શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી, જાણો તેની સાથે જોડાયેલી દરેક વાત જે તમે જાણવા માંગો છો.

0
1012

જાણો મહાશિવરાત્રી વ્રત કથા અને મહાશિવરાત્રિ વ્રત-પૂજા વિધિ અને શ્લોક.

ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રી મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 1 માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર સાથે જોડાયેલી બે માન્યતાઓ છે.

મહાશિવરાત્રિ સંબંધિત પ્રથમ માન્યતા એ છે કે આ દિવસે ભગવાન શિવ એક લિંગના રૂપમાં પ્રગટ થયા હતા અને બ્રહ્મા અને વિષ્ણુની પરીક્ષા લીધી હતી. અને બીજી માન્યતા એ છે કે આ દિવસે ભગવાન શિવ સાથે દેવી પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ તહેવાર સાથે ઘણી બધી માન્યતાઓ અને પરંપરાઓ જોડાયેલી છે.

મહાશિવરાત્રિની વ્રત-પૂજા વિધિ : મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને કપાળ પર ભસ્મનું ત્રિપુંડ તિલક લગાવવું અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરવી.

એ પછી નજીકના શિવ મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવી. આ રીતે શ્રધ્ધાપૂર્વક ઉપવાસનો સંકલ્પ લો –

શિવરાત્રિવ્રતં હ્યેતત્ કરિષ્યેહં મહાફલમ્ ।

નિર્વિઘ્નમસ્તુ મે ચાત્ર ત્વત્પ્રસાદાજ્જગત્પતે ।

આવું કહીને ફૂલ, ચોખા અને જળ હાથમાં લઈને શિવલિંગ પર અર્પણ કરતી વખતે આ શ્લોક બોલો –

દેવદેવ મહાદેવ નીલકંઠ નમોસ્તુ તે

કર્તુમિચ્છામ્યહં દેવ શિવરાત્રિવ્રતં તવ

તવ પ્રસાદાદ્દેવેશ નિર્વિઘ્નેન ભવેદિતિ

કામાદયા શત્રવો માં વૈ પીડાં કુર્વન્તુ નૈવ હિ

આ રીતે કરો રાત્રી પૂજા :

ઉપવાસ કરનારે આખો દિવસ શિવ મંત્ર (ૐ નમઃ શિવાય) નો જાપ કરવો જોઈએ અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. (દર્દી, અશક્ત અને વૃદ્ધા લોકો દિવસે ફળાહાર કરીને રાત્રે પૂજા કરી શકે છે.)

શિવપુરાણમાં રાત્રિના ચારેય પહોરમાં શિવની પૂજા કરવાનો નિયમ છે. સાંજે સ્નાન કરીને કોઈ શિવ મંદિરમાં જઈને અથવા ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરી પૂજાનો સંકલ્પ નીચે મુજબ કરવો.

મમાખિલપાપક્ષયપૂર્વકસલાભીષ્ટસિદ્ધયે શિવપ્રીત્યર્થં ચ શિવપૂજનમહં કરિષ્યે

ભક્તે રાત્રે ચારેય પહોર ફળ, ફૂલ, ચંદન, બીલીપત્ર, ધતુરા, ધૂપ અને દીવાથી પૂજા કરવી જોઈએ અને ભોગ પણ ચઢાવવો જોઈએ.

દૂધ, દહીં, ઘી, મધ અને સાકર થી અલગ અલગ તેમજ એ બધાને મિક્સ કરી પંચામૃત બનાવી તેનાથી શિવલિંગને સ્નાન કરાવ્યા બાદ જળથી અભિષેક કરો.

ચારેય પહોરની પૂજામાં શિવપંચાક્ષર (નમઃ શિવાય) મંત્રનો જાપ કરો. ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન આ આઠ નામો સાથે ફૂલ અર્પણ કરીને ભગવાન શિવની આરતી અને પરિક્રમા કરો. અંતે ભગવાનને આ રીતે પ્રાર્થના કરો –

નિયમો યો મહાદેવ કૃતશ્ચૈવ ત્વદાજ્ઞયા

વિસૃત્યતે મયા સ્વામિન્ વ્રતં જાતમનુત્તમમ્

વ્રતેનાનેન દેવેશ યથાશક્તિકૃતેન ચ

સંતુષ્ટો ભવ શર્વાદય કૃપા કુરુ મમોપરિ.

બીજા દિવસે (2 માર્ચ, બુધવાર) સવારે ફરી સ્નાન કર્યા પછી, ભગવાન શંકરની પૂજા કર્યા પછી ઉપવાસ સમાપ્ત કરો.

મહાશિવરાત્રી વ્રતની કથા આ પ્રમાણે છે : એક સમયે વારાણસીના જંગલમાં એક ભીલ રહેતો હતો. તેનું નામ ગુરુદ્રુહ હતું. તે જંગલી પ્રાણીઓનો શિ-કા-ર-ક-રીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. એકવાર શિવરાત્રિ પર તે શિ-કા-ર કરવા જંગલમાં ગયો. તે દિવસે તેને આખો દિવસ કોઈ શિ-કા-ર ન મળ્યો અને રાત પડી ગઈ. પછી તેણે જંગલમાં એક તળાવ જોયું.

તેણે વિચાર્યું કે હું ઝાડ પર ચઢી જઈશ અને શિ-કા-ર-ની રાહ જોઈશ. કોઈને કોઈ પ્રાણી અહીં પાણી પીવા આવશે. એમ વિચારીને તે પાણીનું વાસણ ભરીને બીલીના ઝાડ પર ચડી ગયો. તે ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.

થોડી વાર પછી એક માદા હરણ ત્યાં આવ્યું. ગુરુદ્રુહે હરણને મા-ર-વા માટે ધનુષ્ય પર તીર ચડાવ્યું. તે દરમિયાન તેના વાસણમાંથી પાણી નીચે રહેલા શિવલિંગ પર પડ્યું અને સાથે સાથે બીલીના પાન પણ શિવલિંગ પર પડ્યા. આ રીતે રાત્રીના પ્રથમ પહોરમાં તેના દ્વારા અજાણતા જ શિવલિંગની પૂજા થઈ ગઈ. અવાજ આવતા હરણે તેની તરફ જોયું અને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તો તેણે કહ્યું કે, હું તને મા-રી-ને મારા પરિવારનું પેટ ભરીશ.

આ સાંભળીને હરણે કહ્યું કે, મારા બાળકો મારી રાહ જોતા હશે. હું તેમને મારી બહેનને સોંપીને અહીં પાછી આવીશ. હરણે આવું કહ્યું તો ભીલે તેને છોડી દીધી.

થોડી વાર પછી એ હરણની બહેન તેને શોધતી શોધતી તળાવ પાસે આવી. તેને જોઈને શિ-કા-રીએ ફરીથી તેના ધનુષ પર તીર ચડાવ્યું. આ વખતે પણ રાત્રિના ઉત્તરાર્ધમાં બીલીના પાન અને પાણી શિવલિંગ પર પડ્યા અને શિવલિંગની પૂજા થઈ ગઈ. તે માદા હરણે પણ પોતાના બાળકોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા બાદ પાછા આવવા કહ્યું. ભીલે તેને પણ જવા દીધી.

થોડી વાર પછી એક નર હરણ પોતાની માદા હરણની શોધમાં ત્યાં આવ્યું. આ વખતે પણ એવું જ થયું અને ત્રીજા પહોરમાં પણ શિવલિંગની પૂજા થઈ ગઈ. તે હરણે પણ પોતાના બાળકોને સલામત સ્થળે મુકી પાછા આવવા કહ્યું. એમ કહીને તે ચાલ્યો ગયો.

થોડી વાર પછી ત્રણેય હરણ પોતાના વચન પ્રમાણે ભીલ પાસે આવ્યા. બધાને એકસાથે જોઈને ભીલ ખૂબ જ ખુશ થયો અને તેણે ફરીથી પોતાના ધનુષ પર તીર ચડાવ્યું, જેના કારણે ચોથા પહોરમાં ફરી શિવલિંગની પૂજા થઈ ગઈ.

આ રીતે ગુરુદ્રુહએ આખો દિવસ ભૂખ્યા રહીને અને આખી રાત જાગતા રહીને ચારેય પહોરમાં શિવની આરાધના કરી જેના કારણે શિવરાત્રિનું વ્રત પૂરું થયું. આ વ્રતની અસરથી તેના પાપ તરત જ નાશ પામ્યા. પુણ્ય વધતાં જ તેણે હરણને મા-ર-વા-નો વિચાર છોડી દીધો. ત્યારે ભગવાન શંકર શિવલિંગમાંથી પ્રગટ થયા અને ગુરુદ્રુહને વરદાન આપ્યું કે, ત્રેતાયુગમાં ભગવાન રામ તારા ઘરે આવશે અને તારી સાથે મિત્રતા કરશે. તને પણ મોક્ષ મળશે. આ રીતે ભગવાન શંકરે અજાણતા કરવામાં આવેલા શિવરાત્રિ વ્રત દ્વારા ભીલને મોક્ષ અપાવ્યો હતો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.