વ્રજવાણીના ઢોલી અને એનાં ઢોલના તાલની ગજબની શક્તિની વાત જે આજની પેઢીને ચકિત કરી દેશે.

0
1166

વ્રજવાણીના ઢોલીની વાત લોક સાહિત્યમાં અને લોકકંઠે સંભળાતી આવી છે. લોકસાહિત્યના સંશોધકોએ નોંધી છે : ‘વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલીથરનો ઢોલી’ (દુલેરાય કારાણી), ‘ કચ્છની સાત વીસુ સતીઓ’ (હસુ યાજ્ઞિક), ‘કલા પાછળ સતીત્વ’ (જયમલ્લ પરમાર) ‘ઢોલીથરને ઢોરે’ (મનસુખલાલ ઝવેરી) વગેરે.

ઘટના આવી છે. :- કચ્છના વાગડ પંથકમાં ગેડીથી બેલા ગામ જવાનાં રસ્તા પર રણને કાંઠે વ્રજવાણી નામનું ગામ આવેલું છે. આ ગામમાં અમરા નામનો ઢોલી રહે. ઢોલ વગાડવાની કલામાં પારંગત. એનાં ઢોલના તાલમાં ગજબની શક્તિ હતી. ગાનારા, નાચનારા પાગલ થઈને રાસની રમઝટ બોલાવતા. વ્રજવાણીની આહીરાણીઓ એનાં ઢોલના નાદે ઘેલી બની હતી. ઢોલ પર ઢોલીના હાથની થાપ પડતી અને આહીરાણીઓના હૈયાં ઊછળી પડતાં.

ગોકુળની ગોપીઓ જેમ કૃષ્ણની વાંસળીના સૂર પર મુગ્ધ હતી, તેમ વ્રજવાણીની આહીરાણીઓ એનાં ઢોલ પર દીવાની હતી. અમરા ઢોલીના ઢોલનો અવાજ એમનાં કાને પડતાં એમનાં હૈયાં હાથમાં રહેતાં નહીં. ભરઊંઘમાંથી ઝબકીને જાગી જતી. રડતાં છોકરાંને છોડી દઈને ઢોલીના ઢોલીના તાલે રમવા પહોંચી જતી. સંગીતના તાનમાં તરબોળ બનેલી આહીરાણીઓને ઢોલીના ઢોલની કંઈ અજબ લેહ લાગી હતી.

ઢોલી અને એની સંગીતસાધના પણ ગજબની હતી.: “ઢોલની તાલીમ એને ગળથૂથીમાંથી જ મળેલી હતી. એ પણ રાત દિવસ ઢોલના તાલમાં જ તલ્લીન રહેતો. એની સાધના પણ અદ્ભૂત હતી. એણે પોતાનું તમામ જીવન ઢોલના તાન પર કુરબાન કર્યું હતું. બાળપણથી આખા જગતમાં એનો એક જ મિત્ર હતો-અને એ એનો ઢોલ.ઢોલ સિવાય એનું કોઈ સગું- વહાલું પણ ન હતું. એનાં હાથમાંની ઢોલ બજાવવાની દાંડી એને મન ત્રિલોકના રાજદંડ સમાન હતી.

ઢોલ પાસેથી એ જાત જાતની બોલી બોલાવી શકતો. એ હસતો ત્યારે એનો ઢોલ પણ હસતો અને એ રડતો ત્યારે એનો ઢોલ પણ રડી ઉઠતો. એની દાંડી ઢોલ પર પડતી ત્યારે એ તમામ દુનિયા ભૂલી જતો. ખાવું પીવું પણ ભૂલી જતો, રાતદિવસ પણ ભૂલી જતો. એ એની અવાજની દુનિયામાં જ મસ્ત રહેતો. એની મસ્તી અજબ હતી. વિશ્વના વિલાસો અને વાસનાઓ એને સ્પર્શ પણ કરી શકતા નહીં.

આ જગતની એકે વસ્તુ પ્રત્યે એને આકર્ષણ ન હતું. હા, એક એનાં ઢોલ સિવાય. એ જગતમાં રહેતો હોવા છતાં એનાથી પર હતો. એક યોગી જેટલો જ ઉદાસીન હતો. એની તમામ સંપત્તિનો સમાવેશ પણ એક એનાં ઢોલમાં જ થઈ જતો. ઢોલ અને ઢોલની દાંડી પાસે એને મન આખી દુનિયાની દોલત તુચ્છ હતી એ ત્યાગી હતો, વૈરાગી હતો. એનો ઢોલ એનો ભગવાન હતો અને એ એનો પરમ ભક્ત હતો. અને એનાં ઢોલમાં જે મહાશક્તિ ઘૂઘવતી હતી એનું કારણ એ હતું કે એ ઢોલના ધ્વનિ પાછળ એનાં ત્યાગનું અદ્ભૂત બળ ઊભું હતું. એની દાંડીમાં અનાસક્તિ યોગની તાકાત હતી. આ અમોઘ શક્તિએ જ વ્રજવાણીની આહીરાણીઓને ઘેલી બનાવી હતી.”

એ જ્યારે ઢોલ વગાડતો હોય ત્યારે સીમ ગાંડી બને, પથ્થરોની ઝાલર વાગે, જળ થંભી જાય ને ગામલોકો હિલોળે ચડે. આવો ઢોલી વૈશાખ સુદ ત્રીજ- અખાત્રીજને દિવસે ગામના ચોકમાં ઢોલ વગાડે છે ને ગામની આહીરાણીઓને રાસે રમાડે છે. આજે તે કંઈક અજબ તોફાને ચડ્યો હતો. એના ઢોલની થાપ આહીરાણીઓના કાળજાં વીંધતી દશે દિશાઓને ગજવતા ઢોલના તાલે મદમસ્ત બની સમય અને કર્તવ્યનું સાનભાન ગુમાવી રાસ રમી રહી હતી.

‘વ્રજના માધવ આવજે, રાસડો ગવરાવજે

ઢોલીડા રમાડજે.

વ્રજવાણી માધા આવણાં, ગીત ગરૂઆ ગાવણાં,

વ્રજવાણી માધા આવણાં,ઢોલે રમાવણા.

રાસે રમાવણાં,આહીરાવિચ આવણાં,

વ્રજવાણી માધા આવણાં ગીત ગરૂઆ ગાવણાં.

વ્રજવાણી વાંછે ગોવિંદ શું વશ થાવા રે,

રઢિયાળા રાધાવર સંગે રાસ રમવા રે.’

ઢોલી અને ઢોલ એ બે આજે એકમેક અને એકાકાર બની ગયા હતા. આહીરાણીઓની રાહ જોઇને થાકેલાં આહીરો પોતાની સ્ત્રીઓને બોલાવવા ગયા પણ આજે આહીરાણીઓ તાને ચડીયુ’તી. પતિના કહેવા છતાં રાસે રમવાનું બંધ ન કર્યું.

બીજા દિવસનો સૂર્ય ધરતી પર અજવાળાં પાથરવા લાગ્યો પણ ન તો ઢોલીએ ઢોલ વગાડવાનું બંધ કર્યું કે ન આહીરાણીઓએ રાસે રમવાનું. આહીરો ક્રોધે ભરાયાં. ઢોલી આહીરાણીઓને ગાંડી બનાવી નચાવે છે એ આહીરોથી સહન થતું નથી. એમના અંતરમાં શયતાને પ્રવેશ કર્યો. એને આ ઢોલી જ કામણગારો લાગ્યો. ક્રોધે ઈર્ષાનું સ્વરૂપ ધારણ કર્યું. પોતાની સ્ત્રીઓને આ ઢોલીએ વશીકરણ કર્યું છે જેથી એની પાછળ આંધળી બની છે. શંકાનો કીડો સળવળતા ઢોલીને મા રીના ખવાનું મનોમન નક્કી કર્યું.

રાસ રમણે ચડ્યો હતો. ઢોલી, ઢોલ અને આહીરાણીઓ એકતાર અને એકાકાર હતા એવાં સમયે કેટલાક આહીર યુવાનો ત્યાં આવી પહોંચ્યા. એક યુવાને લાગ જોઈને તર વારના એક જ ઝાટકે ઢોલ પર ઝૂમી રહેલાં ઢોલીનુંમ સ્તક એણે ઉ ડાડી દીધું. આનંદની છોળો ઉછાળી રહેલાં ઢોલીના મસ્તકમાંથી લો હીની ધારાઓ વહેવા લાગી. ઢોલના ઢમકારમાં મસ્ત બનેલો ઢોલી ધરતી પર ઢળી પડ્યો છતાં એનાં હાથમાં રહેલી દાંડી તાલબદ્ધ ઢોલ પર પડતી હતી. પણ વધું વાર ઢોલ ન વાગી શક્યો. એનું પ્રાણપંખેરું ઊડી જતાં ઢોલ વાગતો બંધ થયો.

ઢોલીના લો હીના ફુવારામાં આહીરાણીઓ ભીંજાણી, તેઓ કમકમી ઊઠી. આ દારૂણ દ્રશ્ય જોઈને પથ્થરની પૂતળીઓ પેઠે સ્તબ્ધ બની ગઈ. આહીરાણીઓના અંતર પર પ્રેમનો પતંગી રંગ ચડ્યો ન હતો. એ તો મજીઠનો પાકો રંગ હતો. જેના ઢોલ પર જીવનભર આનંદ માણ્યો હતો, એવા એમનાં નિર્દોષ પ્રેમપાત્ર ઢોલીને આજે આ સ્થિતિમાં પડતો મૂકીને આહીરાણીઓ ઘરની જંજાળમાં જોડાવા તૈયાર ન હતી. ઢોલીનું મો તએમના હૃદયે કારી ઘા હતો. ઘરનાં માણસોએ જ એમના શીલ અને ઈજ્જત આબરુ પર હાથ નાખ્યો? માત્ર વાંઝણી શંકામાં ઢોલીનો ભોગ લીધો? સંગીતના પ્રેમનો પવિત્ર ભંગ આહીરાણીઓથી સહન ન થયો.

ગામના પાદરમાં વ્રજકુંજ તળાવને કિનારે, રાસ રમવાના મેદાનમાં જ ઢોલીની ચિતા ખડકી. એની આસપાસ બીજી સાત વીસુ એટલે કે એક સો ચાળીસ ચિતાઓ ખડકાણી અને પોતાના પવિત્ર પ્રેમપાત્ર ઢોલી સાથે આહીરાણીઓ અગ્નિદેવની ગોદમાં સમાઈ ગઈ.

વ્રજવાણી ગામના વ્રજકુંજ સરોવરની બાજુમાં આવેલાં વિશાળ મેદાનમાં ઊંચા ઊંચા પાળિયાઓ આજે પણ ઊભા છે. વચ્ચોવચ ઢોલના નિશાનવાળો ઢોલીનો સૌથી ઊંચો પાળિયો આવેલો છે. એની આસપાસ ચારેતરફ આહીરાણીઓના પાળિયા કોટના કાંગરાની માફક આવેલાં છે. આ સ્થાન આજે પણ કોઈ ભસ્મીભૂત બનેલાં સ્નેહસદન સમું જણાય છે.

સાત વીસુ આહીરાણીઓની વિદાયે વ્રજવાણી અને તેની આસપાસના નેસડાઓમાં શોકનું મોજું ફરી વળ્યું. આહીરો વ્રજવાણીનું પાણી અગ્રાહય કરી ભારે હૈયે વિદાય લેતા આ ટીંબો વર્ષો સુધી ઉજજડ રહેલ.

આહીરોનું એ જૂનું વ્રજવાણી ગામ તો નાશ પામ્યું છે. આજનું વ્રજવાણી નવું વસાવેલું છે. ઢોલીના ઢોરા તરીકે ઓળખાતા સ્થાન પર આજે રાધા કૃષ્ણનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. મંદિરમાં શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ સાથે એક સો ચાળીસ આહીરાણીઓની રાસે રમતી મુદ્રામાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિઓની નીચે આહીરાણનું નામ એનાં પિતાનાં નામ સાથે લખવામાં આવ્યું છે.

જે જગ્યાએ ઢોલી અને આહીરાણીઓએ પ્રાણ ત્યાગ કર્યા હતા એ સ્થળ પર આજેય સતીઓના ૧૪૦ પાળિયા છે, ઢોલીનો પાળિયો અને નવું બનેલ સતી સ્મારક છે. જેમાં ઢોલીના પાળિયા પર સંવત ૧૫૧૧ વૈશાખ સુદ-૪ ( ચોથ)ની મિતિ વાંચી શકાય છે લોકવાયકા છે કે કોઈ વાર કાળી અંધારી રાતે આહીરાણીઓના રાસ અને ઢોલીના ઢોલનો અવાજ સંભળાય છે. આજ વિજ્ઞાન યુગમાં આ વાત ભલે આપણે માનીએ કે ન માનીએ પણ બને છે એ હકીકત છે, ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનું ચિત્તભ્રમ હોય, આ જગ્યાની પવિત્રતા હોય કે ઢોલીનું જોમ હોય કે આહીરાણીયુનું સંત! વ્રજવાણીની મુલાકાત લેતાં ઢોલીના પાળિયાને કાન ધરતાં એક ‘બિટ’ સંભળાય છે, માઈક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેનો સાક્ષાત્કાર કર્યો છે.

લોકસાહિત્યમાં વ્રજવાણી અને ઢોલી :

દુલેરાય કારાણીએ કચ્છની બિરદાવતા ઢોલીની વાત વણી લીધી છે,

‘આયરાણિયું સત્ત વિયું, હિત ઢોલી ભેરિયું ભસમ થઇયું,

અજ પણ વંચાજે વ્રજવાણી,ઈ પાંજે કચ્છડે જો પાણી’

કચ્છી ગીતમાં….

‘કે તે ડાંઢી ઢાલ, કે ઢોલ કરે ઢમકાર,

ભૂલી પઈયું ઉત્ત ભામન્યું, પિંઢ પિંઢ જા પરિવાર.

ભૂલઈયું નિડયું નીગયું, ભૂલઈયું નિઢડા બાર,

ઘરજા ઘર કામકાજને,વઈયું ભૂલી વેવાર,

ભૂલી વઈયું ભરથાર, ભવજા ભાર, વઈયું ભૂલી.’

લોકગીતોમાં પણ સાંભળવા મળે જેમકે,

‘ઢોલી! તારા ઢોલની મનોહર બોલી, વ્રજવાણીના રે હો ઢોલી……’

કે પછી,

‘સાતવીસું રમે છે શ્યામ સંગમાં રે લોલ,

હે રૂડા વ્રજવાણીના ઢોલ મુને સાંભરે રે લોલ…..’

(પ્રુણ)

લેખક – દલપતભાઈ ચાવડા

(સાભાર રમેશ આહીર, અમર કથાઓ ગ્રુપ)