પૌરાણિક ગાથા : શ્રી કૃષ્ણએ કેમ પીધું, રાધાના પગનું ચરણામૃત

0
345

જાણો શા માટે શ્રીકૃષ્ણએ પોતાની પ્રિય રાધાના પગનું ચરણામૃત ગ્રહણ કર્યું હતું. ચરણામૃત સાથે સંબંધિત એક પૌરાણિક ગાથા ઘણી પ્રસિદ્ધ છે, જે આપણને શ્રીકૃષ્ણ અને રાધાજીના અતૂટ પ્રેમની યાદ અપાવે છે. કહેવામાં આવે છે કે, એકવાર નંદલાલ ઘણા બીમાર થઈ ગયા હતા. કોઈ દવા કે જડી-બુટી તેમના પર અસર કરી રહી ન હતી. ત્યારે શ્રીકૃષ્ણએ પોતે જ ગોપીઓને એક એવો ઉપાય કરવા માટે કહ્યું, જેને સાંભળીને ગોપીઓ દુવિધામાં પડી ગઈ.

હકીકતમાં શ્રીકૃષ્ણએ ગોપીઓને તેમને ચરણામૃત પીવડાવવા કહ્યું હતું. તેમનું માનવું હતું કે તેમના પરમ ભક્ત અથવા જે તેમને અતિ પ્રેમ કરે છે તથા તેમની ચિંતા કરે છે, જો તેમના પગને ધોવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જળને તે ગ્રહણ કરી લે તો તે સાજા થઈ જશે.

પણ બીજી તરફ ગોપીઓ વધારે ચિંતામાં પડી ગઈ. શ્રીકૃષ્ણ તે દરેક ગોપીઓ માટે વધારે મહત્વપૂર્ણ હતા, તે દરેક તેમની પરમ ભક્ત હતી, પણ તેમને આ ઉપાય નિષ્ફ્ળ થવાની ચિંતા પરેશાન કરી રહી હતી.

તેમના મનમાં વારંવાર એ વિચાર આવી રહ્યો હતો કે, કોઈ એક ગોપીએ પોતાના પગનું ચરણામૃત બનાવી લીધું અને શ્રીકૃષ્ણને પીવા માટે આપ્યું તો તે પરમ ભક્તનું કાર્ય તો કરી દેશે. પરંતુ કોઈ કારણો સર શ્રીકૃષ્ણ સાજા ન થયા તો તેણે નરક ભોગવવું પડશે.

હવે બધી ગોપીઓ વ્યાકુળ થઈને શ્રીકૃષ્ણ તરફ જોઈ રહી હતી અને કોઈ અન્ય ઉપાય વિષે વિચારી રહી હતી, એટલામાં રાધાજી ત્યાં આવ્યા. પોતાના કૃષ્ણને આ હાલતમાં જોઈને રાધાજીના તો જાણે પ્રાણ જ નીકળી ગયા.

જયારે ગોપીઓએ શ્રીકૃષ્ણ દ્વારા જણાવેલો ઉપાય રાધાજીને જણાવ્યો, તો રાધાજીએ એક ક્ષણ બગાડવાનું પણ યોગ્ય ન સમજ્યું અને જલ્દી જ પોતાના પગ ધોઈને ચરણામૃત તૈયારી કરી શ્રીકૃષ્ણને પીવડાવવા માટે આગળ વધ્યા.

રાધાજી જાણતા હતા કે તે શું કરી રહ્યા છે. જે વાત અન્ય ગોપીઓ માટે ભયનું કારણ હતી બસ એવી જ રીતે રાધાજીના મનમાં પણ હતું. પણ શ્રીકૃષ્ણને પાછા સ્વસ્થ કરવા માટે તે નરકમાં જવા માટે પણ તૈયાર હતા.

છેવટે શ્રીકૃષ્ણએ ચરણામૃત ગ્રહણ કર્યું અને જોતજોતામાં તે સાજા થઈ ગયા. કારણ કે તે રાધાજી જ હતા જેમના પ્રેમ અને સાચી નિષ્ઠાથી શ્રીકૃષ્ણ તરત સ્વસ્થ થઈ ગયા. પોતાના કૃષ્ણને નિરોગી જોવા માટે રાધાજીએ એક વાર પણ પોતાના ભવિષ્યની ચિંતા ન કરી અને એવું જ કર્યું જે તેમનો ધર્મ હતો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.