પુત્રએ પૂછ્યું “શા માટે સમાજમાં કોઈને વધુ તો કોઈને ઓછું સમ્માન મળે છે”, પિતાએ જણાવ્યું આ ખાસ કારણ

0
326

કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં પોતાને અન્ય કરતા વધુ લાયક માને છે. જ્યારે આ બાબત તમે જાતે નક્કી કરી શકતા નથી. તમારી યોગ્યતા અને ગુણોના આધારે લોકો આ નક્કી કરે છે.

તમારી યોગ્યતાના આધારે લોકો તમને સમાજમાં સન્માન આપે છે. તમે સમાજને જે આપો છો, તે જ તમને સમાજ પાસેથી મળશે. આજે અમે તમને એક એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે શા માટે કોઈ વ્યક્તિને સમાજમાં ઓછું સન્માન મળે છે અને કોઈને વધારે સન્માન મળે છે.

જ્યારે પુત્રએ પિતાને ગંભીર પ્રશ્ન પૂછ્યો :

એક માણસની લોખંડના સામાનની દુકાન હતી. ક્યારેક તેમનો પુત્ર પણ દુકાને આવીને બેસી જતો. તે પોતાના પિતાને સંપૂર્ણ સમર્પણ અને ઇમાનદારી સાથે કામ કરતા જોશે. બજારમાં દરેક વ્યક્તિ તેમના વખાણ કરતા અને તેમને મહેનતુ વ્યક્તિ કહેતા. તેમના પુત્રને આ ખૂબ ગમતું હતું.

એક દિવસ જ્યારે પુત્ર દુકાને આવ્યો ત્યારે તેણે અચાનક તેના પિતાને પ્રશ્ન પૂછ્યો, “પપ્પા, આ દુનિયામાં માણસની શું કિંમત છે?”

પુત્રના મોઢેથી આવો ગંભીર પ્રશ્ન સાંભળીને પિતાને આશ્ચર્ય થયું. થોડીવાર તો તેમને સમજ ન પડી કે પુત્રને શું જવાબ આપે.

લાંબા સમય સુધી વિચાર્યા પછી પિતાએ કહ્યું, “વ્યક્તિનું મૂલ્ય નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તે અમૂલ્ય છે.”

પુત્રએ ફરીથી પ્રશ્ન પૂછ્યો, “શું બધા મનુષ્યો એકસરખા મહત્વના અને મૂલ્યવાન હોય છે?”

પિતાએ ‘હા’ માં જવાબ આપ્યો.

પુત્રએ ફરી એક પ્રશ્ન પૂછ્યો કે, “તો કયું કારણ છે કે દુનિયામાં કોઈને વધુ સમ્માન મળે છે તો કોઈનું ઓછું, શું તેની પાછળ કોઈ ખાસ કારણ છે?

પુત્રનો પ્રશ્ન સાંભળીને પિતાએ થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું, સ્ટોર રૂમમાંથી લોખંડનો સળિયો લઈ આવ. પુત્રએ તેમની આજ્ઞાનું પાલન કર્યું.

પિતાએ પુત્રને પૂછ્યું, “બોલ આ સળિયાની કિંમત કેટલી હશે?”

પુત્રએ કહ્યું, “500 રૂપિયા.”

પિતાએ ફરી પ્રશ્ન પૂછ્યો, “જો આ સળિયાની નાની નાની ખીલી બનવામાં આવે, તો તેની કિંમત કેટલી હશે?

પુત્રએ કહ્યું, “તો તેની કિંમત 1 હજારથી વધુ હશે.”

પપ્પાએ ફરી પૂછ્યું, “અને જો હું આ લોખંડના સળિયામાંથી ઘણી બધી સ્પ્રિંગ બનાવી દવ તો તેની કિંમત શું હશે?”

પુત્રએ કહ્યું, “પછી તો તેની કિમત એનાથી પણ વધુ વધી જશે.”

પિતાએ પુત્રને સમજાવ્યું કે, “એ જ રીતે દરેક મનુષ્યના સ્વભાવ, ગુણો અને સારા ગુણોથી તેને યોગ્ય માન-સન્માન મળે છે. તમે શું છો તે મહત્વનું નથી, તમે શું બની શકો છો તે મહત્વનું છે.”

પુત્ર પિતાની વાત સમજી ગયો.

આ પ્રસંગનો બોધ એ છે કે, તમારા વર્તન અને ગુણોના આધારે જ લોકો તમને માન અને સન્માન આપશે. તમારી યોગ્યતા એ તમારી ઓળખ છે. તમે કેવા દેખાવ છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો તે મહત્વનું છે.