સુખ આવતા તમે ભગવાનને ભૂલી જાવ, પણ દુઃખમાં ભગવાન તમને નહિ ભૂલે, એક વખત જરૂર વાંચજો.

0
895

શામજી નાનપણ થી ભરાડી હતો… ભાઈ બંધ ઘણા અને શામજી એનો હેડ હતો. ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે, કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે, ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને પાદરે વડ નું ખુબ જ મોટું ઝાડ એની નીચે બેસીને પછી બધી જ વસ્તુના ઢગલાં કરતાં અને પછી શામજી ભાગ પાડે.

બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે. ભાઈબંધ પુછે એલા શામજી આ કોનો ભાગ? તો શામજી કહે આ ભાગ ભગવાનનો !’ અને પછી સૌ પોત પોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને ભગવાનનો ભાગ ત્યાં મુકી જતા, રાતે ભગવાન ત્યાં આવશે અને છાનામાના તે પોતાનો ભાગ આવી ને ખાઈ જશે એમ શામજી બધા ને સમજાવે.

બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય. અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ. અને આમ રમતાં રમતાં શામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો.

બે હાથે ઘણું ય ભેગું કર્યું. જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજી નો લોભ વધતો ગયો. ધન ભેગુ તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભુલી ગયો.

લગ્ન કર્યા છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા થયા. શામજી ઘર મા દરેક ની જરૂરિયાત પુરી કરે. જેને જે જોતું હોય તે લાવી આપે આ બધી પળોજણ મા ભગવાન નો ભાગ તો હવે સાવ ભુલાઈ જ ગયો.

ધીમે ધીમે શામજી ને થાક લાગવા માંડ્યો એમાંય તેની પત્ની માંદગીમાં ગુ જરી ગઈ પછી તો શામજી સાવ ભાંગી ગયો. હવે શરીર સાથ નહિ આપે તેમ લાગવા માંડ્યું. છોકરા ઓ ધંધે ચડી ગયા છે હવે હું કામ નહિ કરું તો ચાલશે આમ વિચાર શામજી ને આવ્યો અને શામજી એ કમાવવાનું બંધ કર્યું.

છોકરા ઓ એ વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછી તો મકાન મિલકત ના ભાગ પડ્યા. બધાએ બધું વહેંચી લીધું. વધ્યો ફક્ત શામજી એક પણ છોકરાએ રાજી ખુશીથી એમ ના કહ્યું કે, બાપા અમારી ભેગા ચાલો. અને શામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાન મા એકલો રહેવા લાગ્યો હાથે રાંધી ને ખાય ને દિવસો પસાર કરે.

એક દિવસ શામજી ને શરીર મા કળતર જેવું લાગ્યું. ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઊઠાતુ ન્હોતું અને આજ શામજી ને ભગવાન યાદ આવ્યા. હે ઈશ્વર નાનો હતો ત્યારે રમતાં-રમતાં ય તારો ભાગ કાઢવાનું નહો તો ભુલતો અને પછી જેમ જેમ મોટો થયો એમ આ મારું આ મારું કરવામાં તને સાવ ભુલી ગયો. પ્રભુ જેને હું મારાં માનતો હતો તે કોઈ મારાં નથી રહ્યાં અને આજે સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે. મને માફ કરજે.

ભગવાન…હ્રદય નો પસ્તાવો આંખ માંથી આસુ બનીને વહેવા લાગ્યો… અને ત્યાં ડેલી ખખડી. શામજી એ સહેજ ઊંચા થઈને જોયું તો રઘો કોળી એનો નાનપણ નો સાથી બિચારો પગે સહેજ લંગડો એટલે આ લોકો એને ક્યાંય રમતમાં ભેગો રાખતા નહિ. તે આજ હાથમાં કંઇક વસ્તુ ઢાંકી ને લાવ્યો હતો.

શામજી એ સુતાં સુતાં જ આવકાર આપ્યો – આવ રઘા આવ.

રધાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને શામજી ને ટેકો કર્યો ને બેઠો કર્યો પાણી નો લોટો આપ્યો અને કહ્યું, લ્યો કોગળો કરીલ્યો તમારી હાટુ ખાવાનું લાવ્યો છું.

શામજી કોગળો કરી મોઢું લૂછીને જ્યાં કપડું આઘુ કર્યું ત્યાં ભાખરી ભરેલ ભીંડાનું શાક અને અડદ ની દાળ ભાંળીને શામજીની આંખમાં આંહુડા આવી ગયા. આજ કેટલા દીએ આવું ખાવાનું મળ્યું તેણે રઘા હામુ જોય ને કીધું. રધા આપડે નાના હતાં ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ તું પગે લંગડો એટલે અમે તને અમારી ભેગો નો રમાડતાં અને આજ તું આ ખાવાનું લાવ્યો મારા ભાઈ આ હું કયે ભવે ચૂકવિશ.

પાણી નો લોટો એની બાજુમાં મૂકતા રધો બોલ્યો, તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે.

ચૂકવી દીધું છે? ક્યારે? શામજી ની આંખમાં પ્રશ્નાર્થ આવ્યો.

રધાએ માંડીને વાત કરી તમે બધા બોર વીણી ને આંબલી પાડી ને ઓલા વડલા હેઠે ભાગ પાડવા બેહતા ત્યારે ખબર છે ભગવાનનો ભાગ કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે.

ઈ તમારા ગયા પછી હું ત્યાં આવતો અને એ ભાગ હું ખાઈ જતો. તમે બધા બીજે દિવસે આવો ને ત્યાં બોરના ઠળિયા પડ્યાં હોય એટલે તમને બધાને એમ લાગતું કે, ભગવાન એનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો અને વિચારતો કે આ હું કયે ભવ ચૂકવિશ.

પણ ગઇકાલે રાતે બધા પાદરે બેઠાં હતાં ત્યારે તમારી વાત થાતી હતી કે, બિચારો શામજી દુઃખી-દુઃખી થઈ ગયો બિચારા નું કોઈ નથી. અને ઘરે જઈને રાતે સુતાં-સુતાં વિચાર આવ્યો કે, રઘા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો.

હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું બેય ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે, અને બીજું કાય નાં નથી પાડવાની અને કાંઈ બોલો તો મારા સમ છે.

શામજી ની આંખ માંથી આહૂડાં પડી ગયા અને રઘા હામુ જોઈને કીધું, રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારાં છોકરાં, આ મારો પરિવાર એ દરેક ની જરૂરિયાત પૂરી કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી પણ છેલ્લે બધાએ મને તરછોડી દીધો. અને નાનપણ માં ખાલી રમતાં-રમતાં અણસમજ માં ભગવાનનો ભાગ કાઢ્યો હતો તોય આજ એણે પાછો મને સંભાળી લીધો.

રઘો શામજી સામું અને શામજી રઘા સામું જોય રહ્યાં અને બેય ની આંખ માંથી એક બીજાના આભાર વ્યક્ત કરતા આંસુ વહી રહ્યાં હતા.

– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)