આપણે ૐ પછી ‘શાંતિ’ ત્રણ વાર કેમ બોલીએ છીએ, શું તમને ખબર છે તેનું કારણ, અહીં જાણો.

0
906

ૐ પછી ‘શાંતિ’ કેમ ત્રણ વાર બોલવામાં આવે છે?

અવાજ રહિત નીરવતા એટલે શાંતિ. અવાજ જે સ્પંદનો ઊભાં કરે છે તે સદાકાળ હવામાં તરતાં રહે છે અને અશાંતિનો અનુભવ કરાવે છે. જે સ્થળે ખુબ અવાજ થયેલા હોય છે તે સ્થળે વ્યક્તિ મૌન રહે તો પણ શાંતિનો અનુભવ નથી કરી શકતો. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ઊંચા પર્વત ઉપર આવેલા કોઈ સ્થળે જશો તો તરત જ અપૂર્વ શાંતિનો અનુભવ થશે. કારણ કે એવા ઊંચા સ્થળે બહુ ઓછા લોકો ગયેલા હોય છે અને તેથી ત્યાં અવાજનાં સ્પંદનો હવામાં તરતાં હોતાં નથી.

મન અને હૃદયની સહજ અવસ્થા એટલે શાંતિ. મન અને હૃદયને ગમતી અવસ્થા એટલે શાંતિ. જ્યાં અશાંતિનો અંત આવે છે ત્યાં અને ત્યારે શાંતિ અનુભવાય છે.

જ્યાં શાંતિ હોય છે ત્યાં સુખ હોય છે તેથી દરેક વ્યક્તિ જીવનમાં શાંતિ ઇચ્છતી હોય છે. આમ જુઓ તો શાંતિની હાજરી તો હોય છે, પરંતુ તે અશાંતિના આવરણ નીચે ઢંકાયેલી હોવાથી ખરેખરી શાંતિ મેળવવી કઠીન છે. બહારની ધાંધલધમાલ અને મુસીબતો વચ્ચે પણ આંતરિક રીતે શાંત રહી શકે તેવા વિરલા તો કોક જ હોય છે. આવી સ્થિતિમાં શાંતિ લાવવી કેવી રીતે?

તેથી આપણા પૂર્વજોએ શાંતિ મેળવવા માટે પ્રાર્થનાની રચના કરી હતી. પ્રાર્થના કરવાથી અશાંતિ અને મનમાં ચાલતા વિચારોનો અંત આવે છે અને બહાર ભલે અશાંતિ લાગતી હોય છતાંય આંતરિક રીતે શાંતિ અનુભવાય છે – એટલે જ શાંતિના અનુભવનો સ્વીકાર કરતા હોઈએ તે રીતે પ્રાર્થનાને અંતે આપણે ત્રણ વખત શાંતિ, શાંતિ, શાંતિ એમ બોલીએ છીએ.

હવે સવાલ એ થાય છે કે આ રીતે શાંતિ, શાંતિ, શાંતિ ત્રણ વાર બોલવાની પરંપરાનો હેતુ શું છે? સંસ્કૃતમાં કહ્યું છે કે “ત્રિવરમ્ સત્યમ્” – કોઈ પણ વાત જો ત્રણ વખત કહેવાય તો તે સાચી ઠરે છે. આપણે જ્યારે કોઈ ને, કોઈ વાત સમજાવતા હોઈએ છીએ ત્યારે તે વાત આપણે ભાર દઈને ત્રણ વાર કહીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે કોર્ટમાં પણ સાક્ષીને તેની આસ્થાના ધર્મગ્રંથ ઉપર હાથ મુકાવીને આ પ્રમાણે બોલવાનું કહેવામાં આવે છે, – “હું સત્ય કહીશ, સંપૂર્ણ સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કશું જ કહીશ નહિ.”

શાંતિ માટેની આપણી તીવ્ર ઇચ્છા વ્યક્ત કરવા માટે આપણે ત્રણ વાર શાંતિ બોલીએ છીએ. આ ઉપરાંત બીજી સારી રીતે સમજવા જેવી વાત એ છે કે આપણાં બધા દુઃખ અને ઉપાધીઓ ત્રણ સ્ત્રોતમાંથી ઉદભવે છે.

(૧) જેના ઉપર આપણું નિયંત્રણ નથી તેવા ધરતીકંપ, પૂર અને જ્વાળામુખી જેવા અદ્રશ્ય દૈવી પરિબળો.

(૨) અકસ્માત, પ્રદુષણ, ગુનાખોરી, છેતરપિંડી જેવા આપણી આસપાસના વાતાવરણના પરિબળો.

(૩) માનસિક અને શારીરિક પરિબળો જેવા કે બીમારી, નિષ્ફળતા, ક્રોધ, હતાશા વગેરે.

એ માટે જ આપણે પરમકૃપાળુ પરમાત્માને પ્રમાણિકપણે પ્રાર્થના કરીને કહીએ છીએ કે, ‘હે પ્રભુ, મારા દૈનિક જીવનમાં ઉપર જણાવેલા ત્રણ પ્રકારના દુઃખ ન આવે તે જોજો અને આવે તેમ હોય તો ઓછામાં ઓછા પ્રમાણમાં આવે તો જોજો.’ આટલું બોલ્યા પછી આપણે ત્રિપદીની જેમ શાંતિ – શાંતિ – શાંતિ એમ ત્રણ વાર બોલીએ છીએ.

આ ત્રણ વાર શાંતિ બોલવામાં પહેલી વાર શાંતિ આપણે ઉચ્ચ સ્વરે બોલીએ છીએ, જે અદ્રશ્ય શક્તિઓને સંબોધીને બોલવામાં આવે છે. એ પછી થોડા ધીમા સ્વરે શાંતિ આપણે આપણી આજુબાજુના વાતાવરણને ઉદ્દેશીને બોલીએ છીએ અને છેલ્લી વાર શાંતિ આપણી જાતને જ સંબોધીને બોલવાની હોવાથી અતિ ધીમા સ્વરે બોલીએ છીએ.

ૐ શાંતિ… શાંતિ… શાંતિ…