એક સ્ત્રીને જ્યારે યમ રાજા લેવા આવે છે તો એ શું કહે છે તે વાંચો.

0
1172

યમરાજ : “ચાલો..”

સ્ત્રી : “તમે કોણ?”

યમરાજ : “યમરાજ…તમારો સમય અહીં પૂરો થયો.”

સ્ત્રી : “ઓહ…આમ…આમ..અચાનક તમે મને ના લઈ જઈ શકો.”

યમરાજ : “કેમ? હજુય લાલચ નથી છૂટતી જીવવાની!”

સ્ત્રી : “એવું નથી સાહેબ…વધારે નહીં, માત્ર એક દિવસ આપો મને. કાલે આ જ ટાઈમે લઈ જજો બસ…માત્ર ચોવીસ કલાક.”

યમરાજ : “એવું તો શું કરી લેવું છે આ ચોવીસ કલાકમાં?”

સ્ત્રી : “જી.. મારે હજુ રસોઈ બાકી છે. સાંજે મહેમાન આવે છે.. એમને સાચવવાના છે. મારું કબાટ અસ્ત-વ્યસ્ત છે, જરાક સરખું ગોઠવી લઉં. મને જ લપેટવા કોરા કપડાં જોઈશે.. તો તરત મળી રહે.

કાલે જ દીકરાને મારા હાથની પુરી ખાવાનું મન થયેલું… એકાદ ડબ્બો ભરી લઉં… ચાલશે એને. ઘઉં દળાવવા મુકેલા છે.. એ આજે લેતી આવું.

મલાઈનો બાઉલ ભરાઈ ગયો છે… ઘી કાઢી લઉં જરા. ચાદરોય સારી પાથરી દઉં.. કેટલાય આવશે!

અને હા.. ઉઘડતી સ્કૂલે બાળકોના નવા સ્કૂલ ડ્રેસ લાવવાના છે.. થોડા વહેલા જ લઈ આવું. પછી ફિટિંગની માથાકૂટ જ નહીં. દીકરીના વાળ કપાવતી આવું… જાતે ઓળી તો શકે.

થોડુંક કરિયાણુંય ભરી જ લઉં… દસેક પેકેટ મેગીના લેતી આવું, મારા વગર સોરાતા બાળકો કદાચ એ તો ખાય! ને

હા.. થોડો સમય એ રીતે એડજસ્ટ કરજો પ્લીઝ કે મારા બધા બાળકો મારી સામે જ હોય. ધરાઈને એમને જોઈ લઉં એટલે પછી એક દુઃખ ના રહે કે છેલ્લે મળાયું નહીં.

યમરાજ : “તમે…છો કોણ? આ પૃથ્વી પર કયા નામ- સ્વરૂપથી જાણીતા છો?”

સ્ત્રી : “જી… હું માં છું. આ તો તમે શોર્ટ નોટિસ આપી એટલે… નહીંતર બીજા ઘણાંય કામ છે. પણ હવે.. તમારી સામે કોઈનુંય ક્યાં ચાલ્યું છે!”

યમરાજ : “માફ કરશો.. મારુ કામકાજ જ એવું છે કે લાગણી શબ્દની સમજણ જ નહોતી. હું તો સ્ત્રી/માં એટલે માત્ર હરતું-ફરતું શરીર જ ધ્યાનમાં રાખતો..પણ એમાં ઠાંસી ઠાંસીને આટલો પ્રેમ હોય એવી તો ખબર જ ક્યાં!

તમારી જરૂર અહીં નીચે વધારે છે.. થોડુંક કાળું-ધોળું બધે જ ચાલતું હોય.. તમતમારે જલસા કરો, હું કોક વેન્ટિલેટર પાસે પહોંચી જઉં. પણ હા… કામની લાલચ અતિશય ના રાખતા હોં, ફરી ક્યારેક આવું તો ખાલી હાથે નહીં જઉં. મારેય જવાબ આપવાનો હોય.”

દરેક માતાઓને સમર્પિત.

– સાભાર મીના અમિત ગામી (અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)