એક વાર એક ભાઈને રસ્તા પરથી પાંચસો રૂપિયાની નોટ મળી. ભાઈ બહુ રાજી થયા. મફતના પૈસા મળે તો ક્યો માણસ રાજી ના થાય? ભાઈએ નક્કી કર્યું કે આ રૂપિયાથી પાર્ટી કરવી, મિત્રો સાથે જમવા જવું. એમણે બે મિત્રોને જ્યાફત માટે બોલાવ્યા.
મિત્રો આવ્યા. ત્રણેય હોટલમાં ગયા અને ભાઈએ ત્યાં વાત કરી કે કેવી રીતે નસીબજોગે એમને રસ્તા પરથી પૈસા મળ્યા. મિત્રોએ હસતાં-રમતાં જ્યાફત માણી અને પછી પોતપોતાના ઘેર ગયા.
થોડા દિવસ પછીની વાત. ભાઈ ટ્રેનમાં ઘેર આવતા હતા અને ક્યાંક એમનું પાકીટ ચોરાયું. પાકીટમાં બસોએક રૂપિયા હતા. ઘેર પહોંચીને ખબર પડતાં જ ભાઈનો મૂડ બરાબરનો બગડ્યો. જેવું પત્નીએ કંઈક પૂછ્યું કે ભાઈ તાડૂક્યા, ‘શાંતિ રાખ સમજી, એક તો સાલું પાકીટ ચોરાઈ ગયું, બસો રૂપિયાની અડી ગઈ અને ઉપરથી તું મા રોજીવ ખાય છે.’
પત્ની બિચારી નારાજ થઈને જતી રહી રસોડામાં, પોતાનાં કામ પતાવવાં. રાત પડી. ભાઈ પાનને ગલ્લે ગયા. વળી એમના મિત્રો મળ્યા. ભાઈએ ભારે ઉદાસ હૈયે એમને વાત કરી કે આજે કેવું ખોટું નુકશાન થઈ ગયું. વાતવાતમાં એમણે પત્ની સાથે થયેલા ઝઘડાની વાત કરી.
એક મિત્ર કહે, ‘બરાબર જ છે. એક તો આપણે ટેન્શનમાં હોઈએ ઉપરથી બૈરી બકબક કરે તો થોડું ચાલે.’ બીજો મિત્ર સમજદાર હતો. એણે ભાઈને કહ્યું, ‘એક મિનિટ યાર, તેં મોટી ભૂલ કરી છે આજે.’ ભાઈ એની સામે જોતા જ રહ્યા. જાણે પૂછતા ન હોય કે લે, મેં વળી કઈ ભૂલ કરી.
મિત્ર કહે, ‘ખોટું નહીં લગાડતો પણ યાદ છે તને પાંચસો રૂપિયા મળ્યા હતા ત્યારે આપણે કેવી મોટી પાર્ટી કરી હતી? ના, ના પણ પૈસા મળે અને આનંદ થાય તો એની ઉજવણી મિત્રો સાથે કરવાની અને પૈસા જાય ત્યારે એનો ગુસ્સો બૈરી પર કાઢવાનો… આ રીત નથી ઘરમાં રહેવાની અને બૈરી સાથે વર્તવાની. મને નહીં ગમ્યું તારું આવું કરવું.’
મિત્રો વળી છૂટા પડ્યા. ભાઈ ઘેર ગયા તો પત્ની રાતના ભગવાનની સામે દીવો પ્રગટાવીને માળા જપતી હતી. ખારા અવાજમાં જ ભાઈએ એને પૂછ્યું : ‘અત્યારે શાની પૂજા કરે છે?’ પત્ની કહે, ‘તમારું પાકીટ ખોવાયું છે ને, તો મેં માનતા માની છે. જોજો કાલે એની મેળે ક્યાંકથી કોઈક પૂછતું આવશે કે આ પાકીટ તમારું છે?’ બોલો હવે, કોણ વધારે પોતાનું અને કોણ ખરેખર સમજદાર?
– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)
પ્રતીકાત્મક ફોટાઓ