જાણો જપમાળામાં કેમ હોય છે 108 મણકા, શું છે તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ?

0
554

જાણો દરેક માળામાં 108 મણકા જ કેમ હોય છે, આ છે તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. હિંદુ પૌરાણિક શાસ્ત્રોમાં મંત્ર જાપનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. મંત્ર જાપ માટે ઘણા પ્રકારની માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ દરેક માળાઓમાં એક સમાનતા હોય છે, તે એ કે તેમાં મણકાની સંખ્યા 108 હોય છે. શાસ્ત્રોમાં 108 સંખ્યાનું સૌથી વધારે મહત્વ માનવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ હોવાની સાથે જ જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ પણ માનવામાં આવે છે. આવો જાણીએ માળાના 108 મણકાનું મહત્વ.

હિંદુ ધર્મમાં મંત્ર જાપ માટે તુલસી, રુદ્રાક્ષ અને સ્ફટિક વગેરેની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. મંત્ર જાપ માટે શાંત વાતાવરણ, આસન અને માળા હોવી ઘણી જરૂરી હોય છે. શાસ્ત્રો અનુસાર ગણતરી વગરના મંત્ર જાપનું કોઈ મહત્વ નથી, અને ન તો તેનાથી ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે માળાથી મંત્રનો જાપ કરવાથી મનની મનોકામના જલ્દી જ પુરી થાય છે.

શાસ્ત્રો અનુસાર માળાના 108 મણકાનો સંબંધ વ્યક્તિના શ્વાસ સાથે માનવામાં આવ્યો છે. એક વ્યક્તિ દિવસ અને રાતના કુલ 24 કલાકમાં લગભગ 21,600 વાર શ્વાસ લે છે. માનવામાં આવે છે કે 24 કલાકમાંથી 12 કલાક માણસ પોતાના દૈનિક કામોમાં પસાર કરે છે, અને બાકી રહેલા 12 કલાકમાં વ્યક્તિ લગભગ 10,800 શ્વાસ લે છે. શાસ્ત્રો અનુસાર એક માણસે દિવસમાં 10,800 વખત ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. પણ એક સામાન્ય માણસ માટે આ કરવું શક્ય નથી, એટલા માટે બે શૂન્ય હટાવીને જપ માટે 108 ની સંખ્યા શુભ માનવામાં આવી છે. જેના લીધે જાપની માળાના મણકાની સંખ્યા પણ 108 હોય છે.

108 નું વૈજ્ઞાનિક મહત્વ : જો વૈજ્ઞાનિક તથ્યની વાત કરવામાં આવે, તો માળાના 108 મણકા અને સૂર્યની કળાઓનો સંબંધ માનવામાં આવ્યો છે. એક વર્ષમાં સૂર્યની 2,16,000 કળાઓ બદલાય છે. 6 મહિના ઉત્તરાયણ રહે છે તો 6 મહિના દક્ષિણાયણ રહે છે. આ રીતે 6 મહિનામાં સૂર્યની કળાઓ 1,08,000 વાર બદલાય છે. આ રીતે અંતના ત્રણ શૂન્ય હટાવી દેવામાં આવે તો 108 બચે છે. 108 મણકાને સૂર્યની કળાઓનું પ્રતીક માનવામાં આવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.