ભાગવત રહસ્ય 162: એવું તે શું થયું હતું કે પ્રહલાદને રોકવા આવનારા તમામ સૈનિકો નાચવા લાગ્યા હતા

0
766

ભાગવત રહસ્ય – ૧૬૨

દૈત્ય બાળકો પ્રહલાદને પૂછે છે કે, પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા?

પ્રહલાદ કહે છે કે, એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો. આ માટે તમે તમારા દૈત્ય પણાનો તેમજ આસુરી ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો. પ્રેમથી ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે. ભગવાનને પ્રસન્ન કરવાનું બીજું સાધન છે કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે. માટે નામનું કિર્તન કરો.

ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)અતિ સૂક્ષ્મ છે. મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે. સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી. ગીતામાં અર્જુન પણ ભયથી બોલી ઉઠેલો કે, તમારું આ રૂપ જોઈ મારું મન ભયથી વ્યાકુળ થઇ રહ્યું છે.

નામ-બ્રહ્મ સર્વને દેખાય છે અને અનુભવાય છે. કિર્તનમાં તાળી પડવાથી નાદ-બ્રહ્મ થાય છે. નાદ-બ્રહ્મથી જગતની વિસ્મૃતિ થાય છે, જગતનો સંબંધ છૂટે છે. અને બ્રહ્મ સંબંધ થાય છે. નામ-બ્રહ્મ અને નાદ-બ્રહ્મનો સંયોગ થાય, તે એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન શૌચ, ન વ્રત પર્યાપ્ત છે. આ સર્વ તો વિડંબના માત્ર છે. ભગવાન કેવળ નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. માટે ભક્તિ કરો.

પ્રહલાદ દૈત્ય બાળકો પાસે કિર્તન કરાવે છે. “હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.” સર્વ બાળકો તાળી પાડી કિર્તન કરે છે, નાચે છે. પ્રહલાદજી પણ નાચતાં નાચતાં તન્મય થયા છે. તેવામાં શંડામર્ક ત્યાં આવ્યા છે. તેમણે વિચાર કર્યો, “આ બાળકોને બગાડે છે, આ હવે નહિ સુધરે. હિરણ્યકશિપુને ખબર પડશે તો અનર્થ થશે.” તેઓ પ્રહલાદને કહેવા લાગ્યા, “પ્રહલાદ તેં આ શું માંડ્યું છે? ભજન બંધ કરો. બંધ કરો..”

પ્રહલાદનું મન શ્રીકૃષ્ણમાં હોવાથી તે કંઈ સાંભળી શક્યા નહિ. શંડામર્કને લાગ્યું કે, આ તાળી અટકે તો કિર્તન અટકશે. એટલે તે પ્રહલાદને પકડવા ગયા અને પ્રહલાદનો હાથ પકડ્યો. શંડામર્ક નો જેવો પ્રહલાદને સ્પર્શ થયો કે તે પણ કિર્તન કરતા નાચવા લાગ્યા. તે જ દિવસે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે, ગુરુજી આ બાળકોને કેવું ભણાવે છે તે મારે જોવું છે.

એટલે તેણે સેવકને જોવા મોકલ્યો. સેવક ત્યાં આવ્યો ને દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો. ગુરુ અને ચેલાઓ નાચે છે. તેની બુમો કોઈએ સાંભળી નહિ એટલે પ્રહલાદનો હાથ પકડી બેસાડવા ગયો. ત્યાં તેને પણ ચેપ લાગ્યો અને બધા સાથે તે પણ નાચવા લાગ્યો. સેવકને આવતાં વાર થઇ એટલે હિરણ્યકશિપુએ બીજા સેવકને તપાસ કરવા મોકલ્યો. તેની પણ એવી જ દશા થઇ જેવી પહેલા સેવકની થઇ હતી. એના પછી પણ જેટલા સેવકો આવ્યા તેમની પણ એવી જ સ્થિતિ થઇ છે.

હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું છે. જે જાય છે તે પાછો કેમ આવતો નથી. આ છે શું? એ જાતે તપાસ કરવા આવ્યો ને જોયું તો ગુરુ, ચેલા, રાજસેવકો બધા નાચતા હતા. તે એકદમ ગુસ્સે થયો. “આ બધું શું માંડ્યું છે?” તેણે ભજન મંડળીના એક એકને ખેંચીને બેસાડી દીધા. (ઇલેક્ટ્રિકનો બલ્બ ઉડી ગયો હોય તો તેને કરંટ મળે તો પણ પ્રકાશતો નથી!)

ભજન થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણ્યકશિપુને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાણો અને પ્રહલાદને કહેવા લાગ્યો, હજુ તું મારા શત્રુ વિષ્ણુનું કિર્તન કરે છે? તને શરમ નથી આવતી? મારા સિવાય બીજો ઈશ્વર છે ક્યાં? આજે તો હું તને મા-રી-ના-ખી-શ. તે પ્રહલાદને ઉઠાવી દરબારમાં લઇ આવ્યો. ક્રોધમાં તેણે જમીન પર પછાડ્યો. તો ધરતીમાએ તેને ગોદમાં ઉઠાવી લીધો. પ્રહલાદજી પિતાને વંદન કરે છે.

હિરણ્યકશિપુ કહે છે, તું મારું કહ્યું માનતો નથી અને ખોટો વિનય કરે છે. બ્રહ્માદિક દેવોનો મેં પરાભવ કર્યો છે. બધા દેવો મારાથી થરથર કાંપે છે. તને કયા દેવનું બળ છે? તને ડર કેમ નથી લાગતો?

પ્રહલાદ કહે છે, પરમાત્મા મારું રક્ષણ કરે છે. હિરણ્યકશિપુ કહે છે, મને બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં? હું વિષ્ણુને મા-રી-શ અને તને પણ મા-રી-શ.

પ્રહલાદ કહે છે, પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે. તેથી તેમને વિષ્ણુ કહે છે. પિતાજી બહારનો વિજય શા કામનો? જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. કામાદિ છ ચોર તમારાં મનમાં બેઠા છે, તે તમારાં વિવેક-રૂપી ધનને લુ-ટે-છે. તમને ખાડામાં ફેંક્યા છે. પિતાજી ક્રોધ ન કરો. તમાર મુખ પર આજે મને મ-રૂ-ત્યુ-ની છાયા દેખાય છે. રાગ-દ્વેષનો પરિત્યાગ કરી નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો.

હિરણ્યકશિપુ હવે અતિક્રોધમાં આવ્યો છે. મારો દીકરો થઇ મને ઉપદેશ આપે છે? તું શું સમજે છે? મને આજે બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં?

પ્રહલાદે કહ્યું, મારા પ્રભુ સર્વવ્યાપક છે, મારામાં છે, તમારામાં છે, તેથી તો તમે બોલી શકો છો. વિષ્ણુ સર્વમાં વિરાજેલા છે, સર્વત્ર છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)