જાણો શા માટે શ્રીરામે રાજા બન્યા પછી લક્ષ્મણને આપ્યો હતો મૃત્યુદંડ?
રામાયણમાં એક ઘટનાનું વર્ણન આવે છે, જેમાં શ્રીરામે ન ઇચ્છવા છતાં પણ પોતાના જીવથી પણ વધારે પ્રિય એવા પોતાના નાનાભાઈ લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો હતો. આવો જાણીએ છેવટે શા માટે ભગવાન રામે લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો હતો?
આ ઘટના તે સમયની જ્યારે શ્રીરામ લંકા પર વિજય મેળવ્યા પછી અયોધ્યા પાછા ફરે છે અને અયોધ્યાના રાજા બને છે. એક દિવસ યમ દેવતા કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે શ્રીરામ પાસે આવે છે. ચર્ચાની શરૂઆત કરતા પહેલા તે ભગવાન રામને કહે છે કે, તમે જે પણ પ્રતિજ્ઞા કરો છો તેને પુરી કરો છો. તો હું પણ તમારી પાસે એક વચન માંગુ છું કે, જ્યાં સુધી આપણા બે વચ્ચે વાર્તાલાપ ચાલે ત્યાં સુધી આપણી વચ્ચે કોઈ આવશે નહિ, અને જો કોઈ આવ્યું તો તમારે તેને મૃત્યુદંડ આપવો પડશે. પછી ભગવાન શ્રીરામ યમને વચન આપે છે.
શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણને એવું કહીને દ્વારપાલ બનાવે છે કે, જ્યાં સુધી તેમના અને યમ વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હોય ત્યાં સુધી કોઈને પણ અંદર નહિ આવવા દે, નહિ તો તેને મૃત્યુદંડ આપવો પડશે. લક્ષ્મણ પોતાના ભાઈની આજ્ઞા માનીને દ્વારપાલ બનીને દરવાજા પાસે ઉભા રહી જાય છે.
શ્રીરામ અને યમ ઓરડામાં વાર્તાલાપ કરી રહ્યા હોય છે, અને લક્ષ્મણ બહાર ઉભા હોય છે ત્યારે ઋષિ દુર્વાસાનું આગમન થાય છે. પછી દુર્વાસાએ લક્ષ્મણને પોતાના આગમન વિષેની જાણકારી શ્રીરામને આપવા માટે કહ્યું. પણ વચનબદ્ધ લક્ષ્મણે તેમને વિનમ્રતા સાથે એવું કરવાની ના પાડી દીધી. આથી દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા અને તેમણે આખી અયોધ્યાને શ્રાપ આપવાની વાત કરી.
લક્ષ્મણજી સમજી ગયા કે આ એક વિકટ સ્થિતિ છે, જેમાં તેમણે ક્યાં તો શ્રીરામની આજ્ઞાનું ઉલ્લંખન કરવું પડશે અથવા તો આખા નગરને દુર્વાસા ઋષિના શ્રાપની અગ્નિમાં હોમવું પડશે. પછી લક્ષ્મણે વધુ સમય ન ગુમાવતા નિશ્ચય કરી લીધો કે, તેમણે પોતાના જીવનું બલિદાન આપવું પડશે જેથી તે નગર વાસીઓને ઋષિના શ્રાપથી બચાવી શકે. પછી તે ઓરડામાં ગયા અને શ્રીરામને દુર્વાસા ઋષિના આગમનની સૂચના આપી.
શ્રીરામે યમ સાથે પોતાનો વાર્તાલાપ પૂરો કર્યો અને ઋષિ દુર્વાસાની મહેમાન ગતિ કરી. પરંતુ હવે શ્રીરામ ચિંતિત થઈ ગયા, કારણ કે તેમણે પોતાના વચન અનુસાર લક્ષ્મણને મૃત્યુદંડ આપવાનો હતો. તે સમજી શકતા ન હતા કે તે પોતાના ભાઈને મૃત્યુદંડ કઈ રીતે આપે, પણ તેમણે યમને વચન આપ્યું હતું જેને નિભાવવાનું પણ હતું.
આ દુવિધાની સ્થિતિમાં શ્રીરામે પોતાના ગુરુનું સ્મરણ કર્યું અને કોઈ રસ્તો દેખાડવા કહ્યું. ગુરુદેવે તેમને કહ્યું કે, પોતાના કોઈ પ્રિય વ્યક્તિનો ત્યાગ કરી દેવો તે તેના મૃત્યુ સમાન જ છે. એટલે તમે પોતાના વચનનું પાલન કરીને લક્ષ્મણનો ત્યાગ કરી દો. લક્ષ્મણે આ વાત સાંભળી તો તેમણે શ્રીરામને કહ્યું કે, તમે ભૂલથી પણ મારો ત્યાગ ન કરતા, તમારાથી દૂર રહેવા કરતા તો સારું છે કે, હું તમારા વચનનું પાલન કરીને મોતને ભેટી જાઉં. આવું કહીને લક્ષ્મણે જળ સમાધિ લઇ લીધી.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.