કૃષ્ણના પાક્કા મિત્ર હોવા છતાં પણ સુદામાને કેમ ન મળી સંપત્તિ અને વૈભવ? જાણો રહસ્ય.
શ્રી કૃષ્ણાય ગોવિન્દાય નમો નમઃ
સુદામાને ગરીબી કેમ મળી? જો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સુદામા ઘણા ધનવાન હતા. જેટલું ધન તેમની પાસે હતું એટલું બીજા કોઈની પાસે ન હતું. પણ જો ભૌતિક દૃષ્ટિથી જોવામાં આવે તો સુદામા નિર્ધન હતા.
છેવટે કેમ?
એક બ્રાહ્મણી હતી જે ઘણી ગરીબ અને નિર્ધન હતી. તે ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરતી હતી. એક સમય એવો આવ્યો કે તેને 5 દિવસ સુધી ભિક્ષા મળી નહિ, આથી તે પાણી પી ને ભગવાનનું નામ લઈને સુઈ જતી હતી. છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠ્ઠી ચણા મળ્યા. ઝૂંપડી પર પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ. બ્રાહ્મણીએ વિચાર્યું કે, હવે આ ચણા રાત્રે નહિ ખાઉં, સવારે વાસુદેવને ભોગ ધરાવીને પછી ખાઈશ. આ વિચારીને બ્રાહ્મણીએ કપડાંમાં ચણા બાંધી દીધા, અને વાસુદેવનું નામ જપતા-જપતા સુઈ ગઈ.
જુઓ સમયનો ખેલ :
કહેવાય છે કે – પુરુષ બળવાન નથી હોતો સમય બળવાન હોય છે.
બ્રાહ્મણીના સુઈ ગયા પછી કેટલાક ચોર તેની ઝૂંપડી (કુટીર) માં ચોરી કરવા માટે આવ્યા. ઝૂંપડીમાં બધી જગ્યાએ ઘણું શોધ્યા પછી તે ચોરોને ચણા બાંધેલી પોટલી મળી. ચોરોને લાગ્યું કે તેમાં સોનાના સિક્કા હશે. પણ એટલામાં બ્રાહ્મણી જાગી ગઈ અને બૂમો પાડવા લાગી. બૂમો સાંભળીને ગામના લોકો જાગી ગયા અને ચોરોને પકડવા માટે દોડ્યા. પકડાઈ જવાની બીકથી બધા ચોર સાંદિપની મુનીના આશ્રમમાં સંતાઈ ગયા. (સાંદિપની મુનિનું આશ્રમ ગામની નજીક હતું જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા શિક્ષણ મેળવી રહ્યા હતા.)
ગુરૂમાતાને લાગ્યું કે કોઈ આશ્રમની અંદર આવ્યું છે. આશ્રમમાં કોણ આવ્યું છે તે જોવા માટે ગુરુમાતા આગળ વધ્યા, આથી ચોર પકડાઈ જવાની બીકથી ગભરાઈ ગયા અને આશ્રમમાંથી ભાગી ગયા. ભાગતા સમયે ચોરોથી તે પોટલી ત્યાં જ પડી ગઈ, અને ચોર ભાગી ગયા.
આ તરફ ભૂખથી વ્યાકુળ બ્રાહ્મણીએ જ્યારે ખબર પડી કે, ચોર તેમની ચણાની પોટલી ચોરી ગયા છે, તો તેમણે શ્રાપ આપી દીધો કે ‘મારા ગરીબ નિઃસહાયના ચણા જે પણ ખાશે તે દરિદ્ર થઈ જશે.’
સવારે જયારે ગુરુમાતા આશ્રમમાં કચરો વાળી રહ્યા હતા ત્યારે તેમને તે ચણાની પોટલી મળી. ગુરુમાતાએ પોટલી ખોલીને જોયું તો તેમાં ચણા હતા. તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ ભગવાન રોજની જેમ જંગલમાં લાકડા લેવા જઈ રહ્યા હતા.
ગુરુમાતાએ તે ચણાની પોટલી સુદામાને આપી દીધી અને કહ્યું, દીકરા! જયારે જંગલમાં ભૂખ લાગે ત્યારે બંને જણા આ ચણા ખાઈ લેજો. સુદામા જન્મથી બ્રહ્મજ્ઞાની હતા. તેમણે જેવી જ તે ચણાની પોટલી હાથમાં લીધી કે તેમને બધું રહસ્ય સમજાઈ ગયું.
સુદામાએ વિચાર્યું, ગુરુમાતાએ કહ્યું છે કે આ ચણા બંને લોકો બરાબર વહેંચી લેજો. પણ જો આ ચણા મેં ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખવડાવ્યા તો આખી સૃષ્ટિ દરિદ્ર થઈ જશે. નહિ-નહિ હું આવું નહિ કરું. હું જીવિત હોઉં અને મારા પ્રભુ દરિદ્ર થઈ જાય એવું હું કયારેય નહિ થવા દઉં. હું પોતે આ બધા ચણા ખાઈ જઈશ અને કૃષ્ણને નહિ ખાવા દઉં.
અને પછી સુદામા બધા ચણા ખાઈ ગયા અને દરિદ્રતાનો શ્રાપ પોતાના પર લઇ લીધો. પણ પોતાના મિત્ર શ્રીકૃષ્ણને શ્રાપ વાળો એક પણ ચણો આપ્યો નહિ. આ હતું સુદામાની દરિદ્રતાનું કારણ.
આને કહેવાય મિત્ર.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.