શું છે પુરુષાર્થ? શું છે ત્રિવર્ગ?
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કોને કહેવાય?
સનાતન ધર્મમાં પુરુષાર્થનું અને ત્રિવર્ગનું મહત્વ આપવામાં આવેલ છે.
પુરુષનો અર્થ છે ” મનુષ્ય દેહ ” અને અર્થ શબ્દનો અર્થ… ધ્યેય, લક્ષ્ય અને હેતુ છે.
પુરુષાર્થ એ માણસના જીવનનું અંતિમ લક્ષ્ય અથવા હેતુ છે, જેની પ્રાપ્તિ માટે તે હંમેશાં પ્રયત્નશીલ અને સક્રિય રહે છે. પુરુષાર્થ મનુષ્ય જીવનનાં લક્ષ્યો અને ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે.
ત્રિવર્ગમાં ધર્મ, અર્થ અને કામનો સમાવેશ થાય છે.
પુરૂષાર્થની જરૂર શું કામ પડે છે માણસને?
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पषुभिर्निराणाम् । धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः
આહાર, નિદ્રા, ભય, મૈ થુન – આ બધાં તત્વો તો માનવ અને પશુઓમાં સમાન જ છે, પરંતુ માનવમાં ધર્મ એક અધિક અને વિશેષ તત્વ છે. ધર્મ વિનાના માણસ તો પશુ સમાન છે.
માનવમાં એવું શું છે, જે તેને પશુથી અલગ પાડીને માનવ બનાવે છે? માનવમાં એવું કયું તત્વ છે, જે તેને માનવત્વ આપે છે?
તે તત્વ ધર્મ છે. ધર્મ માનવજીવનને ધારણ કરી રાખે છે, તેથી તે ધર્મ અર્થાત્ ધારણ કરી રાખનાર તત્વ છે. ધર્મ માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમાજને પણ ધારણ કરે છે.
આખરે સમાજ શું છે?
સમાજ વ્યક્તિઓથી બને છે, તેથી વ્યક્તિઓનાં જીવનને ધારણ કરનાર ધર્મ સમાજજીવનને પણ ધારણ કરી રાખે છે. ધર્મનો ઇન્કાર કરીને કોઈ સમાજ ટકી શકે નહીં, તે સમાજ માનવસમાજ તરીકે રહી શકે નહીં. આમ ધર્મ વ્યક્તિ અને સમાજ બંનેને ધારણ કરી રાખનાર તત્વ છે. ઉચ્ચતર જીવનની આકાંક્ષા તે ધર્મનું પ્રારંભબિંદુ છે, અને આ આકાંક્ષામાંથી જે ઉચ્ચતર જીવનપદ્ધતિ ફળીભૂત થાય છે તે ધર્મ છે.
ધર્મ એટલે શું?
“धारयति इति धर्मः।”
“ જે ધારણ કરી રાખે છે તે ધર્મ છે. ”
” धारणात् धर्म इति आहुः । ”
” ધારણ કરી રાખે છે, માટે તે ધર્મ કહેવાય છે. ”
માનવનું જીવન, માનવનું માનવપણું, માનવનું અસ્તિત્વ જે મહાનિયમને આધારે ટકી રહે છે તે ધર્મ છે, જેના થકી માનવ માનવત્વ પામે છે, અન્યથા માનવ અને પશુમાં શો ફેર છે?
ધર્મ એટલે…
1) ગરુડ પુરાણમાં ધર્મની વ્યાખ્યા આ મુજબ આપેલી છે.
સત્ય, દમ, તપસ્યા, શૌચ, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, શમ, દયા અને દાન – આમને સનાતનધર્મ માનવામાં આવ્યો છે.
સત્યં દમસ્તપઃ શૌચં સન્તોષશ્ર ક્ષમાર્જવમ્ |
જ્ઞાન શમો દયા દાનમેષ ધર્મઃ સનાતનઃ || ( 229 )
ધર્મ એટલે…
મનુ મહારાજે કહેલ ધર્મના દસ લક્ષણ.
धृति क्षमा दमोस्तेयं, शौचं इन्द्रियनिग्रहः।
धीर्विद्या सत्यं अक्रोधो, दशकं धर्मलक्षणम् ॥
अर्थ – धर्म के दस लक्षण हैं – धैर्य, क्षमा, संयम, चोरी न करना, स्वच्छता, इन्द्रियों को वश में रखना, बुद्धि, विद्या, सत्य और क्रोध न करना (अक्रोध)।
આચાર્ય ચાણક્ય એ ધર્મ માટે એક સરસ મજાની વાત કહી હતી.
“सुखस्य मूलं धर्मः| धर्मस्य मूलं अर्थः | अर्थस्य मूलं राज्यं |राज्यस मूलं इन्द्रीय जयः | इन्द्रियाजयस्य मूलं विनयः |विनयस्य मूलं वृद्धोपसेवा |” -चाणक्य
અર્થ એટલે?
સંસ્કૃતમાં ‘અર્થ’ શબ્દના અનેક અર્થ છે.
જેમાંનો એક છે ‘ ઉદેશ્ય ‘, ‘ કશુંક મેળવવું ‘. પણ હાલમાં આધુનિક સમયમાં અર્થનો ‘ આર્થિક ’ શબ્દ બન્યો જે વધારે સુસંગત લાગે છે.
અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન ( Economics in Indian Thought )
ભારતીય તત્વ ચિંતનમાં માનવજીવનનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવજીવનના આ ચાર મુખ્ય ઉદેશ્ય છે. જેમાંથી ‘ અર્થ ‘ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવાદેવા છે. ‘ કશુંક મેળવવાની ’ અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ ‘ અર્થપૂર્ણ ‘ પ્રવૃત્તિ છે. જીવનનિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું (આવક મેળવવી) તે માણસનું કર્તવ્ય છે.
આર્થિક પ્રવૃત્તિનો અર્થ :
માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર, વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. ” આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે : આવક, ખર્ચ અને વિનિમય એટલે આર્થિક વિનિમયો માટે આવક – પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક – પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ.
વિદુરજી કહે છે..
” ધર્મયુક્ત અર્થ અને અર્થયુક્ત ધર્મ, આ બંને અમૃત જેવા લાભકારી છે. તેથી અમે ધર્મ અને અર્થ બંને નો આદર કરીએ છીએ. ” મહાભારત, શાંતિપર્વ.– 427.
કામ એટલે…
કામ શબ્દનો અર્થ ઇચ્છા, ઇચ્છા, વા સના, તૃષ્ણા અને સુખના સાધન અને વસ્તુઓ વગેરે પ્રાપ્ત કરવી.
काम्यते इति काम:
એટલે કે વિષય અને ઇન્દ્રિયોથી ઉદ્ભવતા જે માનસિક આનંદ મળે તેને કામ કહેવાય.
કામ એટલે માત્ર મૈ થુન કે સે **કસની વાત નથી પરંતુ કામ એટલે કામના, ઈચ્છા ( સુખની ઈચ્છા ).
સુખ એ માનવજીવનનો પ્રથમ હક છે. ઈશ્વરે તેને આનંદ અને સુખની પ્રાપ્તિ માટે જ પૃથ્વી પર મોકલ્યો છે. પરંતુ જો તમારી સુખી થવાની ઈચ્છા પાછળ અનેક લોકોનું ખરાબ થતું હોય, અકલ્યાણ થતું હોય અથવા તમને સુખ બીજાને દુ:ખ આપીને જ મળતું હોય તો તેવી કામનાઓનો ત્યાગ કરવો જરૂરી છે. નહીં તો કોઈને તમે દુઃખી કરશો તેમ અન્ય તમને દુઃખી કરશે અને આ રીતે જગત આખું દુઃખી થશે, સુખ અને આનંદ માટે તડપશે.
દરેકે એવી કામના રાખવી જરૂરી છે કે સુખ સહયોગમાં જ છે , અન્યને સુખી કરીને જ વ્યક્તિ સુખી થઈ શકે . કેમ કે પ્રકૃતિના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે તેઓ એકલા કદી સુખી થઈ શકે જ નહીં .
મનુષ્યજીવનના તૃતીય પુરુષાર્થ કામની પ્રાપ્તિ એટલે કે કામના કે ઈચ્છાપૂર્તિ માટે કામના સ્થાન અંગેની માહિતી પ્રથમ પ્રાપ્ત કરવી પડે .
ભાગવત અનુસાર કામ કુલ અગિયાર જગ્યાએ ( સ્થાને ) રહે છે. પાંચ ઇન્દ્રિઓ, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન. પાંચ ઇન્દ્રિયો એટલે નાક, આંખ, કાન, જીભ અને ચામડી, પાંચ કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, ગુ દા, જીનેદ્રિયો અને જીભ. એટલા માટે જ કહેવાય છે કામને મા રે તેને રામ મળે. કેમ કે આ અગિયાર સ્થાનને નિયંત્રણમાં રાખનાર માટે પરમાત્માપ્રાપ્તિ સરળ છે .
ટૂંકમાં કામ પર વિજય મેળવવા કે જીવનમાં તમામ કામના કે ઈચ્છાપૂર્તિ કરવા ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન પર કાબૂ રાખવો આવશ્યક છે.
મોક્ષ એટલે?
શાસ્ત્રો અને પુરાણો અનુસાર જીવના જન્મ અનેમ રણના બંધનમાંથી મુક્તિ એ ‘મોક્ષ’ છે. આ જન્મ -મ રણના બંધનમાંથી છૂટી થવાનું નામ છે ‘મોક્ષ’. જ્યારે કોઈ માણસ મુક્તિ પ્રાપ્ત કરે છે, તો પછી આ દુનિયામાં ફરીથી આવવાની અને જન્મ લેવાની જરૂર નથી.
વ્યાસજી કહે છે, ” પુત્ર! જો મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મનુષ્યે જ્ઞાનવાન થવું જોઈએ…” મહાભારત , શાંતિપર્વ. જેમ સમુદ્રની ઊંચી – નીચી લહેરોમાં ડબૂકિયાં ખાતા માણસને નાવ મળી જતાં તે પાર ઊતરી જાય છે, તે જ પ્રમાણે સંસાર સાગરથી પાર થવા માટે પણ બુદ્ધિમાન પુરુષે જ્ઞાનરૂપી નૌકાનો સહારો લેવો જોઈએ .
જે જ્ઞાની છે, તે જ્ઞાનમયી નૌકાની સહાયતાથી અજ્ઞાનીઓને પણ ભવસાગરથી પાર ઉતારી દે છે .
મુક્તિ અને મોક્ષ માટે ગીતામાં કહ્યું છે—
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति।।4.38।।
इस मनुष्यलोकमें ज्ञानके समान पवित्र करनेवाला दूसरा कोई साधन नहीं है। जिसका योग भलीभाँति सिद्ध हो गया है वह (कर्मयोगी) उस तत्त्वज्ञानको अवश्य ही स्वयं अपनेआपमें पा लेता है। – ગીતા અધ્યાય 4 શ્લોક 38
યજુર્વેદ માં કહ્યું છે મોક્ષ માટે..
विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते॥
– यजुः ० अ ० ४०. मं ० १४ ॥
જે મનુષ્ય વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપને સાથે સાથે જ જાણે છે તે અવિઘા અર્થાત્ કર્મોપાસનાથી મૃ ત્યુને તરીને વિદ્યા અર્થાત્ યથાર્થ જ્ઞાનથી મોક્ષને પ્રાપ્ત થાય છે .
એટલેજ તો આપણી દરેક શાળા, કોલજ અને યુનિવર્સિટીમાં શ્લોક લખેલ જોવા મળશે.
तत्कर्म यन्न बन्धाय सा विद्या या विमुक्तये।
आयासायापरं कर्म विद्यऽन्या शिल्पनैपुणम्॥ १-१९-४१॥
विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाध्दनमाप्नोति धनाध्दर्मं ततः सुखम् ।।
(આ “વિદ્યા દદાતિ …” શ્લોકના રચયિતા કોણ છે.)
હમમમ, આમ મેં સનાતન ધર્મમાં કહેલ પુરુસાર્થની વાત કહેલ જેના માટે અલગ-અલગ મેં જગ્યાએ થી સંદર્ભ લીધા છે.
સંદર્ભ… મહાભારત, ગીતા, ગરુડ પુરાણ, મનુસ્મૃતિ, ચાણક્ય, નીતિ, અર્થશાસ્ત્ર…
સંકલનકર્તા, ભગીરથ બેડવા.
મહાદેવ હર.