લઘુકથા – ભરતી :
– માણેકલાલ પટેલ.
કહે છે કે સાગર માઝા ન મૂકે.
ધ્વનિને આ ખબર હતી એટલે જ સાંજના દરિયાની રેતીમાં જઈને એ બેસતી.
ભરતી ટાણે ઉછળતાં મોજાં જોઈ એના દિલમાંય કશુંક ઉછળવા લાગતું.
એ કિનારે અફળાતાં મોજાંને અપલક નજરે નિહાળતી રહેતી.
દરિયાથી નજીક જ એનું ઘર હતું.
દામજી દરિયો ખેડવા ગયેલો. સાત મહિના થયા તોયે એ પાછો નહોતો આવ્યો. એની યાદ આવતી અને એના પેટમાં કંઈક સળવળતું. દામજીના દરિયે ગયાને અને એના પેટના વધતા જતા ઉભારને ગાઢ સંબંધ તો હતો જ.
પણ, હવે એની ધીરજનો અંત આવતો જતો હતો.
દામજી આવતો નહોતો અને એના પેટના દરિયેથી કશુંક બહાર આવવા મથતું હતું.
જો પેટના દરિયે ઉતાવળ કરી તો સાગર માઝા મૂકી દેશે એની ચિંતા એને કોરી ખાતી હતી.
લોક સાગરમાં તો અફવાનાં મોજાં ઉછળે જ :-” ખલાસી વિનાના વહાણનો ભરોંસો કેવો?”
અને જાણે કે ધ્વનિના હ્રદયનો ધ્વનિ મહાસાગરે સાંભળ્યો હોય તેમ ભરતીની સાથે જ કિનારા તરફ આવતું ખલાસી સાથેનું વહાણ એની નજરે ચઢ્યું અને એ બોલી ઉઠી :- “સાચે જ, સાગર માઝા ન જ મૂકે!”
– માણેકલાલ પટેલ.