સાચી ઔષધિ (સંસ્કાર અને સમજણ) :
રવીશ ખૂબ જ ગર્ભશ્રીમંત ઘરનો એક નો એક દીકરો હતો. બાળપણથી જ પાણી માંગતો તો દૂધ હાજર થઈ જતું. રવીશની એક પણ ઈચ્છા એવી નહોતી જે તેના પરિવાર સામે વ્યક્ત કરી હોય અને પુરી નહીં થઈ હોય.
બાળપણથી જ જાહોજલાલીમાં ઉછરેલો રવીશ જોત જોતામાં 20 વર્ષનો યુવક થઈ ગયો. સમૃદ્ધિ કદાચ સંસ્કારને દબાવી દેતી હશે! રવીશને ઘરમાં કોઈપણ જાતની રોક ટોક નહોતી. તેથી તેનામાં અજાણતા જ આવી ગયેલી કુટેવોને લગામ લગાડવી હવે કોઈના હાથની વાત નહોતી.
મિત્રો સાથે મળીને મોડે સુધી પાર્ટીઓ કરવી, સિ ગારેટ, ડા રૂ, ઉત્તે જક પીણાં અને છોકરીઓની છે ડતી વગેરે જેવી અસંખ્ય ખરાબ લતો વચ્ચે રવીશ સંપૂર્ણપણે ઘેરાઈ ચુક્યો હતો. 20 વર્ષની ઉંમરમાં જ કેટ કેટલીયે છોકરીઓ તેના જીવનમાં આવીને ચાલી ગઈ. ધીરે ધીરે આ કુટેવોની જાણ મમ્મી રીનાબેનને થઈ. પપ્પા ધીરેનભાઈ સાથે રવીશની વાત કરી કે રવીશની આ સંગતમાંથી છુટકારો કેમ અપાવવો?
હજુ તો સવારે પપ્પા ઘરેથી ઓફિસે જાય એ પહેલાં જ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રાવ સાહેબનો ફોન આવ્યો, ધીરેનભાઈ રવીશની થોડી વાત કરવાની છે તમે ઘેરથી નીકળો એટલે ભૂલ્યા વિના સમય લઈને આજે કૉલેજ થતા જાજો. ધીરેનભાઈ માટે રવીશ વિશે આવી નાની મોટી ફરિયાદો હવે સામાન્ય થઈ ગયેલી. પરંતુ આજે જ મળવાનું કહ્યું એટલે વિચાર્યું કે કદાચ કોઈ ગંભીર બાબત હશે!
ધીરેનભાઈ બંગલામાંથી નીચે ઉતર્યા. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને ધીરેનભાઈ પાછળની સીટ પર બેસી ગયા, અને ડ્રાઈવરને કહ્યું આજે પહેલા રવીશની કોલેજ પર ગાડી લઈ લેજે. ડ્રાઇવરે હકારમાં માથું ધુણાવી કહ્યું, “હા, સાહેબ”.
જેમ-જેમ કૉલેજ નજીક આવતી જતી હતી તેમ-તેમ ધીરેનભાઈના હૃદયના ધબકારા ચકડોળે ચડ્યા હોય તેમ સતત વધતા હતા. આખરે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી ધીરેનભાઈ પ્રિન્સીપાલ ડૉ. રાવ સાહેબની ઓફિસમાં દાખલ થયા.
થોડી આગતા સ્વાગતા કરી, પછી ડૉ. રાવ સાહેબ બોલ્યા, રવીશ વિશે સતત ફરિયાદ કરીને મારે તમારો કિંમતી સમય બગાડીને અહીં બોલાવવા યોગ્ય નથી લાગતું. પરંતુ વાત ખૂબ જ ગંભીર હતી એટલે રૂબરૂ અત્યારે જ આવવાનું કહ્યું. રવીશના વર્ગમાં રુહી મહેતા અભ્યાસ કરે છે. રવીશ તેને કોઈ પણ ભોગે પટાવવા માંગે છે પરંતુ દિકરી ખૂબ જ સંસ્કારી ઘરની છે તેથી રવીશની છે ડતીને રોજ જતી કરીને ભણવામાં ધ્યાન આપે છે.
ગઈકાલે સ્પોર્ટ્સનો લેકચર હતો, દરેક વિદ્યાર્થી મેદાન પર હતા. રુહીની તબિયત અસ્થિર હતી તેથી તે કલાસમાં જ હતી. રવીશને પણ તબિયત અસ્થિર હોવાનું બહાનું મળી ગયેલું. રુહી અંદર બેન્ચ પર સૂતી હતી અને રવિશે કલાસનો દરવાજો બંધ કરી, કેમેરાનો વાયર તોડી ઘણી છે ડતી કરી. પરંતુ લોબીનો એક કેમેરો બારીમાંથી અંદરનો અડધો ક્લાસ કવર કરે છે. લ્યો જોઈ લો તમારા રવીશની હરકતો!.
આજે જ રુહીના પપ્પાનો ફોન હતો કે રુહીને આગળ નથી ભણાવવી તેનું એડમિશન કેન્સલ કરી દેજો. રુહીનો શું વાંક? રવીશની વાત ના માનીને તેને ઇગ્નોર કરે છે એની સજા રુહીને મળી હતી કે શું? કદાચ આ ડરને કારણે સમાજમાં દીકરીઓ હોંશિયાર હોવા છતાં નહીં ભણી શકતી હોય!
રવીશની રુહી પ્રત્યે આવી હરકતો બંધ નહોતી થતી. ઘણીવાર ગાર્ડનમાં પણ નાસ્તામાં ભરેલી સેન્ડવિચ ખાઈને રુહીના સફેદ યુનિફોર્મ પર ટોમેટો કેચ-અપ ઢોળીને મશ્કરી કરતો કે આ ડાઘ શેનો પડ્યો છે? અને બીજા તેના મિત્રો પણ રુહીની મશ્કરી કરી મોટે મોટેથી હસતા. રવીશ મોટા બાપની ઓલાદ હતી, કોણ સામું પડે?
ધીરેનભાઈએ રવીશની આ વાત પત્ની રીનાબેનને કરી. રીનાબેન વિચારી નહોતા શકતા કે પોતાનો દીકરો આવું કરી શકે? બંને પતિપત્નીએ એક યુક્તિ વિચારી. રવીશ રોજ સાંજે મિત્રો સાથે નજીકના ગાર્ડનમાં વૉક કરવા જતો. રીનાબેન પણ આજે એ ગાર્ડનમાં રવીશ જોડે ચાલવા ગયા. પાછળથી કોઈ બાઈક સવારે રીનાબેન પર પાણીની બોટલ ખોલીને પાણી રેડી દીધું અને કમર પર ટોમેટો કેચ-અપ ના ઝબલાનો ઘા કરતાં તોછડી ભાષામાં કહ્યું કે હેય.. મેડમ આ શેના ડાઘ પડ્યા છે?
રવિશે આ બધું નિહાળ્યું અને ઉશ્કેરાઈને ગા ળો ભાંડતો એ બાઈક સવારને પકડ્યો અને બોલ્યો તારાથી આવું વર્તન મારી મમ્મી સાથે કરાય જ કેમ? સ્ત્રીની ઇઝઝત કરવી એ તારી મા એ તને નથી શીખવાડ્યું કે શું?
બાઈકસવારની માથેથી રવિશે હેલ્મેટ ઉતારાવ્યું. ચહેરો જોયો તો બે ઘડી નવાઈ પામ્યો. અને ખૂબ જ આશ્ચર્ય સાથે કહ્યું કે પપ્પા તમે?
ત્યારે ધીરેનભાઈએ રીનાબેનનો હાથ પકડ્યો અને બંને દંપતીએ રવીશની કહ્યું કે “બેટા, રુહી પણ કોઈની દીકરી છે, એ પણ સ્ત્રી છે અને સ્ત્રી ની ઇઝઝત કરવી એ અમે પણ તને શીખવાડ્યું જ છે”. રવીશ બધું જ સમજી ગયો. ખૂબ જ પછતાવો થયો અને મમ્મી પપ્પાને વચન આપ્યું કે આજપછીથી ક્યારેક કોઈ બેન દીકરીની છે ડતી નહીં કરું.
ખરેખર!, અમુક વાતની અસર જ્યા સુધી આપણે ના અનુભવીએ ત્યાં સુધી તે વાતને સમજાવી થોડી અઘરી છે. બધાંજ દેશવાસીઓ મારા ભાઈ બહેન છે, કદાચ એ ફરજ આપણે ભૂલતા જઈએ છીએ. બહારથી બગડ્યા હોય તો કદાચ ડૉક્ટર પણ ઠીક કરે પરંતુ અંદરથી બગડ્યા હોઈએ તો સંસ્કાર અને સમજણ જ સૌથી મોટી ઔષધિ છે…..A+
– અંકિતા મુલાણી.
રિચ થીંકર (હાર્ટ ઓફ લિટરેચર)