હનુમાનજીએ વાનર રૂપમાં કેમ લેવો પડ્યો જન્મ? જાણો તેની પાછળનું કારણ.

0
729

પૌરાણિક કથા અનુસાર જાણો ભગવાન શિવે હનુમાનજીનો અવતાર વાનર રૂપમાં જ કેમ લીધો? પૌરાણિક ગ્રંથોમાં જણાવેલી કથા અનુસાર બજરંગબલીના માતા અંજની તેમના પૂર્વ જન્મમાં ઇન્દ્રરાજના મહેલમાં અપ્સરા હતા. તેમનું નામ પુંજિકસ્થલા હતું. તેમનું રૂપ ઘણું આકર્ષક અને સ્વભાવ ચંચળ હતો. એક વખત ચંચળતાને કારણે તેમણે તપસ્યામાં લીન એક ઋષિ સાથે ખરાબ વ્યવહાર કર્યો, ત્યારે તે ઋષિએ ગુસ્સામાં પુંજિકસ્થલાને શ્રાપ આપ્યો કે તે વાંદરીનું રૂપ લઇ લેશે.

આ શ્રાપ સાંભળીને પુંજિકસ્થલાને આત્મગ્લાની થઇ અને તેમણે ઋષિની ક્ષમા માંગીને શ્રાપ પાછો લેવા માટે વિનંતી કરી. ત્યારે ઋષિએ દયાભાવથી કહ્યું કે, તમારું વાનર રૂપ પરમતેજસ્વી હશે અને તમે એક ઘણા જ કિર્તિવાન અને યશસ્વી પુત્રને જન્મ આપશો. તો આ થઈ હનુમાનજીની માતાની વાત. આવો હવે જાણીએ કે, બજરંગબલી એટલે કે હનુમાનજીનો જન્મ કઈ રીતે થયો અને તેમને વાનર રૂપ કેમ મળ્યું?

તપસ્યામાં લીન ઋષિનો શ્રાપ મળ્યા પછી એક દિવસ ઇન્દ્ર દેવે પુંજિકસ્થલાને મનપસંદ વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે પુંજિકસ્થલાએ ઇન્દ્ર દેવને કહ્યું કે, જો શક્ય હોય તો તેમને ઋષિ દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્તિ અપાવે. પછી ઇન્દ્ર દેવે સમગ્ર ઘટના વિષે પૂછયું તો પુંજિકસ્થલાએ જણાવ્યું કે, મને જાણવા મળ્યું કે તે ઋષિ એક વાનર હતા અને મેં તે ઋષિ ઉપર ફળ ફેંકવાનું શરુ કરી દીધું. પણ તે કોઈ સામાન્ય વાનર નહિ પરંતુ પરમ તપસ્વી સાધુ હતા.

મારા દ્વારા તેમની તપસ્યા ભંગ થવાને કારણે તેમણે મને શ્રાપ આપ્યો કે, જયારે પણ મને કોઈની સાથે પ્રેમ થશે તો હું વાનર રૂપ ધારણ કરી લઈશ. પણ મારું આવું રૂપ હોવા છતાં પણ તે વ્યક્તિનો પ્રેમ મારા પ્રત્યે ઓછો નહિ થાય. ઇન્દ્ર દેવે સંપૂર્ણ વર્ણન સાંભળ્યા પછી કહ્યું કે, તમારે ધરતી ઉપર જઈને નિવાસ કરવો પડશે, ત્યાં તમને એક રાજકુમાર સાથે પ્રેમ થશે જે તમારા પતિ બનશે. લગ્ન પછી તમે શિવના અવતારને જન્મ આપશો અને પછી તમને એ શ્રાપમાંથી મુક્તિ મળશે.

ઇન્દ્રનું વચન સાંભળીને પુંજિકસ્થલા અંજનીના રૂપમાં ધરતી ઉપર રહેવા લાગ્યા. તેમણે વનમાં એક વખત એક યુવક જોયો જેની તરફ તે આકર્ષિત થઇ ગયા. જેવું તે યુવકે અંજની તરફ જોયું કે અંજનીનો ચહેરો વાનરનો થઇ ગયો. અંજનીએ યુવકથી પોતાનો ચહેરો સંતાડ્યો. જયારે યુવક તેમની પાસે આવ્યો તો અંજનીએ કહ્યું – હું ઘણી કદરૂપી છું. પરંતુ જયારે અંજનીએ તે યુવક તરફ જોયું તો તે પણ વાનર રૂપમાં જ હતો. તે યુવકે જણાવ્યું કે, હું વાનરરાજ કેસરી છું અને જયારે ઈચ્છું ત્યારે માણસનું રૂપ ધારક કરી શકું છું. તે બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તે લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

થોડા સમય પછી જયારે બંને સંતાન સુખથી વંચિત રહ્યા ત્યારે અંજની માતંગ ઋષિ પાસે ગયા અને પોતાની પીડા વર્ણવી. ત્યારે માતંગ ઋષિએ તેમને નારાયણ પર્વત ઉપર સ્થિત સ્વામી તીર્થ જઈને 12 વર્ષ સુધી ઉપવાસ કરીને તપ કરવા માટે કહ્યું. ત્યારે એક વખત વાયુ દેવે અંજનીની તપસ્યાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે, તમને અગ્નિ, સૂર્ય, સુવર્ણ, વેદ વેદાંગોના મર્મજ્ઞ અને શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થશે.

આ વરદાન પ્રાપ્ત થયા પછી તે શિવજીની તપસ્યા કરવા લાગ્યા. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા માટે કહ્યું, ત્યારે અંજનાએ ઋષિ દ્વારા મળેલા શ્રાપના વિષયમાં જણાવતા કહ્યું કે, આ શ્રાપમાંથી મુક્ત થવા માટે મારે શિવના અવતારને જન્મ આપવો છે, એટલા માટે કૃપા કરીને તમે બાળરૂપમાં મારા ગર્ભમાંથી જન્મ લો. શિવજીએ અંજનીને આશીર્વાદ આપ્યા અને અંજનાના ગર્ભમાંથી બજરંગબલીના રૂપમાં શિવજીએ જન્મ લીધો. અંજની પુત્ર હોવાને કારણે હનુમાનજીને અંજનેય પણ કહેવામાં આવે છે.

આ માહિતી ધ ડિવાઇનટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.