એવું તે શું થયું હતું કે શ્રી કૃષ્ણના મિત્ર હોવા છતાં સુદામાએ ગરીબી ભોગવવી પડી હતી, જાણો તેનું કારણ.

0
3012

સુદામાએ જીવનનો લાંબો સમય ગરીબીમાં કેમ પસાર કરવો પડયો, તેમના કયા કર્મનું આવું ફળ મળ્યું હતું, જાણો.

મિત્રો, જ્યારે પણ સાચી મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવે છે, ત્યારે સૌથી પહેલું ઉદાહરણ આપણા મગજમાં આવે છે તે છે શ્રી કૃષ્ણ અને સુદામાનું. તેમની ગાઢ મિત્રતા સાથે જોડાયેલી ઘણી પૌરાણિક વાર્તાઓ તો તમે સાંભળી જ હશે. પરંતુ મિત્રો, શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન ઊભો થયો છે કે એક જ આશ્રમમાંથી દીક્ષા લીધા છતાં પણ તેમનામાંથી એક મિત્ર એટલે કે કૃષ્ણ સમય જતા દ્વારકાના રાજા બન્યા, પરંતુ સુદામાએ ગરીબીમાં લાંબો સમય કેમ પસાર કર્યો?

શું ભગવાન કૃષ્ણને તેમના મિત્રની આ દશા વિશે ખબર ન હતી કે તે મુરલીધરની આ પણ કોઈ લીલા હતી? આવો આજે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ જાણીએ.

આપણા આજના વિષય ઉપર અને મિત્ર સુદામા આટલા ગરીબ કેમ હતા તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેના વિશે હવે આપણે વિગતવાર જાણીશું. ઘણા સમય પહેલાની વાત છે કે એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી, જે ખૂબ જ ગરીબ હતી. તે આખો દિવસ ભિક્ષા માંગતી અને ગુજરાન ચલાવતી હતી. તેની પાસે જર્જરિત ઝૂંપડી અને જૂના ફાટેલા કપડા સિવાય બીજું કંઈ ન હતું. એકવાર તેમને 5 દિવસ સુધી ક્યાંયથી પણ ભિક્ષા ન મળી આથી તેમની ભૂખ ઘણી વધી ગઈ. તે ખૂબ જ હતાશ હતી. તે બિચારી દરરોજ પાણી પીતી અને ભગવાનનું સ્મરણ કરતી ઊંઘી જતી.

છઠ્ઠા દિવસે, જ્યારે તેમને દાનમાં થોડા ચણા મળ્યા, ત્યારે તેમણે મનોમન હૃદયથી ભગવાનનો આભાર માન્યો અને તેમણે તે ચણા એક પોટલીમાં ભરીને પોતાના માથા પાસે રાખ્યા અને એમ વિચારીને સૂઈ ગઈ કે બીજા દિવસે તે આ ચણામાંથી ભગવાનને થાળ કર્યા પછી પોતે ખાશે.

પરંતુ તે જ રાત્રે કેટલાક ડાકુઓ તેમની ઝૂંપડીમાં આવ્યા. તેમણે ઝૂંપડીમાં લાંબા સમય સુધી શોધખોળ કરી પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. પછી અચાનક તેમની નજર તે વૃદ્ધ મહિલાના માથા પાસે ગઈ. તેમણે તે પોટલી જોઈ. તેમને લાગ્યું કે પોટલીમાં કોઈ કિંમતી વસ્તુ હશે, એટલે જ તે મહિલા તેને માથા પાસે રાખીને સૂતી હશે. બસ પછી શું હતું, તેઓ તેને ધીમેથી ઉપાડીને ભાગી ગયા.

ગામ છોડીને તેઓ ગુરુ સાંદીપનીના આશ્રમમાં છુપાઈ ગયા. આ એ જ આશ્રમ હતો જ્યાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ લેતા હતા. થોડા સમય પછી જ્યાં તે સંતાઈ ગયા હતા ત્યાંથી ગુરુમાતા પસાર થયા અને જયારે ચોરોને કોઈના આવવાનો અણસાર થયો ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ઉતાવળમાં પોટલી ત્યાં જ છોડીને ભાગી ગયા.

સવારે ઉઠીને સાંદીપની ઋષિની પત્નીએ પોટલી ખોલી જોઈ ત્યારે તેમને તેમાં ચણા મળ્યા. તેમણે તે જ પોટલી એવીને એવી જ જંગલમાં લાકડા કાપવા જઈ રહેલ કૃષ્ણ અને સુદામાને આપી દીધી. આ બાજુ બીજે દિવસે જ્યારે વૃદ્ધ મહિલા જાગી ત્યારે તેમણે જોયું કે તેમની પોટલી ન હતી. તે સમજી ગયા કે રાત્રે કોઈએ તે પોટલી ચોરી લીધી છે. પછી 6 દિવસથી ભૂખથી બેહાલ વૃદ્ધ મહિલાએ ખૂબ જ ઉદાસી સાથે શ્રાપ અપાતા કહ્યું કે, જે આ ચણા ખાશે તેની હાલત પણ મારી જેવી જ થશે, એટલે કે તેનું જીવન પણ ગરીબીમાં પસાર થશે.

મિત્રો, અહીં અમે તમને સુદામા સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીએ કે તેમની અનુભૂતિ શક્તિ ખૂબ જ પ્રબળ હતી. તેમને એ પોટલી અડતાની સાથે જ પેલી ગરીબ વૃદ્ધ મહિલાએ આપેલા શ્રાપની જાણ થઈ ગઈ હતી.

બીજી બાજુ શ્રી કૃષ્ણ અને સુદામા જંગલમાં લાકડા કાપતા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો અને તોફાન પણ આવી ગયું. આટલો વરસાદ જોઈને શ્રી કૃષ્ણ અને સુદામા એક ઝાડ નીચે રોકાઈ ગયા. વરસાદ ઘણા સમય સુધી ચાલુ રહ્યો એટલે થોડા સમય પછી બંને ને ભૂખ લાગી એટલે શ્રી કૃષ્ણે સુદામાને કહ્યું કે, સંભાળ મિત્ર મને ખુબ ભૂખ લાગી છે. ગુરુમાતાએ જે ચણા આપ્યા છે એ મને આપ.

સુદામાને તો ખબર જ હતી કે તે શ્રાપિત ચણા છે અને તે ઇચ્છતા નહોતા કે તેના પ્રિય મિત્ર કૃષ્ણ પોતાના જીવનમાં ગરીબી જુએ. તેથી જ તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે ચણાની પોટલી ક્યાંક પડી ગઈ છે. પછી તક મળતા પોતે બધા ચણા ખાઈ લીધા. અને મિત્રો આ રીતે ભક્ત સુદામાએ મિત્ર ધર્મનું પાલન કર્યું અને ગરીબીનો શ્રાપ પોતાના ઉપર લઈ લીધો.

આ વાર્તા સાબિત કરે છે કે, સુદામા જીવનમાં ભલે ગમે તેટલા ગરીબ હોય, પરંતુ તેમનું હૃદય ખૂબ મોટું હતું. ભૌતિક દૃષ્ટિકોણથી તમે સુદામાને ગરીબ કહી શકો, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ આ જગતમાં તેમનાથી વધુ ધનવાન કોઈ નહોતું, જેણે ભગવાન પાસેથી ગરીબીનો આટલો મોટો શાપ પોતાના ઉપર લઈ લીધો હતો.