ભાગવત રહસ્ય – ૨૮૧
દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય છે. પરમાત્મા રસ સ્વરૂપ છે. અને તેથી જીવ (આત્મા) પણ રસરૂપ છે. મનુષ્યને કોઈ ને કોઈ રસમાં રુચિ હોય છે, ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ કથા આનંદ આપે છે. વિરહ કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે ત્યારે રસાનુભૂતિ (રસની અનુભૂતિ) થાય છે. સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર, વિષયી, મુમુક્ષુ, મુક્ત.
અધર્મથી ધન કમાઈ, અનીતિથી ભોગવે એ પામર જીવ છે. ધર્મથી કમાઈ અને ઈન્દ્રિયસુખ ભોગવે તે વિષયી જીવ છે. સંસાર બંધનમાંથી છુટવાની ઈચ્છા રાખનાર તે મુમુક્ષુ જીવ છે. કનક અને કાન્તા રૂપ “માયા” ના બંધનમાંથી છુટેલા અને પ્રભુમાં તન્મય થયેલા તે મુક્ત જીવ છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે, રજસ, તમસ કે સાત્વિક કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય પણ તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. તેથી તેમણે દશમ સ્કંધના ત્રણ વિભાગ કર્યા છે, રજસ, તમસ અને સાત્વિક પ્રકરણ.
શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે. શ્રીકૃષ્ણ લીલાના વિવિધ રસોમાંથી, કોઈ પણ રસમાંથી “રુચિ” ને પુષ્ટિ મળે છે અને અલૌકિક પ્રેમરસની પ્રાપ્તિ થાય છે. ધીરે ધીરે સંસારની આસક્તિનો વિનાશ થતાં થતાં શ્રીકૃષ્ણમાં આસક્તિ થઇ જીવન સફળ થાય છે. ઈશ્વરમાં મનનો લય (વિનાશ) કરવો તે મનનો નિરોધ. લાલાજીને હૃદયમાં રાખો કે લાલાજીના હૃદયમાં રહો તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ સુલભ છે, મનનો નિરોધ ઈશ્વરમાં જ થઇ શકે છે. અન્ય વસ્તુમાં નહિ.
પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોમાંથી હટાવી શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી અને મુક્તિ આપવા માટે આ દશમ સ્કંધ છે. આ કથા અનાયાસે સંસારનો સ્નેહ છોડાવી પ્રભુપ્રેમ વધારે છે. આ કૃષ્ણ લીલા એવી છે કે તેને ઘણાને કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવ્યા છે.
સનાતનસ્વામી એક રાજાના મહામંત્રી હતા. દશમ સ્કંધ સાંભળી તેઓ સાધુ થયા. વૃંદાવનની ગલીઓમાં ટાટની લંગોટી પહેરી ફરતા હતા. આ કથા રાજાને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે. એનું કારણ છે કે, શ્રીકૃષ્ણ ચિત્તની શાંતિ ને નહિ તે તો ચિત્તને જ ચોરી જાય છે. એવું અદભૂત છે તેમનું રૂપ. શુકદેવજી મહાયોગી અને મહાજ્ઞાની છે. પણ સર્વ છોડીને, સમાધિ છોડીને કૃષ્ણકથામાં પાગલ બન્યા છે.
પરીક્ષિત પૂછે છે, આપે સર્વનો ત્યાગ કર્યો અન કૃષ્ણકથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું કે, તમે મારા પિતા નહિ અને હું તમારો પુત્ર નહિ, એવા પિતાનો ત્યાગ કર્યો, પણ આ કથાનો ત્યાગ કર્યો નહિ, મહારાજ તમને આ કથા આનંદ આપે છે.
મહાપુરુષો કહે છે કે, નાક પકડીને બેઠેલા છીએ ત્યાં સુધી ઠીક છે, પણ ઉઠયા પછી મન ક્યારે છટકી જાય છે તે ખબર પડતી નથી. વેદાંત કહે છે કે, મનને નિર્વિષય બનાવો. પણ આ અઘરું છે, તેથી વૈષ્ણવો કહે છે કે મન ને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અને અનુકૂળ વિષયોમાં જોડો. વેદાંત કહે છે કે, આત્મા ને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો (ભક્તો) ને ભગવતસેવામાં એવો આનંદ આવે છે કે તેઓને મુક્તિ મળવા આવે તો પણ તેમને જોઈતી નથી.
– પૂ. ડોંગરેજી મહારાજ.
(શિવોમ પરથી.)