કળશને શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે? જાણો તેના વિષે વિસ્તારથી.

0
1141

કળશ સંસ્કૃત શબ્દ કલેશ પરથી આવ્યો છે. કળશનો શાબ્દિક અર્થ છે : ઘડો, કુંજો, કુંભ, જે કાંસ્ય, તાબુ, રજત અથવા સ્વર્ણપાત્ર હોય છે. કોઈવાર તાંબાના કળશ પર સોનાનો વરખ ચઢાવવામાં આવે છે.

વિશ્વકર્માએ એક એક કલા લઈને અંશ લઈને બનાવ્યો હોવાથી કળશ કહેવાય છે. કાલિકા પુરાણમાં કળશનું ચોક્કસ માપ આપ્યું છે. કળશનો પરીધ ૨૫”, ઉંચાઈ ૮” તથા તેનું મુખ ૪” પહોળું હોવું જોઈએ. શાસ્ત્રીય પૂજાવિધિમાં આવા જ કળશ હોવા જોઈએ.

કળશ પાણીથી ભરવામાં આવે છે. કોઈ વાર પાણીના બદલે શિક્કાઓ, અનાજ, રત્નો, સોનું અથવા એ બધાનું મિશ્રણ કરી એમાં મુકવામાં આવે છે. કેરીના કે આશોપાલવના ૫,૭ કે ૧૧ પાંદડાના છેડા કળશમાં રાખેલ જળને સ્પર્શે તે રીતે મુકેલ હોય છે. તેના મુખ પર શ્રીફળ મુકવામાં આવે છે. શ્રીફળ કોઈવાર લાલ કાપડ અને લાલ દોરાથી વિંટાળવામાં આવે છે. શ્રીફળનું મુખ ખુલ્લુ રાખવામાં આવે છે. આને પૂર્ણ કળશ કહેવાય છે. પૂજાના અંતે કળશમાના જળથી અભિષેક કરવામાં આવે છે.

દરેક શુભપ્રસંગે અને કાર્યોની શરૂઆતમાં જે રીતે વિઘ્નહર્તા ગણપતીની પૂજા કરવામાં આવે છે. તે રીતે કળશની પણ પૂજા થાય છે. વિવાહ આદિ મંગલકાર્યોમાં, શાન્તિ કર્મોમાં, શોભાયાત્રા સમયે, રાજયારોહણ પ્રસંગે ધાન્યની ઢગલી પર કળશ સ્થાપવામાં આવે છે. જુના સમયમાં હસ્તપ્રતમાં લડિઆઓ હસ્તપ્રત લખાઈ જતાં કળશની આકૃતિ દોરતા હતા.

મંદિર હોય ત્યાં કળશ હોવાનો જ. ભગવાનના દર્શન કરી કળશના દર્શન ન કરીએ, તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિર પર કળશ ચઢાવવામાં આવે જે કરેલા પુરુષાર્થે કે કાર્યની પૂર્ણતાનું પ્રતીક છે.

કળશ આધ્યાત્મિક પ્રતીક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શંકર, મુળમાં બ્રહ્મા, મધ્યમાં માતૃકાગણ એની દશેય દિશાના ભાગમાં દિફપાલ, અંદર સાત સાગર ગ્રહ નક્ષત્રો, કુલ પર્વત, ગંગા આદિ સહિતાઓ તથા ચાર વેદ છે.

ભારતીય સંસ્કૃતિમાં કેટલીક ધાર્મિક વિધિઓમાં કળશની સ્થાપના કરવામાં આવે છે અને કેટલીક વિધિઓમાં કુંભની સ્થાપના કરવામાં આવે છે. કળશ અને કુંભમાં ફેર એટલો કે કળશ મુખ્યત્વે પવિત્ર ગણાતી ધાતુનો બનેલો હોય છે જયારે કુંભ માટીનો હોય છે.

કુંભ શબ્દમાં કું નો અર્થ ભૂમિ. માટી થાય છે. અર્થાત્ જે માટીમાંથી બનેલ છે તે કુંભ કહેવાય છે. કાળરૂપી ચાકડા પર પ્રકૃતિનાં તત્વોને માટીરૂપે મૂકી પરમાત્માએ આ વિશ્વરૂપી કુંભ બનાવ્યો હોવાથી કુંભરૂપ સમગ્ર મંગલતાનું ધામ છે. એ ભાવના કુંભના પ્રતીક પાછળ રહેલી છે.

સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી અમૃત ભરેલો કુંભ નીકળ્યો હતો એટલે કુંભમાં અમૃત ભરેલું છે એમ માની કુંભની પૂજા કરવામાં આવે છે. સમુદ્રમંથન સમયે અમૃતના કુંભ સાથે ધન્વંતરી દેવ પ્રગટ થયા, ત્યારે આ કુંભ પ્રાપ્ત કરવા માટે દેવો તથા દાનવો પડાપડી કરવા લાગ્યા. અને આ કુંભ ચાર વખત છલકાયો અને તેના ટીપાં પૃથ્વી પર પડયા. આ ચાર સ્થળે વારાફરતી કુંભમેળો ભરાય છે.

નવા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં કુંભ મુકવાની પ્રથા પણ જાણીતી છે. શબયાત્રામાં આગળ અગ્નિ લઈ જવા માટે (દોણીના રૂપમાં) વપરાય છે. દુનિયા છોડીને ગયેલા મનુષ્યનો મોક્ષ થાય એવા હેતુથી એનાં અસ્થિ- પુષ્પો અમૃત સાથે સબંધ ધરાવતા કુંભમાં રાખવામાં આવે છે. આને અગ્નિ-કુંભ કહેવાય છે.

લગ્નપ્રસંગે ગણેશ માટલી લેવા જવાનો વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે સ્ત્રીઓ સારામાં સારા શણગાર સજી કુંભારને ત્યાંથી કુંભના પ્રતીકરૂપ માટલીઓ લાવે છે.

પ્રાણીમાત્રનો જન્મ ગર્ભાશયમાંથી થાય છે. આ ગર્ભાશયનો આકાર ઘડા જેવો કલ્પવામાં આવે છે. આમ કુંભની પુજામાં માતાની પૂજા સમાઈ જાય છે. આથી નવરાત્રીના પૂજનમાં તથા ગરબામાં પણ કુંભસ્થાપન થાય છે. ગુજરાતમાં નવરાત્રી પ્રસંગે મૂકાતો ગરબો એ કળશ કે કુંભનુંજ સ્વરૂપ છે. માત્ર તે સજળ હોવાને બદલે સતેજ હોય છે.

– યજ્ઞોશચંદ્ર.એચ.દોશી

(સાભાર જયરાજસિંહ ઝાલા, અમર કથાઓ ગ્રુપ)