શંખથી નથી ચઢાતું શિવલિંગ પર જળ, જાણો કેમ?

0
484

જાણો કેમ શિવલિંગ પર શંખ દ્વારા જળ ચલાવવામાં આવતું નથી, આ છે તેનું કારણ?

આપણે બધા જાણીએ છીએ કે પૂજન કાર્યમાં શંખનો ઉપયોગ મહત્વપૂર્ણ હોય છે. લગભગ દરેક દેવી-દેવતાઓને શંખથી જળ અર્પણ કરવામાં આવે છે, પણ શિવલિંગ પર શંખથી જળ અર્પણ કરવું વર્જિત માનવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે, છેવટે શા માટે શિવજીને શંખથી જળ અર્પણ નથી કરતા? જણાવી દઈએ કે તેના સંબંધમાં શિવપુરાણમાં એક કથા જણાવવામાં આવી છે. આવો તમને તેના વિષે જણાવીએ.

શિવપુરાણની કથા (story of shiv puran) : શિવપુરાણ અનુસાર શંખચૂડ નામનો એક મહાપરાક્રમી દૈત્ય હતો. શંખચૂડ દૈત્યરાજ દંભનો પુત્ર હતો. દૈત્યરાજ દંભને જયારે ઘણા સમય સુધી કોઈ સંતાન ન થયું, તો તેણે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી. તેના તપથી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાન પ્રકટ થયા. વિષ્ણુ ભગવાને તેને વરદાન માંગવાનું કહ્યું, તો દંભે ત્રણેય લોકો માટે અજેય એવા એક મહાપરાક્રમી પુત્રનું વરદાન માંગ્યું. પછી શ્રીહરિ તથાસ્તુ કહીને અંતર્ધાન થઇ ગયા. આ વરદાનથી દંભને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ શંખચૂડ પડ્યું.

શંખચૂડે પુષ્કરમાં બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કરી લીધા. બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે શંખચૂડે વરદાન માંગ્યું કે તે દેવતાઓ માટે અજેય બની જાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને તેને શ્રીકૃષ્ણ કવચ આપ્યું. સાથે જ બ્રહ્માજીએ શંખચૂડને ધર્મધ્વજની કન્યા તુલસી સાથે લગ્ન કરવાની આજ્ઞા આપી, પછી તે અંતર્ધાન થઇ ગયા.

બ્રહ્માજીની આજ્ઞાથી તુલસી અને શંખચૂડના લગ્ન થઈ ગયા. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનના વરદાનના અભિમાનમાં ચૂર દૈત્યરાજ શંખચૂડે ત્રણેય લોકો પર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરી લીધું. દેવતાઓએ તેનાથી ત્રાસી જઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી, પણ તેમણે પોતે દંભને આવા પુત્રનું વરદાન આપ્યું હતું એટલે તેમણે શિવજીને પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ દેવતાઓનું દુઃખ દૂર કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ શ્રીકૃષ્ણ કવચ અને તુલસીના પતિવ્રતા ધર્મને કારણે શિવજી પણ તેનો વધ કરવામાં સફળ થઇ શકતા ન હતા. ત્યારે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ પાસેથી તેનું શ્રીકૃષ્ણ કવચ દાનમાં લઇ લીધું.

ત્યારબાદ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીના ચારિત્ર્યનું હરણ કર્યું. પછી શિવજીએ પોતાના ત્રિશુળથી શંખચૂડને ભષ્મ કરી દીધો અને તેના હાડકાંમાંથી શંખનો જન્મ થયો. જોકે શંખચૂડ વિષ્ણુ ભક્ત હતો એટલે લક્ષ્મી-વિષ્ણુને શંખનું જળ અતિ પ્રિય છે, અને દરેક દેવતાઓને શંખથી જળ અર્પણ કરવાનું વિધાન છે. પણ શિવજીએ તેનો વધ કર્યો હતો, એટલે શંખનું જળ શિવજીને નિષેધ જણાવવામાં આવ્યું છે. આ કારણે શિવજીને શંખથી જળ અર્પણ કરવામાં આવતું નથી.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.