પરમાત્માએ જગતના ચોગાન વચ્ચે આ ઘોષણા કરી…
” મારી પાસે જે પણ ચીજો છે એ હું લુ ટાવી દેવા માંગું છું, તમે બધા સમયસર મારા દરબાર માં હાજર થઇ જજો. જીંદગીમાં તમારે ક્યારેય કોઈની પાસે કશું માંગવાની જરૂર નહિ રહે.”
ઘોષણા અને એ પણ પ્રભો તરફથી, પછી તો પૂછવાનું જ શું હોય?
જગતના બધા જ જીવો ઉમટી પડ્યા પ્રભુ ના દરબારમાં અને પ્રભુએ સંપત્તિ, સફળતા, સત્તા, સ્વાસ્થ્ય, સંબંધ વગેરે બધું જ જગતના લોકો વચ્ચે ઊછળવા માંડ્યું.
જીવો થાકી જય એ હદે પ્રભુ એ ઉછાળી તો દીધું પણ એક ચીજ પ્રભુએ એવી ઉછાળી છે કે જેના તરફ કોઈનું ધ્યાન ગયું નહિ. એ તો ઠીક પણ એ ચીજ જેવી નીચે ધરતી પર પડી પ્રભુએ તુરંત તેને પોતાના પગ નીચે દબાવી દીધી.
બધા જીવો પોતાને મનગમતી વસ્તુ લઇ ત્યાંથી રવાના થઇ ગયા ત્યારે પ્રભુના કોઈ ખાસ ભક્તે પ્રભુ ને પૂછ્યું,
” પ્રભુ આપે પગ નીચે શું દબાવ્યું? ”
“તને ખબર પડી ગઈ?”
” હા. ”
” મેં પગ નીચે મનની શાંતિ ને દબાવી છે. મેં આ ઉછાળી તો હતી પણ એના તરફ કોઈનું કાં તો ધ્યાન ગયું નહિ, અને કોક નું ધ્યાન ગયું પણ હશે તો એ લઇ લેવામાં એને રસ દાખવ્યો નહિ. આખરે એ એમ ને એમ ધરતી પર પડી રહી. ”
“પણ આપે અને પગ નીચે કેમ સંતાડી દીધી?”
” એની પાછડ એક રહસ્ય છે, માનસ ને સંપત્તિ બજારમાંથી મળી જશે, સફળતા બુદ્ધિ પાસે થી મળી રહેશે, સત્તા મુત્સદીગીરથી મળી જશે પણ જો એને મન ની શાંતિ જોઇશે તો એને મારી પાસે આવવું પડશે. કારણ કે શાંતિ મને જ બંધાયેલી છે, મારા વચનોને જ બંધાયેલી છે. ”
– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)