દિવ્ય ધનુષ્ય : કયા કાળમાં કયા ધનુર્ધર પાસે હતું કયું દિવ્ય ધનુષ્ય? જાણો વિસ્તારથી.

0
1222

ઘણા ઓછા લોકો જાણે છે આપણા પ્રાચીન સાહિત્યમાં જણાવેલા આ દિવ્ય ધનુષ્ય વિષે, જાણો કોની પાસે કયું દિવ્ય ધનુષ્ય હતું. પ્રાચીન સમયથી જ ભારતમાં એકથી એક ચડિયાતા ધનુર્ધર થતા આવ્યા છે. પરંતુ આપણા દેશમાં ધનુષ્ય અને તીરની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ એક રહસ્ય જ છે.

વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય સંહિતા અને અરણ્ય ગ્રંથોમાં ઇન્દ્રના વજ્ર અને ધનુષ-બાણનું વર્ણન મળે છે. તેમજ હિંદુ ધર્મના 4 ઉપવેદોમાંથી ચોથું ઉપવેદ ધનુર્વેદનું જ છે. અન્ય સાહિત્યમાં કુલ 12 પ્રકારના શ સત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ધનુષ્ય અને બાણનું સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. ચાલો આપણે કેટલાક દૈવીય ધનુષ્ય અને તીર વિશે જાણીએ.

પિનાક ધનુષ્ય : આ ધનુષ્ય દ્વારા જ ભગવાન શંકરે બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મેળવનારા ત્રિપુરાસુર રાક્ષસનો અંત કર્યો હતો. ભગવાન શંકરે આ ધનુષ્યના એક જ તીરથી ત્રિપુરાસુરના ત્રણ નગરોને ધ્વસ્ત કરી દીધા હતા. પાછળથી ભગવાન શંકરે આ ધનુષ્ય દેવરાજ ઇન્દ્રને સોંપી દીધું હતું. પિનાક નામનું આ ધનુષ્ય તે જ શિવ ધનુષ્ય હતું, જેને દેવતાઓએ રાજા જનકના પૂર્વજોને આપ્યું હતું, અને અંતે તે રાજા જનકને વારસા તરીકે પ્રાપ્ત થયું હતું. આ જ પિનાક નામના ધનુષ્યને ભગવાન રામ દ્વારા તોડવામાં આવ્યું હતું.

કોદંડ ધનુષ્ય : ‘કોદંડ’ એટલે કે વાંસનું બનેલું આ ધનુષ્ય ભગવાન રામ પાસે હતું. એવી માન્યતા છે કે, આ ધનુષ્યમાંથી છોડવામાં આવેલું બાણ પોતાના લક્ષ્યને ભેદીને જ પાછું આવતું હતું.

શારંગ ધનુષ્ય : શિંગડામાંથી બનેલું આ ધનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણ પાસે હતું. એવું માનવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણે આ ધનુષ્ય દ્વારા લક્ષ્મણા સ્વયંવરની સ્પર્ધા જીતીને લક્ષ્મણા સાથે લગ્ન કર્યા હતા.

ગાંડીવ ધનુષ્ય : આ ધનુષ્ય અર્જુન પાસે હતું. એવું માનવામાં આવે છે કે, અર્જુનના ગાંડીવ ધનુષ્યના રણકારથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠતું હતું. અર્જુનને આ ધનુષ્ય અગ્નિ દેવ પાસેથી મળ્યું હતું અને અગ્નિ દેવતાને આ ધનુષ્ય વરૂણ દેવ પાસેથી મળ્યું હતું.

વિજય ધનુષ્ય : આ ધનુષ્ય કર્ણ પાસે હતું. એવું માનવામાં આવે છે કે, કર્ણને આ ધનુષ્ય તેમના ગુરુ પરશુરામે આપ્યું હતું. આ ધનુષ્યની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેને કોઈ પણ પ્રકારના અ સત્ર-શ સત્રથી તોડી શકાતું ન હતું.

આ માહિતી એબીપીલાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.