી લીધું, જયારે ત્રીજું પગલું મુકવા માટે કાંઈ નહિ બચ્યું તો પોતાના વચનના પાક્કા બલીએ પોતાનું માથું તેમના ચરણ મુકવા માટે આગળ કરી દીધું.

તેમની વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા જોતા વામનાવતારે તેમના માથા પર પોતાનો પગ મૂકી તેમને પાતાળ લોકમાં મોકલી દીધા, અને ત્યાંના સ્વામી બનાવી દીધા. તેમજ એવી માન્યતા પણ છે કે, ભગવાન વિષ્ણુએ તેમની ધર્મપરાયણતાથી પ્રસન્ન થઈને તેમને પોતાના અધ્યાત્મ લોકમાં જગ્યા આપી, જ્યાં તેમની મુલાકાત પોતાના દાદા અને વિષ્ણુ ભક્ત પ્રહલાદ સાથે થઈ. વિષ્ણુજીના આ બંને અવતાર બે કળાઓમાં સંપન્ન માનવામાં આવે છે.

પરશુરામ અવતાર : ભગવાન પરશુરામના રૂપમાં અવતરિત થઈને પોતાની ફરસીથી દુષ્ટોનો નાશ કરવાવાળા પરશુરામ અવતાર ત્રણ કળાઓથી યુક્ત માનવામાં આવે છે. જોકે શાસ્ત્રોમાં એ પણ માન્યતા છે કે, મનુષ્યના રૂપમાં ઓછામાં ઓછી પાંચ કળાઓ હોય છે, એવામાં વામન અવતાર અને પરશુરામ અવતારનું માત્ર બે અને ત્રણ કળાઓથી યુક્ત હોવું શોધનો વિષય હોઈ શકે છે, પણ પૌરાણિક ગ્રંથોમાં આ જ જાણકારી મળે છે.

શ્રીરામ અવતાર : ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવતા પ્રભુ શ્રીરામમાં 12 કળાઓ માનવામાં આવી છે. તેનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, પ્રભુ શ્રીરામ સૂર્યવંશી હતા અને સૂર્યની 12 કળાઓ માનવામાં આવે છે. આ કારણે માન્યતા છે કે, પ્રભુ શ્રીરામમાં સૂર્યદેવની દરેક કળાઓ હાજર હતી.

શ્રીકૃષ્ણ અવતાર : શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ જ એકમાત્ર એવા અવતાર છે જેમને 16 કળાઓથી યુક્ત પૂર્ણાવતાર માનવામાં આવે છે. તેનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા, જેના લીધે તે ચંદ્રની દરેક સોળ કળાઓમાં સંપન્ન હતા.

મહાત્મા બુદ્ધ અને કલ્કિ : મહાત્મા બુદ્ધ અને કલ્કિને શ્રીહરિના નવામા અને દશમાં અવતાર માનવામાં આવે છે. જોકે મહાત્મા બુદ્ધ વિષે વિભિન્ન વિદ્વાનોમાં અવતાર રૂપને લઈને મતભેદ છે, અને કલ્કિ અવતારે હજી જન્મ નથી લીધો. માન્યતા છે કે તે કળિયુગના અંતમાં સફેદ ઘોડા પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરવા માટે અવતરિત થશે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.