પત્ની પોતાના પતિના પાકીટમાંથી ચોરી છીપે પૈસા કાઢી લેતી હતી, પછી પતિએ જે કર્યું તે જાણવું જોઈએ.

0
1474

મીઠો મીઠો પોપટ :

– જયંતીલાલ ચૌહાણ.

નવનીત ઘરભંગ થયો. પત્ની સાતેક વરસનો દિકરો અને ત્રણ વરસની દિકરી મુકીને ધામમાં ગઈ. બા બાપુજી હયાત હતા, પણ બા ની ઉમરના લીધે પાંચ માણસવાળું ઘર સાંચવવું અઘરું હતું એટલે એણે બીજું ઘર તરત જ કરી લીધું.

નવી પત્ની વિમળા એનાથી દશેક વરસ નાની હતી. પહેલી જગ્યાએથી લગ્ન પછી એક વરસમાં જ છુટી થઈ ગઈ હતી. એણે એક શરત રાખી હતી કે “હું આ બેયને તો સાંચવી લઈશ. પણ મારે એકવાર તો મા બનવું છે.” નવનીતે એ માન્ય રાખ્યું હતું.

ઘર સંસાર ચાલવા લાગ્યો. વિમળાએ ઘર સંભાળી લીધું. બાળકોને પણ સારી રીતે રાખતી. બા બાપુજીને પણ એના વર્તનથી સંતોષ હતો. અને વિમળાની ઈચ્છા ફળે એવી નિશાની પણ મળી.

પરંતુ નવનીત હિસાબ કિતાબનો પાકો હતો. એને લાગ્યું કે ક્યારેક ક્યારેક ખીસામાંથી પૈસા ઓછા થાય છે. સુતા પહેલાં ગણી જોવાનું ચાલુ કર્યું એટલે ખાત્રી થઈ કે વિમળા ક્યારેક ક્યારેક સો બસો કાઢી લે છે. એણે વિચાર્યું ‘આમ તો વિમળા સારી છે. પણ આ કુટેવને કારણે કંકાશ થયો હશે. ને છુટાછેડા થયા હશે.’

એક દિવસ એણે રબરની ગરોળીનું રમકડું લીધું. સુતી વખતે પાકીટ સાથે એવી રીતે રાખ્યું કે પાકીટ ખોલતાં જ હાથમાં આવે.

વિમળા પાણી પીવા ઉઠી. એણે પાકીટ લીધું. હાથમાં ગરોળી આવતાં એની ચીસ નિકળી ગઈ. નવનીતે બત્તી કરી. વિમળાના હાથમાંથી પાકીટ પડી ગયું. એ છોભીલી પડી ગઈ.

નવનીતે ગરોળી ઉપાડીને હસીને કહ્યું.. “ડરી ગઈને? આ તો રબરની છે.” એણે પાકીટ ખીસામાં પાછું મુકી દીધું.

વિમળા બત્તી બુજાવીને સુઈ ગઈ. પતિ તરફ પડખું કર્યું. એને એમ કે હમણાં મને કંઈક ઠપકો આપશે. પણ નવનીતે કંઈ બોલ્યા વગર એના ખભા પર હાથ રાખ્યો.

વિમળાથી જીરવાયું નહીં. એ બોલી.. “મારા મા બાપ ગરીબ છે. બાપુજીથી હવે કામ થતું નથી. એટલે આંટો દેવા જાઉં, ત્યારે પૈસા આપવા ભેગા કરતી હતી. આગલા ઘરે મેં એને મદદ કરવા કહ્યું તો એણે ના પાડી. એટલે છાનીમાની થોડાક કાઢી લેતી. એકવાર આજની જેમ પકડાઈ ગઈ એટલે કજીયો થયો ને મને છુટી કરી.” આટલું બોલતાં તો એનાથી ધ્રુસ્કું મુકાઈ ગયું.

નવનીતે એનું માથું પોતાની છાતી પાસે ખેંચ્યું..

“જો બધા પતિ સરખા ના હોય. આપણી દુકાનમાં આવક સારી છે. તારા મા બાપને મદદ કરવી એ આપણી ફરજ છે. તું દર મહીને ઠીક લાગે એટલી રકમ મારી પાસેથી માંગી લે જે, ને પહોંચાડી દે જે.”

વિમળા પતિને એકદમ વળગી પડી.

“સાચું કહું.. તમે મારાથી ઉમરમાં મોટા છો એ મને ના ગમતું. તમારી સાથે વાતો કરવામાં મને સંકોચ થતો. પણ હવેથી હું પોપટની જેમ મીઠી મીઠી વાતો કરીશ.”

– જયંતીલાલ ચૌહાણ ૨૯ -૧૦ -૨૧ (અમર કથાઓ ગ્રુપ)