વિઠોબા અને દાન બાપુનો આ પ્રસંગ તમને ભક્તિની શક્તિનો પરચો દેખાડશે.

0
835

બગસરા દરબાર હરસુર વાળા ને અમરેલી ના ગાયકવાડી સુબા વીઠોબા એ કેદ કર્યા. એવું કહેવાય છે કે રોજ સંધ્યા ટાણે હરસૂર બાપુ ચલાલા ના દાન બાપુ ની માળા ફેરવે અને નીચે મુજબ ના બે દુહા બોલે :

“કાઠી કુળ ઊજાળણ, વધારણ વાના,

તને સાંભરે સુખ ઉપજે, દુઃખભંજણ દાના”

“જીરાણે થી જગાવે, સાજા કરે શરીર,

જડીયલ હોઈ જંજીર, ભાગે લઈ દાના ભગત”

અને બેડિયું ખુલી જાય. જેલર રોજ તપાસ પણ રોજ આવું થાય. આ બાતમી જ્યારે વીઠોબા ને મળી ત્યારે તેણે પણ જાતે તપાસી જોયું. એણે થઈ ગયું કે આ કોઈ દૈવી શક્તિ ની મદદ હરસુર બાપુ ને મળે છે. તેણે હરસૂર બાપુ ને માફી આપી અને છોડ્યા. તેણે ચલાલા દાન બાપુ ની મુલાકાત લેવા ની આજીજી હરસૂર વાળા ને કરવાની કીધી.

ચલાલા આવી હરસૂર બાપુ દાન બાપુ ને પગે લાગ્યા. તેમણે વીઠોબા ને મુલાકાત ની ઉમેદ છે એ વાત દાન મહારાજ ને જણાવી. દાન બાપુ તેને સાદા વેશે કોઈ ભભકા વગર જગ્યા મા આવે તો મુલાકાત આપવાની શરત સાથે વાત સ્વીકારી.

મકરસંક્રાંતિ ના દિવસે દક્ષિણી બ્રાહ્મણના વેશમાં વીઠોબા દાન બાપુ ની જગ્યા મા બીજા બ્રાહ્મણો ની સાથે દાન માગવા ની હારમાં ઉભા રહ્યાં. એક વાત વીઠોબા સમજી ગયા હતા કે જો દાન બાપુ નાં આશીર્વાદ મળી જાય તો સૌરાષ્ટ્ર મા ગાયકવાડી હુકુમત નો ધ્વજ ફરકી જાય.

જ્યારે વીઠોબા નો વારો આવ્યો, તેમણે ઝોળી લંબાવી ને દાન બાપુ એ 5 વાર જુવાર નાખી. ત્યાં સુરા ખુમાણ (સુરા ભગત) એ કહ્યું, “બાપુ, હવે હાઉં કરી જાવ. કાઠી માટે જાર રેવા દ્યો.” દાન બાપુ અટકી ગયા અને વીઠોબા ને કીધું કે “જાવ તમને કોડીનાર થી દ્વારકા ની જાર ઠાકર આપે છે”. અને પછી વીઠોબા એ આ પાંચ સૌરાષ્ટ્ર નાં મહાલ સર કર્યા.

જ્યારે તે પાછા આવ્યા ત્યારે ખુબ જ પૂજનીય ભાવ થી ચલાલા પધાર્યા. તેમણે ચલાલા પાસે નું પાણીયા ગામ દાન બાપુ ને જગ્યા બાંધવા અર્પણ કર્યું અને અમરેલી જતા રહ્યા. દાન બાપુ એ ઘણી ના પાડી કે અમને સાધુ ને જમીન નો ખપે પણ વીઠોબા ન માન્યા.

બીજે દિવસે દાન બાપુ ચલાલા થી અમરેલી એ દસ્તાવેજ પાછો આપવા નીકળ્યા. રસ્તા માં અમરેલી માં તેમણે ઠાકર ની હવેલી જોઈ. અંદર જઈ ઠાકર જી ને કાલા વહાલા કરતા બોલ્યા,”હે ઠાકર! તું તો દ્વારકાધીશ! રાજા નો રાજા. આ જમીન તને શોભે મારા ઠાકર. હું તો તારો ટેલ્યો. ગાય માતાજી ની ટેલ કરનાર એક સેવક. માટે આ જમીન તને ઠાકર ને અર્પણ”. એમ કરી એ દસ્તાવેજ તેમણે હવેલી ના ગુરુજી ને આપી દીધો અને પાછા ચલાલા આવતા રહ્યા. હવેલી ના સંચાલકો ખુબ રાજી થયા અને દાન બાપુ ને પ્રણામ કર્યા.

આ વાતની વીઠોબા ને ખબર પડી. તેઓ એ દાન બાપુ ને વંદન કર્યા અને વિચાર્યું કે આ સંત કેટલા નિર્લિપત છે. કોઈ દુન્યવી વસ્તુ માં જીવ નથી જતો. તેમણે તરત જ દસ્તાવેજ બદલી પાણીયા ગામ ની જગ્યા હવેલી ને નામ કરી આપી.

આ દૃષ્ટાંત ઉપર થી ખ્યાલ આવે કે આજે એક વાલ ની વાળી માટે કે નાના એવા જમીન નાં કટકા માટે બાઝતા લોકો કેવી ક્ષુલ્લક બાબતે કર્મો બાંધે છે.

આવા છે અમારા દાન બાપુ. મારા ચલાલાના ઠાકર સદા ભેરે રેજે!

જય ચલાલા ઠાકર

જય દાન મહારાજ

જય આપા ગીગા

જય વિહળાનાથ

જય ગેબી સંત પરંપરા

કથા સંદર્ભ : અલખના આરધકો – આપા દાના (નાના ભાઈ જેબાલિયા)

– સાભાર નિમિષ વાળા (અમર કથાઓ ગ્રુપ)