મહર્ષિ વ્યાસ અનુસાર કળિયુગ દરેક યુગો કરતા સર્વશ્રેષ્ઠ છે, જાણો તેનું કારણ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે, હિન્દુ શાસ્ત્રોમાં સમયના કાળ ખંડને ચાર યુગો એટલે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં કળિયુગ માનવજાતિ માટે સૌથી શ્રાપિત યુગ કહેવાયો છે. પરંતુ વિષ્ણુ પુરાણમાં મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે કે, કળિયુગ દરેક યુગોમાં સર્વશ્રેષ્ઠ છે અને તેનું કારણ એ છે કે, આ યુગમાં માણસ બીજા યુગોની સરખામણીમાં ખૂબ સરળતાથી પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે શા માટે વ્યાસજીના કહેવા મુજબ કળિયુગ તમામ યુગમાં શ્રેષ્ઠ છે?
વિષ્ણુ પુરાણના છઠ્ઠા અંશના બીજા અધ્યાયમાં જણાવેલી કથા મુજબ, એક દિવસ મહર્ષિ વ્યાસ ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે કેટલાક ઋષિગણ ત્યાં પહોંચ્યા. તેમણે જોયું કે, વ્યાસજી નદીમાં ડૂબકી લગાવીને ધ્યાન કરી રહ્યા છે આથી તેઓ ત્યાં કિનારા પર એક વૃક્ષ નીચે બેસી ગયા.
પછી થોડા સમય બાદ જ્યારે મહર્ષિ વ્યાસ ધ્યાન માંથી ઉભા થયા, ત્યારે તેમણે તે ઋષિઓને કહ્યું કે, યુગોમાં કળિયુગ, માનવોમાં શૂદ્ર અને મનુષ્યમાં સ્ત્રી શ્રેષ્ઠ છે. આટલું કહીને તેમણે ફરીથી પાણીમાં ડૂબકી લગાવી અને પછી થોડી વાર પછી ઊભા થઈને કહ્યું – શુદ્ર! તમે જ શ્રેષ્ઠ છો, તમે જ ધન્ય છો. આવું કહીને તે મહામુનિ ફરીથી પાણીમાં મગ્ન થઈ ગયા અને પછી ઉભા થઈને બોલ્યા – સ્ત્રીઓ જ સાધુ છે, તેઓ જ ધન્ય છે, આ લોકમાં તેમનાથી વધુ ધન્ય બીજું કોઈ નથી.
આ સાંભળીને ગંગાજીના કાંઠે બેઠેલા ઋષિઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા. તે બધા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે, આજ સુધી આપણે સાંભળ્યું હતું કે, યુગોમાં કળિયુગ સૌથી વધુ શ્રાપિત યુગ છે, અને જાતિઓમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે જ્યારે માણસોમાં પુરુષોને શ્રેષ્ઠ માનવામાં આવે છે, તો પછી વ્યાસજીએ આવું કેમ કહ્યું? ત્યારે તેમાંથી એકે કહ્યું કે, આ પ્રશ્નનો જવાબ ફક્ત વ્યાસજી જ આપી શકે છે.
પછી થોડા સમય પછી, જ્યારે વ્યાસજી સ્નાન કર્યા પછી નિત્યકર્મથી નિવૃત થઈને આવ્યા ત્યારે તે મુનિજન તેમની પાસે પહોંચ્યા. ત્યારે સત્યવ્રતી નંદન વ્યાસજીએ તેમને પૂછ્યું – તમે લોકો શું કામ આવ્યા?
ત્યારે મુનિઓએ તેમને કહ્યું – અમે તમને એક શંકાનું સમાધાન પૂછવા આવ્યા છીએ, પરંતુ આ સમયે તેને જવા દો, અને અમને એક બીજી વાત જણાવો. ભગવન! તમે સ્નાન કરતી વખતે ઘણી વાર કહ્યું કે, ફક્ત કળિયુગ જ શ્રેષ્ઠ છે, શૂદ્ર જ શ્રેષ્ઠ છે, સ્ત્રીઓ જ સાધુ છે અને ધન્ય છે, તે વાત શું છે? અમે આ આખો વિષય સાંભળવા માંગીએ છીએ. મુનિઓ દ્વારા આ પ્રકારનો પ્રશ્ન પૂછવા પર વ્યાસજી હસી પડ્યાં અને કહ્યું – હે મુનિશ્રેષ્ઠો! મેં તેમને વારંવાર સાધુ કહ્યા તેનું કારણ સાંભળો.
પછી વ્યાસજીએ કહ્યું કે, જે ફળ સતયુગમાં દસ વર્ષ તપ, બ્રહ્મચર્ય અને જાપ કરવાથી પ્રાપ્ત થાય છે, તે ફળ માણસ ત્રેતાયુગમાં એક વર્ષમાં, દ્વાપરમાં એક મહિનામાં અને કળિયુગમાં માત્ર એક જ દિવસ-રાતમાં મેળવે છે, આ કારણે મેં કળિયુગને શ્રેષ્ઠ ગણાવ્યો છે. જે ફળ સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ અને દ્વાપરમાં દેવાર્ચન કરીને પ્રાપ્ત થાય છે તે જ કળિયુગમાં શ્રીકૃષ્ણચંદ્રના નામ કીર્તન કરવાથી મળે છે. કળિયુગમાં થોડા પરિશ્રમથી જ માણસને મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે, તેથી હું કળિયુગથી અતિ સંતુષ્ટ છું. અને તેને તમામ યુગમાં શ્રેષ્ઠ ગણું છું.
હવે શુદ્ર શા માટે શ્રેષ્ઠ છે તે જણાવું છું. બ્રાહ્મણોએ પહેલાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને વેદોનું અધ્યયન કરવું પડે છે, અને ત્યારબાદ સ્વધર્માચરણથી પ્રાપ્ત કરેલ ધન દ્વારા વિધિ પૂર્વક યજ્ઞ કરવા પડે છે. તેમાં પણ અર્થહીન વાતચીત, નકામો ખોરાક અને નકામા યજ્ઞ તેમના પતનના કારણ હોય છે, તેથી તેમણે હંમેશાં સંયમી રહેવું જરૂરી છે. દરેક કામ અયોગ્ય રીતે કરવાથી તેમણે દોષ લાગે છે, અહીં સુધી કે ખોરાક અને પાણી પણ તે પોતાની ઈચ્છા અનુસાર ગ્રહણ કરી શકતા નથી. કારણ કે તેમનાય દરેક કાર્યોમાં પરતંત્રતા રહે છે.
આ રીતે તેઓ અત્યંત ક્લેશ દ્વારા પુણ્ય લોકોને પ્રાપ્ત કરે છે. પણ જેને ફક્ત મંત્રહીન પવિત્ર યજ્ઞનો જ અધિકાર છે, તે શૂદ્ર બ્રાહ્મણની સેવા કરીને જ સદગતિ પ્રાપ્ત કરે છે. તેથી તે અન્ય જાતિઓ કરતા વધારે ધન્ય છે. હે મુનિ! શૂદ્રને ખાવા કે પીવાના કોઈ નિયમો નથી, તેથી મેં તેમને સાધુ કહ્યા છે.
અને હવે સ્ત્રીઓને શા માટે શ્રેષ્ઠ કહી તે જણાવું છું. પુરુષોએ હંમેશાં પોતાના ધર્મને અનુકૂળ પ્રાપ્ત કરેલ ધનથી જ હંમેશા દાન કરવું અને વિધિ પૂર્વક યજ્ઞ કરવા જોઈએ. જેમ કે તમે બધા જાણો છો કે આ દ્રવ્યની પ્રાપ્તિ અને જાળવણીમાં મોટા ક્લેશ થાય છે, અને તેનો ખોટા કામમાં ઉપયોગ કરીને પણ મનુષ્યે જે વેદના સહન કરવી પડે છે. પુરૂષગણ આ તથા આના જેવા જ અન્ય કષ્ટ દાયક ઉપયોથી શુભ લોકો પ્રાપ્ત કરે છે. પરંતુ સ્ત્રીઓ, તેમના તન-મન-વચનથી તેમના પતિની સેવા કરીને જ તેમનું કલ્યાણ કરનાર બનીને વગર મહેનતે પતિ સમાન શુભ લોકોને પ્રાપ્ત કરે છે, જેને પુરુષો ખૂબ જ મહેનતથી મેળવે છે. તેથી જ મેં ત્રીજી વાર એ કહ્યું કે સ્ત્રીઓ સાધુ છે.
આ ઉપરાંત મહર્ષિ વ્યાસજીએ જણાવ્યું કે, જે પુરુષોએ ગુણરૂપી જળથી પોતાના બધા દોષો ધોયા છે, તેમના થોડા પ્રયત્નોથી કળિયુગમાં ધર્મ સિદ્ધ થઈ જાય છે. અને શૂદ્રોને બ્રાહ્મણની સેવા કરવાથી અને સ્ત્રીઓને પતિની સેવા માત્રથી વગર મહેનતે ધર્મની સિદ્ધિ થઈ જાય છે. તેથી મારી દ્રષ્ટિએ, ત્રણેય ચિંતનશીલ છે, કારણ કે સતયુગ વગેરે અન્ય ત્રણ યુગમાં પણ બ્રાહ્મણોએ જ ધર્મ પાળવામાં મોટું કષ્ટ સહન કરવું પડે છે.
એટલું જ નહીં, આ અત્યંત દુષ્ટ કળિયુગમાં બીજો એક મહાન ગુણ એ છે કે, આ યુગમાં ફક્ત કૃષ્ણચંદ્રનું ભજન કીર્તન કરીને જ માણસ પરમપદ પ્રાપ્ત કરે છે. હે મુનિગણો, તેથી મારી સલાહ છે કે કળિયુગમાં મનુષ્ય પોતાના જીવનને સફળ અને સુખી બનાવવા માટે હંમેશાં શ્રીકૃષ્ણ રૂપી હરિના નામનો જાપ કરે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામમાં પરમપદ મેળવવાનો માર્ગ સ્થાપિત કરે.
આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.