સુતક એટલે સરળ ભાષામાં શુદ્ધિ. પંચમહાભૂત દેહમાંથી કોઈપણ વસ્તુનો પ્રવેશ અથવા નિકાસ થવા પર જેમ આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ, દાખલા તરીકે વાળ કપાવવા ઉપર આપણે પાણીથી વાળ ધોઇએ છીએ, નાક અથવા કાનમાંથી મેલ નીકળતા આપણે પાણીથી તેને સાફ કરીએ છીએ, આંખમાંથી ચીપડા નીકળતા તથા મોઢા માંથી ઉલટી થતા આપણે આંખ અથવા મોઢાને સાફ કરીએ છીએ, મળ-મૂત્ર સંડાસ થતા આપણે તેને પણ પાણીથી સ્વચ્છ અને શુદ્ધ કરીએ છીએ, તથા બીજી પણ અન્ય ક્રિયાઓમાં પ્રવેશ અથવા નિકાસમાં શુદ્ધિ કરીએ જ છીએ.
તે જ રીતે બાળકનો જન્મ થતા તથા જીવનો દેહમાંથી ઉત્સર્ગ થતા તેની પણ શુદ્ધિ કરવી જરૂરી હોય છે. અને તેને આપણે સુતક તરીકે ઓળખીએ છીએ. સુતકની વિશેષ વિગતો આપણને હિંદુ સનાતન ધર્મના ગરુડ પુરાણના છઠ્ઠા અધ્યાયના પાંચમા ખંડમાં જોવા મળે છે. તે જ હિન્દુ શાસ્ત્રોમાં માનવામાં આવે છે.
સુતક પાળવાથી મૃત્યુ પામેલા જીવની સદગતિ થાય છે અને તે જીવ અન્યયો નીમાં ભટકવાના ત્રાસમાંથી મુક્તિ મેળવે છે. અને વૃધ્ધિ સુતકમાં જીવને પરમ શાંતિ મળે છે. જ્યારે તે સુતક પાળનારને જીવના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાને ગરુડજીને વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, સુતક બ્રાહ્મણને ૧૦ દિવસનું, ક્ષત્રિયને ૧૨ દિવસનું, વૈશ્યને ૧૫ દિવસનું તથા શુદ્નને ૩૦ દિવસનું લાગે છે. તથા અન્યોને ૧૦ દિવસનું લાગે છે.
સુતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવામાં આવે છે. પરંતુ અગ્નિહોત્રી બ્રાહ્મણોમાં જ્યારે અગ્નિ ચાંપવામાં આવે ત્યારથી ગણવામાં આવે છે. સુતક ૧ થી ૪ પેઢીનું , ૫ થી ૮ પેઢીનું, ૯ થી ૧૨ પેઢીનું, અને ૧૩ થી ૧૬ પેઢીનું એમ અલગ અલગ રીતે લાગે છે. સુતકમાં જે કામ ખૂબ જ જરૂરી હોય જેના ના કરવાથી જાન માલનું નુકસાન થાય તેમ હોય તેવા એક વિશેષ કામની વિશેષ છૂટ વિશેષ સ્થિતિઓમાં આપવામાં આવેલ છે.
સુતક ક્યારે પણ ફોક થઈ શકતું નથી એટલે કે જો જન્મ અથવા મૃત્યુ ના સમાચાર સમયસર ન મળે પરંતુ સુતક ના દિવસો પસાર થઈ જાય પછી મળે તો પણ જ્યારે સમાચાર મળે તે દિવસથી ગણીને પાળીને પુરુ કરવું જ પડે છે. પરંતુ જે મનુષ્ય નું મૃત્યુ આપ ઘાટ અથવા જીવન ટુંકાવવાથી થયેલું હોય તેને સુતક લાગતું નથી અને તે ગણાતું પણ નથી. માત્ર એક જ માથાબોળ સ્નાનથી સુતક છૂટી જાય છે.
સુતક નિર્ણયોમાં ઘણી બધી વૈવિધ્યતા રહેલ છે જે જવલ્લેજ બનતી ઘટનાઓથી સર્જાય છે, માટે બધી જ વસ્તુઓનો ઉલ્લેખ અહીં ન કરતા માત્ર જરૂરી અને સામાન્ય ઘટનાઓથી સર્જાતા સુતક ના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની નોંધ રાખવી. સુતકમાં એક દિવસ એટલે એક દિવસ અને એક રાત્રી તેમ ગણવુ.
(૧) ગરભ પાત અથવા ગર્ભક્ષય થાય તો જીવના માતા-પિતાને દોઢ દિવસનું સુતક લાગે છે.
(૨) ૧૦ થી ૧૨ દિવસનું બાળક હોય તો માતા-પિતાને જો પુત્ર હોય તો ૩ દિવસનું પુત્રી હોય તો ૧ દિવસનું સુતક લાગે છે.
(૩) ૧૩ દિવસથી ત્રણ વર્ષનું બાળક હોય તો માતા-પિતાને પુત્ર હોય કે પુત્રી હોય ૩ દિવસનું સુતક લાગે છે. તથા કુટુંબીજનોને ૧ દિવસનું સુતક લાગે છે.
(૪) ૩ વરસથી ઉપરનું બાળક હોય તો માતા-પિતા તથા કુટુંબીઓને પુત્ર હોય કે પુત્રી ૩ દિવસ નું સુતક લાગે છે.
(૫) પરણેલી દીકરીનું પિયરમાં મૃત્યુ થાય તો માતા-પિતાને ૩ દિવસ પરંતુ સાસરે મૃત્યુ થાય તો ૧ દિવસનું સુતક લાગે છે.
(૬) ઘરની વહુ (દીકરાની પત્ની) નું મૃત્યુ પિયરમાં થાય અથવા સાસરીમાં થાય વહુના સાસુ-સસરાને ત્રણ દિવસનું સુતક લાગે છે.
(૭) પરણેલી દીકરી અથવા ઘરની વહુ નું પ્રસૂતિમાં મૃત્યુ થાય ભલે ગમે તે સ્થળે થાય પણ ૩ દિવસનું સુતક લાગે છે. પરંતુ તે જ સમયે બાળક જીવી ગયું હોય અને મા મૃત્યુ પામી હોય તો બાળકનું વૃધ્ધિ સુતક ગણવાનું નથી ફક્ત મૃતક નું જ ગણવાનું આવે છે. (ફક્ત પ્રસવ)
(૮) જમાઈ અથવા સાળો અથવા સાળીનું મૃત્યુ થાય તો ૧ દિવસનું સુતક લાગે છે.
(૯) ફોઈ, માસી, મામાનું મૃત્યુ થાય તો દોઢ દિવસનું સુતક લાગે છે, જ્યારે ફુવા, માસા, મામીનું મૃત્યુ થાય તો માત્ર એક માથાબોળ સ્નાનથી સુતક છૂટે છે.
(૧૦) ગાઢ મિત્ર, ગાઢ સંબંધી નું મૃત્યુ થાય તો દોઢ દિવસનું સુતક લાગે છે.
૧૧) સાસુ ,સસરા,ભાણિયો, ભાણી નું મૃત્યુ થાય તો ૩ દિવસ નું સુતક પુરુષને લાગે છે.
(૧૨) માતા અથવા પિતા અથવા પત્નીનું મૃત્યુ થાય તો ૧૦ દિવસનું સુતક પુત્રને લાગે છે.
(૧૩) સાસુ સસરા અથવા પતિનું મૃત્યુ થાય તો ૧૦ દિવસનું સુતક સ્ત્રીને લાગે છે.
(૧૪) જન્મના સુતક ઉપર જન્મનું બીજું સુતક આવે તો પહેલા સુતક સાથે બીજું પણ ઉતરી જાય છે.
(૧૫) મરણના સુતક ઉપર બીજું મરણનું સુતક આવે તો બંને સૂતકો એક પછી એક તેમ પૂરા પાળવા પડે છે.
(૧૬) જન્મના સુતક ઉપર મરણનું સુતક આવે તો મરણના સુતકથી જ પૂરું કરવું.
(૧૭) મરણના સુતક ઉપર જન્મનું સુતક આવે તો ફક્ત મરણનું સુતક પૂરું કરવું.
(૧૮) પરણેલી દીકરી અથવા ઘરની વહુ બાળકને જન્મ આપે તો ત્રણ દિવસનું વૃધ્ધિ સુતક લાગે છે.
(૧૯) ઘણા લોકોમાં સવા મહિનાનો સુતકનો ધારો ચાલ્યો આવે છે, પરંતુ ગરુડ પુરાણમાં કોઈપણ સુતક સવા મહિના નું બતાવેલ નથી. પરંતુ વધુ ધર્મ ધ્યાન પુણ્યકર્મ બંધાય તે હેતુ ઘણા સવા મહિનાના નિયમને વળગી રહે છે, જેમાં ઘરના કુળદેવી અથવા કુળદેવતા દીપ ધૂપ વગરના રહી જાય છે. જેથી યાદ રાખવું જોઈએ કે ભગવાને બતાવેલ સુતક વિધાન બીજા જીવના ઉદ્ધાર માટે છે, આપણા પૂર્વગ્રહ કે અવસર કે ઉત્સાહ માટે નથી માટે મનુષ્યએ તેનો વિવેક જાળવવો જોઈએ.
– સાભાર સંજય પટેલ (અમર કથાઓ ગ્રુપ)