“વધારે પૈસા કમાઈ ને હું શું કરું?” વાંચો એક સરસ પ્રેરણાદાયક સ્ટોરી.

0
542

એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…

પર્યટક – “તમે દિવસમાં કેટલી માછલીઓ પકડો છો અને કેટલાં સમયમાં?”

માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છું.”

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”

માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.

પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.

માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”

પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.

માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”

પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.

માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”

પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.

માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”

આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.

બોધ: તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો.

સૌજન્ય – દિનેશ રાજપૂત.