જાણો કેમ શનિદેવે પોતાના પિતા કરતા સર્વશ્રેષ્ઠ બનવા માટે શિવજીની કરી હતી તપસ્યા?

0
392

શનિદેવે શિવજીની તપસ્યા કરી મેળવ્યું મહાન વરદાન, જાણો તે કેવી રીતે બન્યા ન્યાયાધીશ અને દંડાધિકારી.

શનિદેવને સૂર્ય પુત્ર અને કર્મફળ દાતા માનવામાં આવે છે. તેમને લઈને ઘણા પ્રકારની ગેરસમજણો છે કે તેમને મારક, અશુભ અને દુઃખ કારક માનવામાં આવે છે. કશ્યપ ગોત્રીય શનિદેવની માતા સૂર્ય પત્ની છાયા છે. પૌરાણીક માન્યતા મુજબ તેમનું જન્મસ્થાન શીંગણાપુર, મહારાષ્ટ્ર છે.

મહર્ષિ કશ્યપે શનિ સ્તોત્રના એક મંત્રમાં સૂર્ય પુત્ર શનિદેવને મહાબલી અને ગ્રહોના રાજા કહ્યા છે. “સૌરિગ્રહરાજો મહાબલ”. પૌરાણિક માન્યતાઓ મુજબ શનિદેવે ભગવાન શિવની ભક્તિ અને તપસ્યાથી નવગ્રહોમાં સર્વશ્રષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

માન્યતા મુજબ ભગવાન સૂર્ય તેમની પત્ની છાયા પાસે પહોંચ્યા તો સૂર્યના પ્રકાશ અને તેજથી તેમની પત્ની છાયાએ આંખો મીંચી લીધી. તેમના એવા વર્તનથી છાયાને શ્યામવર્ણ પુત્ર શનિદેવની પ્રાપ્તિ થઇ. શનિદેવને શ્યામવર્ણ જોઈને સૂર્ય દેવે છાયા ઉપર આરોપ લગાવ્યો કે, તે મારો પુત્ર નથી. એટલા માટે શનિદેવ પોતાના પિતા ઉપર ક્રોધીત થઇ ગયા.

શનિદેવે ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી અને શરીરને બાળી દીધું. ભગવાન શંકરે શનિદેવની ભક્તિથી પ્રસન્ન થઇને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે શનિદેવે વરદાન માગ્યું કે, યુગો યુગોથી મારી માતા છાયાનો પરાજય થતો રહ્યો છે. મારી માતા મારા પિતા સૂર્યથી સતત પીડિત થતી રહી છે. એટલા માટે હું ઈચ્છું છું કે, હું મારા પિતાથી વધુ પૂજ્ય બનું અને તેમનો અહંકાર તૂટી જાય. પછી ભગવાન શિવે શનિદેવને વરદાન આપ્યું કે, તમે નવગ્રહોમાં સર્વશ્રેષ્ઠ રહેશો. તમે પૃથ્વીલોકના ન્યાયધીશ અને દંડાધિકારી રહેશો. તમે જ લોકોને કર્મો મુજબ ન્યાય અને દંડ આપશો.

મત્ય પુરાણમાં શનિદેવના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું શરીર નીલમણી સમાન છે. તે ગીધ ઉપર સવાર છે. તેમના એક હાથમાં તીર ધનુષ અને બીજો હાથ વરમુદ્રામાં છે. શનિદેવ તેમના ભક્તોને સદાય મદદ કરે છે. આખા દેશમાં તેમના મંદિરો આવેલા છે. જ્યાં શનિવારના દિવસે તેમના ભક્ત દર્શન અને પૂજા માટે પહોંચે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.