સંબંધ એટલે શું? આ હૃદય સ્પર્શી સ્ટોરી ગણતરીની મિનિટમાં તમને સંબંધ વિષે સમજાવી દેશે.

0
650

એક ગામમાં એક પોસ્ટમેન ઘરે ઘરે જઈને જેની ટપાલ હોય તેને પહોંચાડતો હતો. એક દિવસે એક ઘરની આગળ આવી તેણે અવાજ આપ્યો – પોસ્ટમેન….

અંદરથી એક છોકરીનો અવાજ આવ્યો, જરા થોડી રાહ જુવો હું આવું છું.

બે મિનિટ થઈ… પાંચ મિનિટ થઈ પરંતુ દ્વાર ન ખુલ્યું એટલે પોસ્ટમેન થોડો ગુસ્સે થયો અને જોરથી બોલ્યો કોઈ છે ઘરમાં? ટપાલ આપવી છે.

અંદરથી છોકરીનો અવાજ આવ્યો, કાકા દરવાજાની નીચેથી ટપાલ સેરવી દો પછી હું લઇ લઈશ.

પોસ્ટમેને કહ્યું રજિસ્ટર પોસ્ટ છે એટલે સહી જોઈશે.

પાંચ મિનિટ થઈ પોસ્ટમેન અવાજ આપે તે પહેલા દ્વાર ખુલ્યું. દરવાજા પર આવેલી છોકરીની દશા જોઈ પોસ્ટમેન ને જોરદાર ઝટકો લાગ્યો કારણ બે પગે અપંગ તરૂણી નજર સમક્ષ ઉભી હતી. જે બે કાઠીની મદદથી ચાલીને આવતાં મોડું થયું હતું. આ જોઈ પોસ્ટમેન ને એના વર્તનઉપર અફસોસ થયો અને પત્ર આપી ત્યાંથી નીકળી ગયો.

આવીજ રીતે કોઈ કોઈ વખત છોકરીની ટપાલ આવતી રહેતી હતી અને પોસ્ટમેન અવાજ આપીને બહાર વાટ જોઈને ઉભો રહેતો હતો. કારણ છોકરીની વ્યથા સમજતો હતો. આવી રીતે દિવસો પસાર થતા હતા. દિવાળી નજીક આવતી હતી અને પોસ્ટમેન આજે પગમાં ચપ્પલ પહેર્યા વગર ટપાલ આપવા આવ્યો તે છોકરીએ જોયું પણ કાઈ બોલી નહીં.

પોસ્ટમેનના ગયા પછી દરવાજા આગળ પડેલ ઉઘાડા પગ ના નિશાન સ્પષ્ટપણે દેખાઈ આવતા હતા, તેના ઉપર છોકરીએ કાગળ મૂકી તે નિશાન નું માપ લઈને ગામમાં એક મોચી જે ચપ્પલ બુટ માપ લઈને બનાવીને આપતો હતો એની પાસે કાઠીની મદદ થી ધીરે ધીરે ચાલીને પહોંચી અને કહ્યું, કાકા મારે આ માપની પુરુષ ની ચપ્પલ બનાવવી છે તો આપ મને દિવાળી પહેલા આપશો તો આભારી રહીશ. તેણે સરસ મજાની ચપ્પલ ની જોડ બનાવી તૈયાર રાખી. છોકરીએ આવીને પૈસા આપી તે બોક્સ લઈને ઘરે આવી.

રિવાજ પ્રમાણે પોસ્ટમેન ગામમાં જઈને દિવાળી બક્ષીશ માગવા લાગ્યો. ઘણાયે તેને બક્ષીશ આપી એમ કરતા કરતા એ અપંગ છોકરીના ઘર આગળથી પસાર થતો હતો. મનમાં વિચાર આવ્યો કે આ પેહેલેથી જ દિવ્યાંગ છે તો આ શું આપવાની હતી?

પણ વિચાર આવ્યો કે, ચાલ એના પણ ખબર અંતર પૂછી લઇ ને હું બીજે જઈશ એમ કહી એને પોસ્ટમેન કરીને અવાજ આપ્યો અને રાહ જોઈને ઉભો રહ્યો. એટલામાં છોકરી દરવાજા આગળ આવી અને કહ્યું કાકા બે મિનિટ ઉભા રહો એમ કહી બાજુમાં મુકેલ બોક્સ ઉપાડી ને પોસ્ટમેન ને આપ્યું અને કહ્યું આ મારા તરફથી દિવાળી ની બક્ષીશ છે.

ઘરે આવીને બોક્સ ખોલ્યું અને જોયું તો મજાની ચપ્પલ ની જોડ હતી અને તેના માપ પ્રમાણે હતી એટલે એના આંખોમાંથી અશ્રુ નીકળ્યા અને પસ્તાવો થયો કે મારા મનમાં આવા વિચારજ કેમ આવ્યા કે એક ગરીબ દિવ્યાંગ દિવાળી બક્ષીશ શું આપશે? પરંતુ આ તો મારા પ્રત્યેની લાગણીવશ મને ભેટ આપેલ છે તેની કિંમત આંકીએ એટલી ઓછી છે.

બીજે દિવસે પોસ્ટમેન નવા ચપ્પલ પહેરી પોસ્ટ માસ્ટર ની કેબીન માં ગયો અને કહ્યું સાહેબ મને મારા ફંડ માંથી દસ હજારની લોન જોઈએ છે.

સાહેબે કહ્યું તારી ઉપર પહેલે થીજ કર્જ છે પછી આ શા માટે?

તેને કહ્યું મારે જયપુર ફૂટ એટલે લાકડાના પગરખાં લેવા છે એના માટે જોઇએ.

સાહેબે કહ્યું પણ તારો દીકરો તો હટ્ટો કટ્ટો છે અને એને આવી કાઈ જરૂર નથી તો આ કોના માટે?

સાહેબ જે છોકરાને સમજમાં ન આવ્યું તે એક પારકી દિવ્યાંગ દીકરીને સમજમાં આવ્યું. જેણે મારા ઉઘાડા પગ જોઈને મારુ દુઃખ ઓછું કર્યું તેને માટે હું કર્જ લઈને પણ મદદ ન કરું એટલો સ્વાર્થી તો નથી જ. એટલે મારે એ જયપુર ફૂટ તેને આપવા છે માટે કર્જ જોઈએ છે. તો સાહેબ આ માટે ના પાડતા નહિ એમ કહી વિનવણી કરી.

આ સાંભળીને સાહેબ તથા સ્ટાફ નિશબ્દ થયો અને બધાજ ગુમસુમ થયા. સાહેબે કર્જ ની અરજી મંજુર કરી પૈસા આપ્યા અને પોસ્ટમેને તેમાંથી જયપુર ફૂટ લઈને દિવ્યાંગ દીકરીને ભેટ આપ્યા ત્યારે દીકરી પણ નિશબ્દ થઇ આ દેવદૂત બનીને આવેલ વડીલ ને ભેટી પડી.

ભાવાર્થ : સબંધ ફક્ત લો હીના નથી હોતા પણ બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ હોવી જોઈએ.

આ સંબંધને આપ શું નામ આપશો?

– સાભાર મનોજકુમાર પરમાર (અમર કથાઓ ગ્રુપ)