એક શેઠે ખુબ સંપત્તિ એકઠી કરી હતી. એની સંપત્તિ કોઇ પડાવી જશે એવો ડર એને સતત લાગતો હતો. એમણે નક્કી કર્યુ કે આટલી મોટી સંપત્તિ સાચવવા કરતા એ બધી જ સંપત્તિ વેંચીને તેના બદલામાં કિંમતી હીરા ખરીદવામાં આવે તો તેને સાચવવામાં ઘણી સરળતા રહે.
પછી એમણે પોતાની બધી જ સંપત્તિ વેંચી નાંખી અને જે રકમ મળી તેમાંથી અતિ કિંમતી હીરા લીધા. ઘરની તિજોરીમાં આ હીરા રાખી દીધા.
દિવસમાં બે વખત સવારે અને સાંજે શેઠ તિજોરી ખોલીને હીરા જોઇ લે. શેઠનો નોકર આ ક્રિયા રોજ જુવે. એક દિવસ નોકરે ડુપ્લીકેટ ચાવીના ઉપયોગથી તિજોરી ખોલીને બધા જ હીરા લઇ લીધા.
સવારે નિત્યક્રમ પ્રમાણે શેઠ ભગવાનની પૂજા કરીને તિજોરીમાં રાખેલા હીરાના દર્શન કરવા માટે ગયા. તિજોરી ખોલતા જ ખાલી જોવા મળી. શેઠને તો જાણે હદયરોગનો હુમલો આવ્યો હોય એમ લાગ્યુ. મોટા મોટા અવાજે રડવાનું ચાલુ કર્યુ.
લોકો ભેગા થવા લાગ્યા.
શેઠના પડોશમાં રહેતા ભાઇ શેઠની વૃતિથી પરિચિત હતા. એમણે કહ્યુ, “રડો નહીં હું હમણા તમારા ચોરાયેલા હીરા પાછા લાવી આપુ.”
પડોશી બહાર ગયો અને થોડીવાર પછી એક નાની પોટલી લઇને આવ્યો.
પોટલી શેઠના હાથમાં મુકતા કહ્યુ, “લો શેઠ આ તમારા હીરા હવે રડવાનું બંધ કરો.” શેઠે પોટલી ખોલી તો તેમાં હીરાના બદલે માત્ર કાચના ટુકડાઓ જ હતા. શેઠ તો એકદમ ગુસ્સે થયા અને પોટલી પાડોશી પર ફેંકી.
પડોશીએ શેઠને કહ્યુ, “શેઠ, તમારી તિજોરીમાં હીરા હોય કે કાચ તમને શું ફેર પડે છે. તમારે તો સવારે અને સાંજે માત્ર તિજોરી ખોલીને એને જોવાના જ છે ને તો પછી આ કાચના તુકડા હીરા છે એમ માનીને જોઇ લેજો.”
મિત્રો, બેંકના લોકરમાં રહેલી નોટોની થપ્પીઓ અને પસ્તીના કાગળો વચ્ચે બહુ મોટો તફાવત નથી.
સંપત્તિ તો જ સંપત્તિ ગણાય જો તેનો ઉપયોગ થાય બાકી જો પડી જ રહેતી હોય તો એને સંપત્તિ થોડી કહેવાય?
– સાભાર મીના અમિત ગામી (અમર કથાઓ ગ્રુપ)