ભાગવત રહસ્ય 124: શુકદેવજીએ એવું શા માટે કહ્યું છે કે સંસારનું સુખ દરાજ ને ખંજવાળવા જેવું છે, જાણો

0
513

ભાગવત રહસ્ય – ૧૨૪

ધર્મ પ્રકરણ પછી હવે અર્થ પ્રકરણ ચાલુ થાય છે. શાંતિ એ સંયમથી, સદાચારથી, સારા સંસ્કાર(ધર્મ) થી મળે છે. સંપત્તિ (અર્થ) થી નહિ. સંપત્તિથી વિકારવાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે. આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્રનું વર્ણન છે.

મૈત્રેયજી કહે છે : મનુ-શતરૂપાની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કર્યું. તેમના બે પુત્રો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા. પ્રિયવ્રત રાજાની કથા પાંચમા સ્કંધમાં આવશે. ઉત્તાનપાદની કથા આ ચોથા સ્કંધમાં છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે કે જીવ માત્ર ઉત્તાનપાદ છે. માં ના ગર્ભમાં રહેલો જીવ કે જેના પગ ઉંચા છે અને માથું નીચે છે તે ઉત્તાનપાદ. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે.

ઉત્તાનપાદને બે રાણીઓ હતી. સુરુચિ અને સુનીતિ. રાજાને સુરુચિ પ્યારી લાગે છે અને સુનીતિ અળખામણી લાગે છે. રાજા સુરુચિના સૌન્દર્યમાં આશક્ત છે. રાજાને સુરુચિથી પુત્ર ઉત્તમ અને સુનીતિથી પુત્ર ધ્રુવ થયા છે.

જરા વિચાર કરો જીવ માત્રને બે રાણીઓ હોય છે. મનુષ્યને પણ સુરુચિ ગમે છે તે માનીતી રાણી છે. રુચિ એટલે મનગમતી ઈચ્છા. ઇન્દ્રિયો માગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ. સુરુચિ એટલે વા સના. મનને ઈન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે, તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને કે કોઈ સંતને પૂછતો નથી. મન માગે તે ભોગ ભોગવવા આતુર બને તે સુરુચિનો દાસ.

અને રુચિને આધીન થયો એટલે નીતિ તેને ગમતી નથી. નીતિ અળખામણી લાગે છે. સાધારણ રીતે મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ જ ગમે છે. સદાચાર-સંયમથી નીતિમય જીવન ગળવું તેને ગમતું નથી. વા સનાને આધીન થઇ વિલાસી-સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિ-ઇન્દ્રિયોના દાસ ભક્તિ કરી શકતા નથી. અને જે રુચિનો દાસ છે ત્યાં ફળ રૂપે ઉત્તમ આવે છે.

ઉત્ = ઈશ્વર અને તમ = અંધકાર. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. જે રુચિના આધીન છે-તે જીવ ઈશ્વરના અજ્ઞાનમાં અથડાય છે. પરમાત્માના દર્શન તેને થતાં નથી. વિલાસીને ઈશ્વરનું જ્ઞાન થતું નથી, વિરક્તને થાય છે.

બીજી રીતે જોઈએ તો રુચિનું ફળ છે વિષયાનંદ. વિષયો ક્ષણિક જ ઉત્તમ સુખ આપે છે. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જે થોડો સમય સુખનો ભાસ થાય છે તે વિષયાનંદ. આ સુખ ક્ષણિક છે, અને પરિણામે દુઃખ આપે છે. ઇન્દ્રિયોનું સુખ કેવું છે? તેના માટે શુકદેવજીએ કહ્યું છે – સંસારનું(ઇન્દ્રિયોનું) સુખ દરાજ ને ખંજવાળવા જેવું છે. ભોજન બહુ સરસ હશે તો તો ભુખ કરતા વધુ ખવાશે, ઉપરથી બે-ચાર અન્ન પાચનની ગોળીઓ લેવી પડે છે. આવા સમયે રુચિ કહે છે કે તું ખા અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર.

જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે. જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે, પરમાત્માના દર્શન થાય છે. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. ધ્રુવ એટલે અવિનાશી. જેનો કદી નાશ થતો નથી તે પદ. બ્રહ્માનંદનો વિનાશ નથી, તેથી તે ધ્રુવ. નીતિને આધીન રહે તેને ધ્રુવ મળે છે. બ્રહ્માનંદ મળે છે. નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે. અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી.

એક ઉદાહરણ છે. પહેલાંના સમયમાં લોકો પગે ચાલીને જાત્રા કરવા જતા, જેથી અતિઆવશ્યક હોય તેટલો જ સામાન જોડે રાખતા. આજકાલ ગાડી-મોટરની વ્યવસ્થા થઇ ગઈ છે એટલે કેટલાંક જાત્રા એ જાય ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઇ જાય છે. બે મિત્રો જાત્રાએ નીકળ્યા. એક ને એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહિ. આ તો યાત્રા છે દરેક જગ્યાએ પલંગ મળે નહિ એટલે પલંગ પણ જોડે લીધો છે.

એક વખત એવું બન્યું કે કોઈ મજુર મળ્યો નહિ. બીજું તો કોણ ઉપાડે? એટલે ભાઈએ પલંગ માથે લીધો અને તેના ઉપર બીજો સામાન મુક્યો. તડકો ખુબ પડતો હતો, ભાઈ પરસેવે રેબઝેબ હતા. સામેથી એક સજ્જન મળ્યા, તેમનાથી આ ભાઈની દશા ના જોવાણી, તે કહે છે કે : આ પલંગ વગર જાત્રા કરો ને! આટલો બધો ત્રા-સ-શા માટે વેઠો છે? પેલા ભાઈ એ જવાબ આપ્યો : ભલે બોજ ઉંચકવો પડે પણ રાત્રે સુવાની મજા આવે છે ને! રાત્રે મજા પડે છે તેથી માથે ઊંચક્યું છે. રાત્રે શું મજા આવતી હશે તે તો પરમાત્મા જાણે!

આ બીજાની કથા નથી, આ આપણી પણ કથા છે. જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે. ક્ષણિક સુખ માટે આખો દિવસ ગદ્ધા-વૈતરું કરે છે. અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે. સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે છે, તેટલું પરમાત્મા માટે સહન કરે તો તેને પરમાત્માના દર્શન થાય.

વિચાર કરો – છોકરાંને ઉછેરતાં માં-બાપને કેટલું સહન કરવું પડે છે! તેમ છતાં લગ્ન થાય પછી છોકરાંઓની બુદ્ધિ બગડે છે. કાનમાં મંત્ર આપનાર ગુરુના આગમન પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માં બાપનો તિરસ્કાર કરે છે. વિષયાનંદ ટકતો નથી અને ભજનાનંદનો નાશ થતો નથી. ધ્રુવ અવિનાશી ભજનાનંદનું બ્રહ્માનંદનું સ્વરૂપ છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)