આ જ્યોતિર્લિંગના દર્શન વિના અધુરી માનવામાં આવે છે તીર્થ યાત્રા, અહીં પ્રગટ થયા હતા મહાદેવ.

0
708

વિંધ્યની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થયા અને તેમને આપ્યું હતું આ વરદાન, જાણો.

આ વખતે મંગળવાર, 1 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો રહે છે. જો કે આપણા દેશમાં ભગવાન શિવના લાખો મંદિરો છે, પરંતુ આ બધામાં 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે.

આ જ્યોતિર્લિંગોમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું સ્થાન ચોથા સ્થાને છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગને મમલેશ્વર અને અમલેશ્વર પણ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. ઓમકારેશ્વર નર્મદા ક્ષેત્રનું શ્રેષ્ઠ તીર્થસ્થાન છે. માન્યતા અનુસાર, યમુનામાં 15 દિવસ અને ગંગામાં 7 દિવસ સ્નાન કરવાથી જે ફળ મળે છે, એટલું જ પુણ્ય ફળ નર્મદાના દર્શન માત્રથી મળે છે.

આ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા : શિવપુરાણ અનુસાર, એકવાર નારદ મુનિ પર્વતરાજ વિંધ્ય પાસે આવ્યા. નારદ મુનિને આવતા જોઈને વિંધ્યએ તેમનું સન્માન કર્યું અને તેમની પૂજા કરી. વિંધ્યને એ વાતનો ગર્વ હતો કે તેમને ક્યારેય કોઈ વસ્તુની અછત નથી પડતી. તેમના મનની લાગણી જાણીને નારદ મુનિએ કહ્યું કે, તમારી પાસે અહીં બધું છે, પરંતુ મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે, તેના શિખરો દેવલોકમાં પણ દેખાય છે. નારદ મુનિના આવું કહેવાથી વિંધ્યનું અભિમાન દૂર થઈ ગયું અને તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા તપસ્યા કરવાનું શરૂ કર્યું.

વિંધ્યની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે વિંધ્યએ ભગવાન શિવને કહ્યું કે, મારી બુદ્ધિ હંમેશા તમારા ધ્યાનમાં લાગેલી રહે એ વરદાન આપો. ભગવાન શિવે વિંધ્યને આ વરદાન આપ્યું. ત્યારે ઘણા દેવતાઓ અને ઋષિઓ ત્યાં આવ્યા અને મહાદેવને કહ્યું કે, તમે અહીં કાયમ માટે નિવાસ કરો. ભગવાન શિવે તેમની વિનંતી સ્વીકારી અને તે જ સ્થાન પર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિર થઈ ગયા.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી ખાસ વાતો :

1) જે પર્વત પર આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે તેના પર ઓમનો આકાર દેખાય છે. આથી આ જ્યોતિર્લિંગનું નામ ઓમકારેશ્વર પડ્યું છે.

2) ધાર્મિક ગ્રંથો અનુસાર અહીં 68 તીર્થસ્થાનો આવેલા છે. અહીં 33 કરોડ દેવી-દેવતાઓ પરિવાર સાથે રહે છે.

3) કહેવાય છે કે ભૂતકાળમાં દેવી અહિલ્યાબાઈ હોલ્કર તરફથી અહીં 18 હજાર માટીના શિવલિંગ તૈયાર કરીને તેમની પૂજા કર્યા બાદ નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

4) એવું માનવામાં આવે છે કે, કોઈપણ તીર્થયાત્રી દેશના તમામ તીર્થોની યાત્રા કરે, પણ જ્યાં સુધી તે ઓમકારેશ્વર ન આવે અને તેમણે જે જે તીર્થોની મુલાકાત લીધી હોય તેનું જળ અહી ન ચઢાવે ત્યાં સુધી તેમની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું?

અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોરમાં છે. અહીંથી રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે.

ઈન્દોરથી ખંડવા સુધીની ટૂંકી લાઈન મારફતે ઓમકારેશ્વર જવા માટે ઓમકારેશ્વર રોડ નામના સ્ટેશન પર ઉતરો. ત્યાંથી ઓમકારેશ્વર જવા માટે બસો અને અન્ય સાધનો સરળતાથી ઉપલબ્ધ છે.

ઈન્દોરથી ઓમકારેશ્વર સુધી સીધી બસો પણ સરળતાથી ઉપલબ્ધ છે. ખંડવાથી ઓમકારેશ્વરનું અંતર અંદાજે 72 કિમી છે. ખંડવાથી ઓમકારેશ્વર સુધી બસો અને ટેક્સીઓ પણ ઉપલબ્ધ છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.