વૃદ્ધના દીકરાઓએ તેમના માટે જે કર્યું તે જોઈને વૃદ્ધની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં, વાંચો આ લઘુકથા.

0
865

“જગ્યા”

– માણેકલાલ પટેલ

આજે રવિવાર હોઈ આલીશાન હોટલના બીજા માળે આવેલ ડાઇનિંગ હોલ ખીચોખીચ ભરેલો હતો.

દશેક વ્યક્તિઓ વેઈટીંગ સ્પેસમાં સોફા પર બેઠી હતી.

જગ્યા થઈ એટલે મેનેજરે સોફા પર બેઠેલાંઓને ડાઇનિંગ હોલમાં જવા વિનંતી કરી. એ દશમાં ચાર સ્ત્રીઓ, ત્રણ પુરુષો અને ત્રણ બાળકો હતાં.

બધાં ઉભાં તો થયાં પણ કોઈ ખાલી થયેલ ટેબલ તરફ ગયાં નહિ. એ દરમિયાન બીજા ગ્રાહકો એ ટેબલ પર ગોઠવાઈ ગયા.

ત્રણ પુરુષોમાં સૌથી નાનો હતો એ કોઈને ફોન કરી રહ્યો હતો.

ત્યાં મેનેજરે ફરીથી આવીને કહ્યું : ” બીજાં બે ટેબલ ખાલી થયાં છે. તમે બધા ગોઠવાઈ જાઓ.”

પણ એ દશમાંથી કોઈ ત્યાં ગયું નહિ.

મેનેજર વિચારમાં પડી ગયો.

એક મહિલાએ કહ્યું : “બાર જણ બેસી શકે તેવું મોટું ટેબલ ખાલી થાય એટલે કહેજો.”

“પણ, તમે તો દશ છો?”

“બે જણ આવે છે.”

થોડીવાર થઈ અને લિફ્ટમાંથી વ્હીલચેરમાં બેઠેલા એંસીએક વર્ષના વૃદ્ધને લઈને જે વ્યક્તિ આવી તેણે પૂછ્યું : “જગ્યા થઈ?”

મેનેજરે બધાંને એક મોટા ટેબલ તરફ ઈશારો કર્યો એટલે બધાં ત્યાં ગોઠવાઈ ગયા પછી પેલા વૃદ્ધે કહ્યું : “તમે બધાં એકલાં આવ્યાં હોત તો? મારા પગ નહિ અને તમે મને છેક આટલે ચઢાવ્યો? આવી ક્યાં જરૂર હતી?”

” બાપા આજે તમે એંસી પૂરાં કર્યાં એની ખુશીમાં….” અને બધાં એકી સાથે બોલી ઉઠ્યાં : ” હેપી બર્થ ડે ટુ યુ, ડીયર બાપા!”

ત્યારે એ વૃદ્ધની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.

– માણેકલાલ પટેલ