જીવનમાં સમસ્યા આવે ત્યારે માથે હાથ દઈને રડવા લાગશો તો આગળ નહિ વધી શકો, વાંચો આ ખેડૂતની સ્ટોરી

0
681

કેટલાક લોકોની આદત હોય છે, તેઓ દરેક સમસ્યાને એટલી મોટી સમજી લે છે કે તેઓ તેને ઉકેલવા વિશે વિચારતા પણ નથી, જ્યારે હકીકતમાં આવું કંઈ હોતું નથી. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો કોઈ ઉકેલ ન હોય.

સમસ્યા શરૂ થતાં જ તેના ઉકેલ વિશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ અને તેને સમયસર ઉકેલી લેવી જોઈએ. જો આવું કરવામાં આવે તો અનુભવ થાય છે કે સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલાઈ ગઈ છે. આજે અમે તમને એવી જ એક ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સમજાવે છે કે સમય રહેતા સમસ્યાનો ઉકેલ લાવી દેવો જોઈએ.

જ્યારે ખેડૂતે નાના પથ્થરને મોટો ખડક સમજી લીધો :

એક ખેડૂત હતો. તે એક મોટા ખેતરમાં ખેતી કરતો હતો. તે ખેતરની વચ્ચોવચ પથ્થરનો એક ભાગ જમીનની ઉપર બહાર નીકળેલો હતો, જેની ઠોકર વાગવાને કારણે તે ઘણી વખત પડી જતો હતો અને ન જાણે કેટલી વાર તેની સાથે અથડાયા બાદ તેના ખેતીના ઓજારો પણ તૂટી ગયા હતા.

દરરોજની જેમ આજે પણ તે વહેલી સવારે ખેતી કરવા ખેતરમાં પહોંચી ગયો હતો, પણ વર્ષોથી જે થતું હતું તે આજે પણ થયું. ફરી એક વખત તે પથ્થર સાથે અથડાવાને કારણે તેનું હળ તૂટી ગયું. ખેડૂત ગુસ્સે થઈ ગયો અને મનમાં વિચાર્યું કે, આજે ગમે તે થાય તે આ પથ્થરને જમીન પરથી હટાવીને આ ખેતરની બહાર ફેંકી દેશે.

તેણે તરતગામમાંથી 4-5 લોકોને બોલાવ્યા અને તેમની સાથે તે પથ્થર પાસે પહોંચી ગયો. ખેડૂતે કહ્યું, “જુઓ, જમીનમાંથી નીકળેલા ખડકના આ ભાગથી મને ઘણું નુકસાન થયું છે અને આજે આપણે બધાએ મળીને તેને મૂળમાંથી કાઢીને ખેતરની બહાર ફેંકી દેવાનો છે.”

અને આટલું કહીને તેણે પાવડા વડે પથ્થરની ધારની આજુબાજુની માટી ખસેડવાનું શરૂ કર્યું, પણ આ શું! તેમણે માત્ર 5 મિનીટ એવું કર્યું અને આખો પથ્થર જમીનમાંથી નીકળી ગયો. નજીકમાં ઉભેલા લોકોને પણ નવાઈ લાગી અને તેમાંથી એક ભાઈએ હસીને પૂછ્યું, “કેમ ભાઈ, તમે તો કહેતા હતા કે તમારા ખેતરની વચ્ચે એક મોટો પથ્થર દટાયેલો છે, પણ આ તો સાવ નાનો પથ્થર નીકળ્યો.”

ખેડૂતને પણ નવાઈ લાગી. તે વર્ષોથી જેને મોટા ખડક તરીકે માનતો હતો તે હકીકતમાં માત્ર એક નાનો પથ્થર હતો. તેણે અફસોસ વ્યક્ત કર્યો કે, જો તેણે અગાઉ આ પથ્થરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોત તો તેણે આટલું બધું નુકશાન અને દુઃખ સહન ન કર્યું હોત, અને મિત્રોની સામે પોતાની મજાક ઉડાવી ન હોત.

બોધ : કેટલીકવાર આપણે જીવનમાં આવતી નાની-નાની મુશ્કેલીઓને મોટી માની લઈએ છીએ અને તેનો સામનો કરવાને બદલે દુઃખ સહન કરતા રહીએ છીએ. એવામાં જરૂરી એ છે કે આપણે સમય બગાડ્યા વિના તે સમસ્યાઓ સામે લડીએ અને જ્યારે આપણે એવું કરીશું, તો ખડક જેવી લાગતી સમસ્યા નાના પથ્થર જેવી લાગવા માંડશે, જેને આપણે સરળતાથી દુર કરીને આગળ વધી શકીએ છીએ.