“આપણે કંઈ સદ્દગુરુ નથી થઈ ગયા, સેવક છીએ” પ્રમુખસ્વામી મહારાજની આ શીખ ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે.

0
425

તા. 28-12-1977 નો દિવસ હતો. મ્વાન્ઝાથી દારેસલામ પધારેલા સ્વામીશ્રી એટલે કે પ્રમુખસ્વામી મહારાજ સવારે ઉતારાની અગાશીમાં બેસી હરિભક્તો સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા પછી નારાયણમુનિદાસ સ્વામી તેમને જળપાન કરાવવા આવ્યા. તે વખતે સ્વામીશ્રીએ તે સંતને દૂર પડેલાં બે ગાદલાં બતાવી પૂછ્યું : “આ કોનાં છે?”

કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત પડી રહે તે સ્વામીશ્રીને જરાય ગમતું નહીં. વળી, આ ગાદલાની બાજુમાં પારણાં માટે બનાવેલું શરબત પણ જરા ઢોળાયેલું હતું. તે બતાવી સ્વામીશ્રીએ પૂછ્યું : “આ કોણે ઢોળ્યું છે?”

ત્યારબાદ ખુલાસાની અપેક્ષા વિના સ્વામીશ્રીએ આ ભૂલો બાબતે સર્વસામાન્ય ટકોર કરતાં કહ્યું : “બધા સદ્દગુરુના બેટા થઈ ગયા છે. અહીં જેવી ટેવ પાડશો એવી મંદિરમાં પડશે, અને મંદિરમાં પાડશો એવું અહીં રહેશે.”

આમ કહી પોતાના હાથમાં રહેલા રૂમાલ વડે વસ્તુ મૂકવાનું નિદર્શન કરતાં જણાવ્યું : “આ તો ન્હાઇને ગાતરિયું આમ મૂકી દે ને પછી કામમાં જાય ને યાદ જ ન આવે. આખો દિવસ પડ્યું રહે. ન્હાઈને ગાતરિયું, ધોતિયું સૂકવી જ દેવાં. ત્યાં ને ત્યાં ભીનાં પડ્યાં રહે! પછી બીજો આવે. “આપણે શું?” એની પર ધૂળ પાડતો જાય, પાણીમાં પલળે એટલે સડે ને ફાટી જાય.”

ત્યારે સ્વામીશ્રીના મુખેથી આ રીતે સુઘડતાની શીખ સરી રહી હતી. પછી તેમણે જેનાથી શરબત ઢોળાવાની ગફલત થઈ ગયેલી તેમને સાદ કરી નજીક બોલાવતાં કહ્યું : “આપણે કંઈ સદ્દગુરુ નથી થઈ ગયા. સેવક છીએ. આ તો હું લઈ લેત. મને વાંધો નહોતો, પણ તમને ખબર પડે ને!’

તે જ સમયે ગાદલાં સંબંધી ભૂલ જેણે કરેલી તે પણ અનાયાસે ત્યાં આવી પહોંચતાં સ્વામીશ્રીએ તેમને કહ્યું : “આ તો સંગીત શીખ્યા એટલે બધું થઈ ગયું, એમ? સ્વયંસેવક થવું પડશે.”

કળા અને ગુણથી મોટા થવા છતાં પણ સેવક બની રહેવાનો આટલો સિદ્ધાંત જણાવી સ્વામીશ્રી પધરામણીએ નીકળી પડ્યા.

– કલ્પેશસિંહ ગોહિલની પોસ્ટનું સંપાદન.