રામાયણ સાથે જોડાયેલી આ વાતો જાણીએ ચકિત થઈ જશો, આપણા લોકો વાંચતા નથી કે વિદેશના વાંચવાનું ચુકતા નથી.
શ્રી રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 10 એપ્રિલ, રવિવારના રોજ છે. આ દિવસે ભગવાન શ્રી રામની જન્મજયંતિ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. મુખ્ય રામ મંદિરોમાં વિશેષ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
જો કે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત ઘણા ધાર્મિક ગ્રંથો લખવામાં આવ્યા છે, પરંતુ તે બધામાં મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ સૌથી વધુ પ્રમાણિત માનવામાં આવે છે. પરંતુ જે રામાયણ સૌથી વધુ લોકપ્રિય છે તે ગોસ્વામી તુલસીદાસજી દ્વારા લખાયેલ શ્રી રામચરિત માનસ છે. આ પુસ્તકમાં તુલસીદાસે ભગવાન શ્રી રામના જીવનનું સૌથી સુંદર વર્ણન કર્યું છે. અન્ય ભાષાઓના વિદ્વાનોએ પણ રામાયણ પર આધારિત ઘણી કૃતિઓ લખી છે. શ્રી રામ નવમીના અવસર પર અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1) વાલ્મીકિ કૃત રામાયણ : ભગવાન શ્રી રામના જીવન પર આધારિત આ પુસ્તક સૌથી અધિકૃત માનવામાં આવે છે કારણ કે મહર્ષિ વાલ્મીકિ શ્રી રામના સમકાલીન હતા અને તેમના દ્વારા રચિત રામાયણનું વર્ણન લવ-કુશ દ્વારા શ્રી રામના દરબારમાં કરવામાં આવ્યું હતું. એટલે કે શ્રી રામે પોતે આ રામાયણ સાંભળ્યું હતું. આ પુસ્તક સંસ્કૃતમાં રચવામાં આવ્યું છે. આ શ્રી રામના જીવન પર આધારિત મૂળ ગ્રંથ હોવાનું માનવામાં આવે છે. જેમાં તિથિ, નક્ષત્ર વગેરેને લગતી ઘણી રસપ્રદ માહિતી પણ આપવામાં આવી છે.
2) શ્રી રામચરિત માનસ : ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ શ્રી રામચરિત માનસ સૌથી લોકપ્રિય છે. આ અખંડ રામાયણ પાઠ દરમિયાન વાંચવામાં આવે છે. તે અવધી ભાષામાં રચવામાં આવ્યું છે, જે તે સમયની સૌથી વધુ બોલાતી ભાષા હતી. આ પુસ્તકમાં ભગવાન શ્રી રામના જીવનનું જેટલું સુંદર વર્ણન છે એટલું અન્ય કોઈ પુસ્તકમાં જોવા મળતું નથી.
3) કમ્બન રામાયણ : તેને રામાવતારમ અથવા કમ્બ રામાયણ પણ કહેવામાં આવે છે. તેની રચના તમિલ કવિ કમ્બન દ્વારા કરવામાં આવી છે. તેને તમિલ સાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક પણ કહેવામાં આવે છે. આ ગ્રંથની રચના કરનાર કવિ કમ્બનને “કવિચક્રવર્તી” નું બિરુદ આપવામાં આવ્યું છે. તમિલ ભાષામાં લખાયેલ કમ્બન રામાયણ દક્ષિણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.
4) આનંદ રામાયણ : આ રામાયણ મૂળ રામાયણથી સાવ અલગ છે. તેના પ્રસંગો આતિશયોક્તિ વાળા છે. આ રામાયણના 9 કાંડ છે. પ્રથમમાં 13, બીજામાં 9, ત્રીજામાં 9, ચોથામાં 9, પાંચમામાં 9, છઠ્ઠામાં 9, સાતમામાં 24, આઠમામાં 18, નવમામાં 9 સર્ગ છે.
5) આ સિવાય ભગવાન શ્રી રામના જીવન સાથે સંબંધિત ગ્રંથો અન્ય ભાષાઓમાં પણ જોવા મળે છે, જેમ કે આસામી રામાયણ, વિલંકા રામાયણ, પંપ રામાયણ, કાશ્મીરી રામાયણ, રામાયણ પંચાલી વગેરે. એક માહિતી પ્રમાણે, વિશ્વમાં 300 થી વધુ રામાયણ પ્રચલિત છે. તેમાં ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાઓમાં લખાયેલા ગ્રંથોનો પણ સમાવેશ થાય છે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.