વરુથિની એકાદશી ક્યારે છે, જાણો ચોક્કસ તારીખ, મહત્વ, પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય.

0
408

પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનામાં વદ પક્ષમાં આવતી એકાદશી (અગિયારસ) ને વરુથિની એકાદશી કહે છે. સામાન્ય રીતે વર્ષમાં 24 એકાદશીની તિથિઓ હોય છે. દરેક એકાદશીનું નામ અને મહત્વ અલગ-અલગ હોય છે. ચૈત્ર માસની વદ એકાદશીને વરુથીની એકાદશી કહે છે. આ વખતે વરુથિની એકાદશી 26 એપ્રિલ, મંગળવારે આવી રહી છે.

વરુથિની એકાદશી 26મી એપ્રિલે સવારે 1:37 વાગ્યાથી શરૂ થશે અને 27મી એપ્રિલે બપોરે 12:47 વાગ્યા સુધી ચાલશે. આ એકાદશીને કલ્યાણકારી એકાદશી પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખે છે, જેઓ ભગવાન વિષ્ણુની પૂરા મનથી પૂજા કરે છે તેમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ચૈત્ર વદી એકાદશીનું નામ વરૂથિની એકાદશી છે. આ એકાદશી આ લોક તથા પરલોકમાં સુખ આપનારી છે. એ પાપોનો નાશ કરે છે. આ વરૂથિની એકાદશી કરવાથી માંધાતા તથા ધુંધુમાર રાજાઓ પણ સ્વર્ગમાં ગયા હતા. મહાદેવને બ્ર-હ્મ-હ-ત્યા-નું પાપ લાગેલું તે પણ, આ એકાદશીના વ્રતથી દૂર થયું હતું.

વરુથિની એકાદશી 2022 તિથિ અને પારણ સમય :

મંગળવાર, 26 એપ્રિલ, 2022 ના રોજ વરુથિની એકાદશી

એકાદશી તિથિ શરૂ થાય છે – 26 એપ્રિલ, 2022 સવારે 01:37 વાગ્યે

એકાદશી તિથિ સમાપ્ત થાય છે – 27 એપ્રિલ, 2022 સવારે 12:47 વાગ્યે

27મી એપ્રિલે, પારણાનો સમય – સવારે 06:41 થી 08:22 સુધી

પારણા તિથિ પર હરિ વાસર સમાપ્તિનો સમય – 06:41 AM

વરુથિની એકાદશી 2022 શુભ મુહૂર્ત : વરુથિની એકાદશીના દિવસે સાંજે 7:06 વાગ્યા સુધી બ્રહ્મ યોગ છે. આ પછી ઈન્દ્રયોગ શરૂ થઈ રહ્યો છે. શતભિષા નક્ષત્ર સાંજે 4:56 વાગ્યા સુધી છે. અને તે પહેલા ભાદ્રપદ થશે. આ બંને યોગ અને નક્ષત્ર શુભ કાર્યો માટે સારા માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખનારા લોકો વહેલી સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે છે. આ દિવસે બપોરે 12:47 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 27 મી એપ્રિલે સવારે 05:44 વાગ્યા સુધી ત્રિપુષ્કર યોગ છે. તેમજ અભિજિત મુહૂર્ત બપોરે 11:53 થી 12:45 સુધી છે.

વરુથિની એકાદશીનું મહત્વ : એવી ધાર્મિક માન્યતા છે કે વરુથિની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મનને શાંતિ મળે છે. આ વ્રત રાખનારા લોકોએ પૂજા દરમિયાન ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

વરુથિની એકાદશી વ્રતના નિયમ :

વ્રતના નિયમો પ્રમાણે વરુથિની એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ.

તે પછી વ્રત રાખવાનો સંકલ્પ લેવો.

આ દિવસની પૂજામાં ભગવાનને તરબૂચ જમાડવું જોઈએ અને મનમાં ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ.

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુને તુલસીવાળું જળ ચઢાવવું જોઈએ.

તેમજ પૂજા સમયે એકાદશી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ.

વરુથિની એકાદશી વ્રત રાખનારા લોકોએ તે દિવસે ભોજન ન કરવું જોઈએ.

પ્રસાદમાં ફળો લેવા જોઈએ.

આ દિવસે મીઠાનું સેવન પણ ટાળવું જોઈએ.