ભાગવત રહસ્ય 35: ડોંગરેજી મહારાજ ભગવાન પાસે કશું માંગવાની ના કેમ કહે છે, જાણો.

0
745

ભાગવત રહસ્ય – ૩૫

માગવાથી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી.

સુદામાની ભગવાન સાથેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદનું તેમને જ્ઞાન હતું. પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી. જ્ઞાનનું ફળ પૈસો નથી. ‘જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે.’ સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.

મિત્રો માટે લાલો માખણચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાનને વહાલા છે. જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તે પ્રભુને વહાલા લાગે છે. સુશીલા (પત્ની) એ સુદામાદેવને કહ્યું – તમે દ્વારકાનાથને મળવા જાઓ. સુદામાએ કહ્યું – હું દરિદ્રનારાયણ અને તે લક્ષ્મીનારાયણ. હું ત્યાં જઈશ તો લોકો માનશે કે આ માગવા આવ્યો છે. સુશીલાએ કહ્યું – હું માગવા જવાનું કહેતી નથી. એ તમને જોતાં જ સમજી જશે. પ્રભુની હજાર આંખો છે. ફૂલના બગીચામાં બેસો એટલે માંગ્યા વગર સુવાસ આવે છે.

સુદામા ભગવાનને મળવા આવ્યા છે. દ્વારકાનાથનો વૈભવ તેમણે જોયો. પણ સુદામાજીએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું અને જોયું કે – મને જોતાં જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલાં. જો તેમને મારા દુઃખની કથા કહીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારાં દુઃખ તે મારાં કર્મનું ફળ છે. એટલે જ સુદામાએ ભગવાનને કશું કહ્યું નથી. (તો પછી માગવાનો તો સવાલ જ નથી.)

શ્રીકૃષ્ણે પૂછ્યું કે – મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? સુદામાએ કહ્યું કે – મારો સંસાર સુખમય છે.

સુદામાને એક જ ઈચ્છા હતી કે – મારા ભગવાન, મારા પૌવા આરોગે તેની મારે ઝાંખી કરવી છે.

સુદામા માગવા આવ્યા નથી – પોતાનું સર્વસ્વ અર્પણ કરવા આવ્યા છે.

ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન- પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જે કંઈ પણ માગતો નથી તેને પ્રભુ આત્મસ્વરૂપનું દાન કરે છે. જીવ જયારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે, ત્યારે ઈશ્વર પણ ભગવાનપણું ભૂલે છે.

સુદામા દસ દિવસના ભૂખ્યા હતા (ઘરમાં છોકરાંઓ પણ ભૂખ્યા હતા) તો પણ સુદામાએ પોતાનું સર્વસ્વ(મુઠી પૌવા) ભગવાનને આપી દીધું. સુદામાના પૌવા ભલે મુઠી જેટલા હશે પણ તે તેમનું સર્વસ્વ હતું.

પૌવાની કિંમત નહોતી. સુદામાના પ્રેમની કિંમત હતી. (કે માલિકને હું શું આપું?)

સુદામા જેવો કોઈ લાયક થયો નથી અને કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી.

ભગવાને પણ સુદામાને પોતાના જેટલું જ ઐશ્વર્ય આપ્યું છે.

ભગવાન તો પરિપૂર્ણ છે. પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ રહે છે. (પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવા વ શિષ્યતે).

મારાં સુખ માટે મારા ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે એમ સમજજો.

ભગવાન પાસે કાંઇ માંગશો નહિ – તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ શ્રીકૃષ્ણ પાસે કાંઇ માગ્યું નથી.

ગોપીઓને કોઈ લૌકિક સુખની અપેક્ષા નહોતી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. નિષ્કામ ભક્તિથી ભગવાન ઋણી બને છે.

ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે – અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ.

કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે, ત્યારે પણ ગોપીઓએ કશું માગ્યું નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે – સંસારરૂપી કુવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબન રૂપ આપણું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહે, અમારી બીજી કોઈ ઈચ્છા નથી.

ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જયારે લાલાનું સ્મરણ કરે ત્યારે તેને પ્રગટ થવું પડે છે.

ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે લાલાને ખેંચી લાવે છે.

જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. ભક્ત ભગવાન વગર રહી શકે નહિ અને ભગવાન ભક્ત વગર રહી શકે નહિ. (ભક્ત અને ભગવાન એક જ છે. ગોપી અને કૃષ્ણ એક જ છે.)

તુકારામ તેથી તો કહે છે કે – ભલે મને ભોજનના મળે પણ ચોવીસ કલાકમાં એક ક્ષણ પણ હે વિઠ્ઠલનાથ મને તમારાથી અલગના કરશો. સુદામા અને ગોપીઓનો આદર્શ અને નિષ્કામ ભક્તિ આંખ સમક્ષ રાખી, યાદ કરી તેવી ભક્તિ કરો.

નિષ્કામ ભક્તિએ ભાગવતનો મુખ્ય વિષય છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)