માં!
દુનિયાની સૌથી ખૂબસુરત સ્ત્રી હોય છે માં!
માં તર્કથી પર છે. માં વિશ્વાસ છે. ભરોસો છે. શ્રધ્ધા છે.
દુનિયા પર રાજ કરનારા, દુનિયાને પોતાની એક હાંકથી ધ્રુજાવનારા “માં” આગળ થરથર ધ્રુજી શકે છે! – કારણ એ માં છે! માં નું ફરમાન ઈશ્વરની આજ્ઞાથી વિશેષ છે.
બાપની ઓળખ આપે છે માં!
માં કહે છે : આ તારા પિતા છે! દુનિયામાં હર એક શ્વસતા સંતાનો કશા જ વિરોધ, સાબિતી વિના માની લે છે! માં ઈશ્વરનું ફરમાન છે!
માં ક્યારેય ખોટું બોલતી નથી.
ભીનામાં સૂઈને સંતાનોને સૂકામાં સૂવડાવે છે. દુનિયા ઊંઘતી હોય છે ત્યારે માં જાગતી હોય છે.
એ માં.. જે હસતા શીખવે છે. બોલતા શીખવે છે. સંસ્કારનું સીંચન કરે છે. માં મીણબત્તી જેવી હોય છે. મીણ જેવી નરમ અને જ્યોત જેવી જલદ! માં સજા કરતી નથી. હમેશાં માફ કરે છે. અને એટલે જ શાયદ ઈશ્વરથી એક કદમ આગળ છે માં!
દુનિયા સામે પોતાના સંતાનોની શખ્સીયત અધૂરી ન રહી જાય એ માટે જાત ઘસી નાંખે છે.
માંમ રતી નથી. સંતાનોના શરીરમાં જીવન બની આખરી શ્વાસ સુધી ધબક્યા કરે છે.
માં ક્યારેયમ રતી નથી!!
– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)
આ અવસર પર કવિ શ્રી દુલા ભાયા કાગની એક અદ્દભુત રચના યાદ આવે છે જે નીચે મુજબ છે,
મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપણ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે, કાગડા !
ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને માં, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !
મળિયલ એને માં, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !
જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માંને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા ! (- કવિ શ્રી દુલા ભાયા કાગ)
મિત્રો, કળિયુગમાં સંતાનો માં ના ઉપકાર ભૂલી જાય છે, આવો તમને મધર્સ ડે પર થોડી વાસ્તવિકતાથી અવગત કરાવીએ.
જીવતા જાણી નહી કોઇ દી માં ની મમતા, પછી દિવસ ઉજવવાથી શું?
માણી નહી ખોળાની મજા અને ત્યારે બહુ કર્યાં કજીયા, હવે રોયા કરવાથી શું?
પડી રહી એ એક ખૂણા માં આખરી દિવસોમાં, હવે મકાન ઉપર માતૃકૃપા લખવાથી શું?
કરી મજૂરી રાત-દીન મોટા કર્યાં છતાં ભૂલી ગયા, હવે ફોટા ઉપર ફૂલો ચડાવવાથી શું?
વહાવ્યા આંસુ ખુબ માવડીએ જીવનભર, હવે પસ્તાવો કરવાથી શું?
કહે “વેદ” માવતરને જીવતા જાણ્યા નહી, પછી જગત દેખાવ કરવાથી શું? (- સાભાર વિજય વ્યાસ, અમર કથાઓ ગ્રુપ)