ભગવાન શિવના સાચા ભક્ત કોણ? જાણવા માટે વાંચો આ કથા.

0
646

આ કથાના આધારે જાણો કોણ હોય છે ભોળેનાથના સાચા ભક્ત? એક કથા મુજબ એક નગરમાં ભગવાન શિવનું એક મોટું ભવ્ય મંદિર હતું. આ મંદિરમાં દર વર્ષે દુર દુરથી ભક્તજનો પોતાના આરાધ્ય શિવજીના દર્શન કરવા માટે આવતા હતા.

એક વખત શ્રાવણ મહિનામાં દુર દુરથી કાવડિયા કાવડ લઈને ભગવાન શિવનો જલાભિષેક કરવા આવ્યા હતા. આ કારણે મંદિરનું પરિસર ભક્તોની ભીડથી સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું. ત્યારે અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી અને પછી સોનાનો એક થાળ નીચે પડ્યો. પછી એક ભવિષ્યવાણી થઇ કે, જે કોઈ ભગવાન શિવના સાચા ભક્ત અને પ્રેમી હશે તેને આ થાળ મળશે.

મંદિર પરિસરમાં હાજર તમામ લોકો આ ભવિષ્યવાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા. પછી ધીમે ધીમે બધા તે થાળ પાસે એકઠા થઇ ગયા. જે લોકો મંદિરની વ્યવસ્થા સંભાળતા હતા, તેમને તો સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ થાળ આપણને મળશે. એટલા માટે તે બધાની આગળ જઈને ઉભા રહી ગયા.

પછી સૌથી પહેલા એક પંડિતજી ભીડમાંથી આગળ આવ્યા અને કહ્યું, જુઓ હું દરરોજ મહાદેવના અભિષેક કરું છું, એટલે હું તો ભોલેનાથનો સૌથી મોટો પ્રેમી અને ભક્ત છું. એટલા માટે થાળ મને મળવો જોઈએ. એટલુ કહીને પંડિતજીએ થાળ ઉપાડ્યો. જેવો પંડિતજીએ થાળ ઉપાડ્યો કે તે થાળ પિત્તળનો થઇ ગયો, તે જોઈને પંડિતજી શરમાઈ ગયા. તેમણે થાળ પાછો મૂકી દીધો અને ત્યાંથી નીકળી ગયા.

પછી એક એક કરીને ત્યાં હાજર બધા પંડીતોએ પોતાને અજમાવ્યા. પરંતુ કદાચ તેમાંથી કોઈ પણ સાચા ભક્ત ન હતા. તેમણે પણ થાળ પાછો મૂકીને જવું પડ્યું. ત્યાર પછી તે નગરના રાજાનું આગમન થયું. રાજા સાહેબ આગળ આવ્યા અને કહ્યું, મેં મહાદેવના મંદિરમાં ઘણી દાન દક્ષિણા આપી છે. એટલા માટે આ થાળ મને જ મળશે. એટલું કહીને રાજા આગળ વધ્યા અને થાળ ઉપાડ્યો. જેવો રાજાએ થાળ ઉપાડ્યો કે થાળ તાંબાનો થઇ ગયો. તે જોઇને મહારાજ પણ શરમાઈ ગયા અને થાળ મૂકીને એક તરફ ઉભા રહી ગયા.

ત્યાર બાદ આ રીતે એકથી એક ચડિયાતા દાની મહાત્મા અને ભક્ત પધાર્યા અને તેમણે થાળ ઉપાડ્યો, પરંતુ કોઈના હાથમાં તે થાળ સોનાનો ન રહ્યો. ત્યારે લોકોને ખબર પડી કે આપણામાંથી કોઈ પણ મહાદેવનો સાચો ભક્ત નથી. તે સમયે એક ખેડૂતનું આગમન થયું. તે બિચારો બે મહિના પછી ચાર્તુર્માસના સોમવારના શુભ પ્રસંગે શિવજીના દર્શન કરવા આવ્યો હતા.

ગરીબી અને ગૃહસ્થીની જવાબદારી નીચે દબાયેલો આ ખેડૂત દિવસ રાત ખેતરમાં મહેનત-મજુરી કરીને પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરતો હતો. તે રસ્તામાં આવી રહ્યો હતો કે તેને એક ભિખારી મળ્યો અને તે ખેડૂત પાસે કાંઈક ખાવાનું માંગવા લાગ્યો. આ ખેડૂતને દયા આવી ગઈ. તે પોતાના ખાવા માટે જે લાવ્યો હતો તે ભિખારીને આપી દીધું.

સોનાના થાળ વિષે તેણે પણ સાંભળ્યું હતું, પરંતુ તેણે તેની તરફ જરાપણ ધ્યાન ન આપ્યું. તે સીધો મંદિરમાં ગયો અને મહાદેવની પૂજા કરીને બહાર આવી ગયો. તે પરિક્રમા કરીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક વ્યક્તિ બોલ્યો, ભાઈ તમે પણ થાળ ઉપાડીને જોઈ લો. બની શકે છે તમે જ તે સાચા ભક્ત હોવ, જેમના માટે આ થાળ આવ્યો છે.

ખેડૂતને લાગ્યું કે, આ વ્યક્તિ તેની મજાક ઉડાવી રહ્યો છે. ખેડૂત હસતા હસતા બોલ્યો – ભાઈ, હું તો ક્યારે પણ કોઈ પૂજા પાઠ પણ નથી કરતો, મહિનામાં એકાદ વખત મંદિરમાં આવું છું. તો હું કેવી રીતે સાચો ભક્ત હોઈ શકું. તે અજાણ્યા ભાઈએ કહ્યું, અમે તો જોઈ ચુક્યા છીએ કે અમારી ભક્તિ તો બે કોડીની પણ નથી. હવે તમે પણ તમારો હાથ લગાવીને જોઈ લો. સોનાનો થાળ મળે કે ન મળે, પણ તમને એ તો ખબર પડી જશે કે, તમારી ભક્તિમાં કેટલું સત્ય છે.

છેવટે લોકોના ઘણા આગ્રહ કરવાથી એ ભોળા ખેડૂતે તે થાળ ઉપાડ્યો. જેવો તેણે થાળ ઉપાડ્યો કે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનાનો થાળ પ્રકાશમાં ચમકવા લાગ્યો. તે જોઈ બધા લોકોમાં આનંદની લહેર દોડી ગઈ. બધા લોકો તેની જય જયકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે – ભાઈ! તમે જ સાચા ભક્ત છો, હવે તમે અમને પણ જણાવો કે તમે કેવી ભક્તિ કરો છો? જેથી મહાદેવ તમારી ઉપર પ્રસન્ન છે.

આ સાંભળીને ખેડૂત બોલ્યો – હું કોઈ ભક્તિ નથી કરતો, હું માત્ર આખો દિવસ ખેતરમાં કામ કરું છું અને થોડો સમય કાઢીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરું છું. તે ઉપરાંત હું કોઈ વિશેષ કાર્ય નથી કરતો. લોકો પૂછવા લાગ્યા – તમે લોકોની મદદ કેમ કરો છો? આ સાંભળી ખેડૂત હસતા હસતા બોલ્યો – બીજાના ચહેરા ઉપર હાસ્ય જોઇને મને જે આનંદ અને ખુશી મળે છે, તેનું હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો. કદાચ એ કારણ છે કે, મહાદેવ મારી ઉપર ખુશ છે.

તો મિત્રો હંમેશા યાદ રાખજો કે, સત્કર્મની શરુઆત પણ આનંદથી થાય છે અને અંત પણ સુખદાયક હોય છે. ખરાબ કર્મની શરૂઆત પણ દુઃખથી થાય છે અને અંત પણ સુખદાયક હોય છે. આ કથા સત્ય ઘટના પર આધારિત છે એવી કોઈ પુષ્ટિ નથી થઈ, આ ફક્ત લોકો દ્વારા કહેવામાં આવતી કથા છે.

આ માહિતી ધ ડિવાઇન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.