વ્યાસજીએ પૂછ્યું જ્યારે માણસના જીવનમાં અશાંતિ આવે ત્યારે તેણે શું કરવું જોઈએ, જાણો સનતકુમારનો જવાબ

0
1281

મુનિ સનત કુમાર બહુ સરસ વાર્તા સંભળાવતા હતા. એક દિવસ વેદોનું સંપાદન કરનારા મહર્ષિ વેદ વ્યાસે સનત કુમારને પૂછ્યું, ‘જ્યારે માણસના જીવનમાં અશાંતિ આવે છે, જ્યારે તે પરેશાન થાય છે ત્યારે તેણે શું કરવું જોઈએ?’

સનત કુમારે કહ્યું, ‘વ્યાસજી, માણસની અશાંતિનું મુખ્ય કારણ એ છે કે તે પ્રકૃતિથી દૂર થઈ જાય છે. મારા અંગત અનુભવ પરથી હું કહું છું કે, જો વ્યક્તિ આ પાંચ કાર્ય કરે તો તે ક્યારેય અશાંત નથી થઈ શકતો. પ્રથમ કાર્ય પાણીનું દાન કરવાનું છે. જરૂરિયાત મંદ લોકોને પાણી પૂરું પાડવું જોઈએ. બીજું કાર્ય જળાશય, તળાવ બંધાવવાનું કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સક્ષમ હોય, તો તેણે પાણીના કુંડ બનાવવા જોઈએ. તેનાથી ધરતીની તરસ છીપાય છે અને પ્રકૃતિમાં હરિયાળી વધે છે.

ત્રીજું કામ વૃક્ષો વાવવાનું છે. છોડ રોપનાર વ્યક્તિ પ્રકૃતિ સાથે પણ જોડાય છે. ચોથું કાર્ય છે હંમેશા સાચું બોલવું. પ્રયત્ન કરવો કે ક્યારેય જૂઠું બોલવું પડે નહિ. તમે જેટલું વધુ સત્ય બોલશો, તેટલું તમારું મન શાંત રહેશે, કારણ કે જે વ્યક્તિ સાચું બોલે છે તેણે ક્યારે શું કહ્યું હતું તે યાદ રાખવાની જરૂર નથી. જ્યારે પણ કાંઈ બોલ્યું હશે તે સાચું જ બોલ્યું હશે. અને પાંચમું કાર્ય જીવનમાં અનુશાસન જાળવવાનું છે.

વ્યાસજીએ આ વાતો સાંભળીને પૂછ્યું : ‘જો કોઈ વ્યક્તિ આ 5 કામ કરે તો શું તે પ્રકૃતિ સાથે જોડાઈ જશે?’

સનત કુમારે કહ્યું : ‘હા, આ પાંચ કાર્યો વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે. વ્યક્તિ ભલે ધંધો કરે, નોકરી કરે કે કોઈ પણ કામ કરે, તે અશાંત નહીં થાય.’

પાઠ : જો કોઈ વ્યક્તિ પાણી બચાવે, પાણીનું દાન કરે, વૃક્ષ વાવે, જૂઠું ન બોલે અને શિસ્તબદ્ધ હોય તો તેના જીવનમાં હંમેશા શાંતિ રહે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.