ભગવાન વિષ્ણુએ દેવકી અને વાસુદેવના ઘરમાં કેમ લીધો કૃષ્ણાવતાર?

0
662

ભગવાન વિષ્ણુએ એક નહિ પણ ત્રણ-ત્રણ વખત દેવકી અને વાસુદેવના ઘરે લીધો હતો જન્મ જાણો વિગતે વાત.

જયારે માતા દેવકીનો પહેલો જન્મ થયો હતો, તે સમયે તેમનું નામ ‘પૃશ્નિ’ હતું તથા વાસુદેવ ‘સુતપા’ નામના પ્રજાપતિ હતા. બંનેએ સંતાન પ્રાપ્તિ માટે સૂકા પાંદડા ખાઈને અને ક્યારેક હવા પી ને દેવતાઓનું બાર હજાર વર્ષ સુધી તપ કર્યું હતું.

ઈન્દ્રિયોનું દમન કરીને બંનેએ વરસાદ, પવન, તડકો, ઠંડી વગેરે કાળના અલગ અલગ ગુણો સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના મેલ ધોઈ નાખ્યા. તેમની પરમ તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમયી ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીવિષ્ણુ તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમની સામે પ્રગટ થયા અને તે બંનેને કહ્યું કે, તમારી જે ઈચ્છા હોય તે માંગી લો.

ત્યારે તે બંનેએ ભગવાન શ્રીહરિ જેવો પુત્ર માંગ્યો. ભગવાન વિષ્ણુ તેમને તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા.

વરદાન આપ્યા પછી ભગવાને નમ્રતા, સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોમાં પોતાના જેવા અન્ય કોઈને નહિ જોયા. એવી સ્થિતિમાં ભગવાને વિચાર કર્યો કે, મેં તેમને વરદાન તો આપી દીધું કે મારા જેવો પુત્ર થશે, પરંતુ તેને હું પૂરું નથી કરી શકતો, કારણ કે સંસારમાં એવું કોઈ અન્ય છે જ નહિ.

કોઈને પણ કોઈ વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરીને તેને પુરી ન કરી શકીએ તો તેના સમાન ત્રણ ગણી વસ્તુ આપવી જોઈએ. એવું વિચારીને ભગવાને પોતે તે બંનેના પુત્રના રૂપમાં ત્રણ વાર અવતાર લેવાનો નિર્ણય લીધો.

એટલા માટે ભગવાન જયારે પહેલી વાર તે બંનેના પુત્ર બન્યા, તે સમયે તે ‘પૃશ્નિગર્ભ’ ના નામથી ઓળખાયા.

બીજા જન્મમાં માતા પૃશ્નિ ‘અદિતિ’ થઇ અને સુતપા ‘કશ્યપ’ થયા. તે સમયે ભગવાન ‘વામન’ ના રૂપમાં તેમને એક પુત્ર થયો.

પછી દ્વાપર યુગમાં બંનેનો ત્રીજો જન્મ થયો. તે જન્મમાં તે જ અદિતિ ‘દેવકી’ થયા અને કશ્યપ ‘વાસુદેવ’ થયા અને પોતાના વચનને સાચું કરવા માટે ભગવાન વિષ્ણુએ તેમના પુત્રના રૂપમાં શ્રીકૃષ્ણનો અવતાર લીધો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.