ભગવાન શ્રીકૃષ્ણએ કેમ આપ્યો પોતાના દીકરાને કોઢ થવાનો શ્રાપ?

0
532

જાણો કેમ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જ પુત્રને આપવો પડ્યો હતો કોઢ થવાનો શ્રાપ?

આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પુત્ર સાંબ સાથે સંબંધિત એક પૌરાણિક પ્રસંગ વિષે જણાવીશું. આ કથાનો સંબંધ પાકિસ્તાનના મુલતાન શહેરમાં આવેલા સૂર્ય મંદિર સાથે જોડાયેલો છે. ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ અને વરાહ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે, શ્રીકૃષ્ણએ પોતે પોતાના પુત્ર સાંબને કોઢી થવાનો શ્રાપ આપ્યો હતો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે સાંબે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે પાકિસ્તાનના મુલતાન શહેરમાં આવેલું છે. આ સૂર્ય મંદિરને આદિત્ય મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. પણ શ્રીકૃષ્ણએ આવું કેમ કર્યું? આવો તેની પાછળની સ્ટોરી જાણીએ.

ભગવાન શ્રીકૃષ્ણની આઠ રાણીઓ હતી, જેમાંથી એક નિષાદરાજ જામવંતની પુત્રી જામવંતી હતી. જામવંત તે ગણ્યા ગાંઠ્યા પૌરાણિક પાત્રોમાંથી એક છે, જે રામાયણ અને મહાભારત બંને કાળમાં હાજર હતા. ગ્રંથો અનુસાર બહુમૂલ્ય મણિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અને જામવંત વચ્ચે 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું.

યુદ્ધ દરમિયાન જયારે જામવંતે શ્રીકૃષ્ણના સ્વરૂપને ઓળખી લીધું, ત્યારે તેમણે મણિ સહીત પોતાની પુત્રી જામવંતીનો હાથ પણ તેમને સોંપી દીધો. શ્રીકૃષ્ણ અને જામવંતીના પુત્રનું નામ જ સાંબ હતું. તે દેખાવમાં એટલો આકર્ષક હતો કે શ્રીકૃષ્ણની ઘણી નાની રાણીઓ તેના પ્રત્યે આકર્ષિત રહેતી હતી.

એક દિવસ કૃષ્ણની એક રાણીએ સાંબની પત્નીનું રૂપ ધારણ કરીને સાંબને આલિંગનમાં ભરી લીધો. તે સમયે શ્રીકૃષ્ણ તેમને એવું કરતા જોઈ ગયા. ગુસ્સે થયેલા શ્રીકૃષ્ણએ પોતાના જ પુત્રને કોઢી થઈ જવાનો, અને મૃત્યુ પછી ડાકુઓ દ્વારા તેની પત્નીઓનું અપહરણ કરી લઇ જવાનો શ્રાપ આપ્યો.

પુરાણોમાં વર્ણન છે કે, મહર્ષિ કટકે સાંબને આ કોઢથી મુક્તિ મેળવવા માટે સૂર્યદેવની આરાધના કરવા માટે કહ્યું. ત્યારે સાંબે ચંદ્રભાગા નદીના કિનારે મિત્રવનમાં સૂર્યદેવનું મંદિર બનાવ્યું અને 12 વર્ષ સુધી તેમણે સૂર્યદેવની સખત તપસ્યા કરી. તે દિવસ પછીથી આજ સુધી ચંદ્રભાગા નદીને કોઢ સાજો કરવાવાળી નદીના રૂપમાં ખ્યાતિ મળી છે. માન્યતા છે કે, આ નદીમાં સ્નાન કરવાવાળા વ્યક્તિનો કોઢ જલ્દી સારો થઇ જાય છે.

મંદિરનો ઇતિહાસ : ચીનમાં રહેતા પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુક શુયાંગ જેંગ જે ભારતમાં બૌદ્ધ ધર્મગ્રંથ વાંચવા આવ્યા હતા, તેમણે ભારતના અલગ અલગ રાજ્યોમાં વિચરણ કરીને ત્યાંના ઇતિહાસને જાણવા પ્રયત્ન કર્યો. જેંગે ઘણા એવા સ્થળો અને ધાર્મિક સ્થળો પ્રત્યે પણ દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું.

641 ઇસ. માં શુયાંગ જેંગ આ સ્થળ પર આવ્યા હતા. તેમનું કહેવું હતું કે મંદિરમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ સોનાની બનેલી હતી, જેની આંખોની જગ્યા પર બહુમૂલ્ય રુબી પથ્થર લગાવવામાં આવ્યો હતો. સોના, ચાંદીના બનેલા મંદિરના થાંભલા પર અત્યંત કિંમતી પથ્થર મઢેલા હતા.

દરરોજ ઘણી મોટી સંખ્યામાં હિંદુ ધર્મના અનુયાયીઓ આ મંદિરમાં પૂજા કરવા આવતા હતા. બૌદ્ધ ભિક્ષુક અનુસાર તેમણે અહીં દેવદાસીઓને નૃત્ય કરતા જોયા હતા. સૂર્યદેવ સિવાય આ મંદિરમાં ભગવાન શિવ અને બુદ્ધની મૂર્તિ પણ વિરાજમાન હતી.

પણ સમયની સાથે સાથે આ મંદિરનો સોનેરી કાળ પણ સમાપ્ત થતો ગયો. મોહમ્મદ બિન કાસિમની સેનાએ જયારે મુલતાનને પોતાના શાસનમાં લઇ લીધું ત્યારે આ મંદિર તેમની સરકારની આવકનું એક મોટું સાધન સાબિત થયું. કાસિમે આ મંદિરમાં લાગેલા અત્યંત કિંમતી પથ્થર, સોનું, ચાંદી બધું લૂંટી લીધું.

મોહમ્મદ બિન કાસિમે આ મંદિરની સાથે એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જે આજના સમયમાં મુલતાનનો સૌથી વધારે ભીડભાડવાળો વિસ્તાર છે. ત્યારબાદ કોઈ હિંદુ રાજા મુલતાન પર આક્રમણ ન કરી શકે તેના માટે સૂર્ય મંદિરનો એક હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો.

હકીકતમાં જે પણ હિંદુ શાસક મુલતાન તરફ આક્રમણ કરવા વધતો, ત્યારે કાસિમ તેને એ ધમકી આપતો હતો કે, જો તે મુલતાન પર આક્રમણ કરશે તો તે સૂર્ય મંદિરનો નાશ કરી દેશે.

દશમી શતાબ્દીમાં જયારે અલ બરુની મુલતાનના પ્રવાસે ગયા હતા, ત્યારે તેમણે આ મંદિરનું સંપૂર્ણ વર્ણન કર્યું. તેમના અનુસાર 1026 ઇસ. માં મોહમ્મદ ગજનીએ આ મંદિરને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું. બરુની અનુસાર અગિયારમી શતાબ્દીમાં કોઈ પણ હિંદુ અનુયાયી આ મંદિરના દર્શન કરવા નહિ આવી શક્યા, કારણ કે ત્યાં સુધીમાં ગજનીએ તેનો સંપૂર્ણ રીતે નાશ કર્યો હતો, અને ફરીથી આ મંદિરને બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નહિ.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.