વેદ વ્યાસજીએ ભગવાન શ્રીકૃષ્ણને જગત ગુરુ કેમ કહ્યા? દરેક હિંદુને ખબર હોવી જોઈએ આ વાત.

0
1042

મારા ગુરુ મારા કૃષ્ણ

“વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મરદનમ

દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ.”

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. જે ભગવાન વેદ વ્યાસજીનો પ્રાગટ્ય દિન એટલે કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. અઢાર પુરાણ અને ચાર વેદોનો ના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીએ ઉપરોક્ત સુભાષિત માં ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ કહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ “ન ભૂતો ન ભવિષ્યતિ“ એટલે કે તેના સિવાય ભૂતકાળમાં કોઈ હતું નહીં અને તેમના બાદ ભવિષ્યમાં ક્યારેય કોઈ જોવા મળશે નહીં તેવું છે. જીવનના દરેક પાસામાં તેમનું દૈવતત્વ સુંદર અને મનોહારી અંકિત થાય છે. આ ધરા પર પૂરા ૧૨૫ વર્ષનું અવતારી કાર્ય કરીને જીવનના દરેક ક્ષેત્રમાં એક આદર્શ સ્થાપિત કર્યો છે. તેમાં જગતને મહાન ઉપદેશ સ્વરૂપ તેમના શ્રીમુખેથી સરી પડેલું વાંઙમયી સ્વરૂપ “શ્રીમદ્ ભગવદ્ ગીતા” વિશ્વનો શ્રેષ્ઠ ગ્રંથ છે.

જ્ઞાન કર્મ અને ભક્તિ ના સુભગ સમન્વય સ્વરૂપ આ મહાન ગ્રન્થ ના કારણે જ શ્રીવેદ વ્યાસજીએ તેમને જગતગુરુ ની ઉપમા આપેલી છે. આ ગીતા રૂપી અમૃતનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મ પામતો નથી.

ગુરુ જ્યારે શિષ્યને પ્રભુનો સાક્ષાત્કાર કરાવે ત્યારે તેને તેનાથી વિશેષ કશું મેળવવાનું બાકી રહેતું નથી. આચાર્ય ચાણક્ય નીતિ સૂત્ર માં એક સુભાષિત દ્વારા સમજાવે છે કે “જે ગુરુ પોતાના શિષ્યને ૐ (ઓમ) એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે, તેવા ગુરુના ઋણમાંથી શિષ્ય ક્યારેય મુક્ત થતો નથી. આ જગતમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જે સમર્પિત કરીને શિષ્ય આ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે.” (ચાણક્ય નીતિ અ.15)

મહાભારતના યુ ધવખતે અર્જુન પોતાના સ્વજનોને જોઈને નાસીપાસ થઈ જાય છે. અને યુ ધન કરવાની પ્રતિજ્ઞા લઈ લે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એનો વિ ષાદ દૂર કરવા અને તેને કર્તવ્યકર્મ નો ઉપદેશ આપવા માટે ગીતા ઉપદેશ આપે છે. અને સાથે પરમબ્રહ્મનો સાક્ષાત્કાર પણ કરાવે છે. અને પછી કહે છે કે -“યથેચ્છસિ તથા કરું”- તને જેમ ઠીક લાગે તેમ કર. પરંતુ ગીતા અમૃતનું પાન કરીને જ્ઞાની બનેલો પાર્થ તો એમ જ કહે છે કે – ”કરિષ્યે વચનં તવ”. આપના વચન પ્રમાણે કરીશ. તો આ છે ગુરૂની મહત્તા. જ્ઞાનવાન બનેલો શિષ્ય યથા સમયે યોગ્ય કર્તવ્યનું પાલન કરે છે.

ભગવાન વેદ વ્યાસજીએ આથી જ યથાર્થ રીતે ભગવાન શ્રીકૃષ્ણને જગત ગુરુ કહ્યા છે.

મારા ગુરુ કૃષ્ણને હર્ષા ઠક્કરના વંદન.

– હર્ષા ઠક્કર.