દસ મહાવિદ્યાઓની આરાધનાથી કેવી રીતે થશે તમારું જીવન ધન્ય, જાણો વિસ્તારથી.

0
1363

શાસ્ત્રો અને પુરાણો અનુસાર માતાજીની દસ મહાવિદ્યાઓની સાધના અને ઉપાસનાનું છે વિશેષ મહત્વ, જાણો દરેક મહાવિદ્યા વિષે. ભારતીય સંસ્કૃતિના અપ્રિતમ ગ્રંથોમાં અને શાસ્ત્રો અને પુરાણોમાં શક્તિની ઉપાસના એટલે દસ મહાવિદ્યાની સાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. શક્તિના જુદા જુદા રૂપ છે જેમ કે માં દુર્ગા, માં કાળી વગેરે. હકીકતમાં તો તમામ દેવીઓ એક જ છે. આદ્યાશક્તિ ગુસ્સામાં છે તો કાળી, અને જો વધુ ગુસ્સામાં છે તો ઘુમાવતીનું સ્વરૂપ છે.

આ રીતે દયા ભાવના જુદા જુદા સ્વરૂપ છે, જેમ માં પ્રેમ અને પોષણ કરતી વખતે ભુવનેશ્વરી, માતંગી અને મહાલક્ષ્મી કહેવાય છે. આ રીતે જ શક્તિ સાધનામાં દસ મહાવિદ્યાઓની ઉપાસના થાય છે. તે તમામ મહાવિદ્યાઓને જ્ઞાન, શક્તિ, ભક્તિ અને મનપસંદ ફળ પ્રદાન કરવા માટે ઓળખવામાં આવે છે. આ દસ મહાવિદ્યાઓ કાળી, તારા, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, ત્રિપુર ભૈરવી, ધુમાવતી, છિન્નમસ્ત, બગલામુખી, માતંગી અને કમલા છે.

દસ મહાવિદ્યાઓમાં પણ બે કુળ છે, કાળી કુળ અને શ્રી કુળ. ચાર કાળી કુળની સાધના છે અને છ શ્રી કુળની સાધના છે. મહાવિદ્યાની સાધના કોઈ પણ કરી શકે છે. તેની સાધના શરુ કરતા પહેલા તમારે પંચ શુદ્ધિઓ કરવી જ જોઈએ. સ્થાન શુદ્ધિ, દેહ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, દેવ શુદ્ધિ અને મંત્ર શુદ્ધિ. પણ તેમાં પણ વધુ જરૂરિયાત છે ગુરુ કૃપાની. સદ્દગુરુ તેમના આદેશો અને નિર્દેશોના માધ્યમથી શિષ્યને સમુચિત સાધનાનું જ્ઞાન આપે છે. સાધક સ્વયંને શ્રી ગુરુના ચરણોમાં સમર્પિત કરી અનવરત શક્તિ સાધન માટે યજન-પૂજન ધારામાં વહી જાય તો પછી કાંઈ પણ અશક્ય નથી રહેતું.

(1) કાળી : માં ભગવતી આમ તો સુંદર સ્વરૂપ વાળી છે, પરંતુ શત્રુઓનો વિનાશ કરવા માટે માં ભગવતી દુર્ગાનું કાળું અને ભયપ્રદ રૂપ છે. માં ની સાધનાથી બીમારીનો નાશ થાય છે. અને દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા, દુષ્ટ ગ્રહોથી છુટકારો મેળવવા માટે, અકાળ મૃત્યુના ભયથી બચવા માટે માં ભગવતીની પુજા અર્ચના અને યજ્ઞથી સાધકનો સર્વાંગી વિકાસ થાય છે.

(2) તારા : માં ભગવતી તારાને તારીણી પણ કહેવામાં આવે છે. મેઘ રહિત આકાશમાં રાત્રીના સમયે પ્રકાશ બિંદુઓની જેમ વિખરાયેલા, ઝગમગતા પ્રકાશ વાળા ઘણા બધા તારા જોવા મળે છે, જેની ઉપર દેવી તારાની કૃપા થઇ જાય તેને બીજું શું જોઈએ. ભગવતીની સાધનાથી વાણી સિદ્ધિ તો ખુબ જલ્દી પ્રાપ્ત થાય છે, સાથે જ તીવ્ર બુદ્ધી, રચનાત્મકતા પ્રાપ્ત થાય છે અને ડોક્ટર, એન્જીનીયર બનવાવાળાની મનોકામના પણ પૂર્ણ થાય છે. ભગવતીનું પૂજન, યજ્ઞ કર્યા પછી તે જીવનું જીવન આનંદથી ભરાઈ જાય છે.

(3) ત્રિપુર સુંદરી : માં ભગવતી ત્રિપુર સુંદરી ભક્તોની કામના પુરી કરવા માટે હંમેશા તત્પર રહે છે. દુનિયામાં એવું કોઈ કામ નથી જેને માં પૂરું ન કરી શકે. બસ જરૂર છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં ની સાધના કરવાની. જે કામમાં દેવતાની પસંદગી કરવામાં કોઈ તકલીફ હોય, તો દેવી ત્રિપુર સુંદરીની ઉપાસના કરી શકો છો. તે ભોગ અને મોક્ષ બંને સાથે આપે છે. આ દુનિયામાં એવી બીજી કોઈ સાધના નથી જે ભોગ અને મોક્ષ એક સાથે આપતી હોય.

(4) ભુવનેશ્વરી : માં ભુવનેશ્વરી પોતાના ભક્તોને સુખ અને સાધન પ્રદાન કરે છે એટલે કે તે આખા સંસારના એશ્વર્યની સ્વામીની છે. માં ની સાધના દરેક પ્રકારના સુખમાં વૃદ્ધી કરવાવાળી છે. દેવી ભુવનેશ્વરીની વિશેષ વાત એ છે કે, તે ઘણા જ ઓછા સમયમાં પ્રસન્ન થઇ જાય છે. એટલા માટે માં ની સાધના મનને એકાગ્ર કરીને કરવી જોઈએ.

(5) છિન્નમસ્તા : માં છિન્નમસ્તા કે છિન્નમસ્તીકા કે પ્રચંડ ચંડીકા દસ મહા દેવીઓ માંથી એક છે. માં ભગવતી છિન્નમસ્તીકા દેવી શત્રુનો તરત નાશ કરનારી છે. તેમની સાધના વાણીમાં ઉર્જા, રોજગારમાં સફળતા, નોકરી અને વર્તમાન પદમાં બઢતી અને કોર્ટમાં ચાલતા કેસમાં વિજય પ્રદાન કરે છે.

(6) ત્રિપુર ભૈરવી : માં ત્રિપુર ભૈરવીને અડચણો દુર કરવા માટે તો ઓળખવામાં જ આવે છે, પરંતુ તાંત્રિક પ્રયોગોને સફળ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. સુંદર પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે, પ્રેમ લગ્ન, જલ્દી લગ્ન, પ્રેમમાં સફળતા માટે ભગવતી ત્રિપુર ભૈરવી દેવીની સાધના કરવી જોઈએ. માં ની સાધના પ્રભાવી છે. જે કોઈ તાંત્રિક સમસ્યાનું સમાધાન નથી થતું, તે સમસ્યાનું સમાધાન માં ભગવતી તરત કરે છે.

(7) ધુમાવતી : માં ભગવતી ધુમાવતી પાર્વતીનું જ સ્વરૂપ છે. તેમને દરેક પ્રકારની ગરીબી, તંત્ર-મંત્ર માટે, જાદુ-ટોના, ખરાબ નજર અને ભૂત-પ્રેત સમસ્ત ભયોમાંથી મુક્તિ માટે ઓળખવામાં આવે છે. ભગવતીની સાધના તમામ રોગોનો નાશ કરી અભય પ્રદાન કરે છે. તે સાધનામાં આવી રહેલી અડચણોનો નાશ કરવા વાળી અને જીવનમાં સુખ આપવા વાળી દેવી છે. તેમને અલક્ષ્મી પણ કહેવામાં આવે છે.

(8) બગલામુખી : માં ભગવતી બગલામુખીને માં પીતામ્બરા પણ કહેવામાં આવે છે. વાણી શક્તિથી તરત પરિપૂર્ણ કરવા વાળી માં બગલામુખી પોતાના સાધકોના શત્રુઓનો નાશ કરે છે. કોર્ટ કચેરીમાં વિજય અપાવે છે, દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા અપાવે છે. ભગવતીની કૃપા સરકારી કામોને પુરા કરવા માટે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે ભગવતીની આરાધના સમસ્ત પ્રકારના કષ્ટો દુર કરી સાધકને સફળતા પ્રદાન કરે છે.

(9) માતંગી : ભગવાન શિવનું એક નામ મતંગ પણ છે. એટલા માટે તેમની શક્તિ માતંગી કહેવાય છે. ભગવતીનો વર્ણ શ્યામ છે અને મસ્તક ઉપર ચંદ્ર પણ બિરાજમાન છે. માતંગી દેવી ઘર કુટુંબમાં આવતા તમામ વિઘ્નો દુર કરનારી છે. જેમના લગ્ન નથી થઇ રહ્યા, સંતાન પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ માટે કે કોઈ પણ પ્રકારના ગ્રહસ્થ જીવનની સમસ્યાઓને દુર કરવા માટે દેવી માતંગીની સાધના ઉત્તમ છે. તેમની કૃપાથી સ્ત્રીઓનો સહયોગ સહજ જ મળવા લાગે છે.

(10) કમલા : માં ભગવતી કમલા સોંદર્ય પ્રદાન કરવા વાળી દેવી છે. આ સંસારમાં જેટલી પણ સુંદર છોકરીઓ છે, સુંદર વસ્તુ, પુષ્પ વગેરે છે તે બધું તેમનું જ તો સોંદર્ય છે. ગાયત્રીની કૃપાથી મળતા વરદાનો માંથી એક લક્ષ્મી પણ છે. દરેક પ્રકારની સાધનામાં રિદ્ધી સિદ્ધી અપાવનારી, અખંડ ધન ધાન્ય પ્રાપ્તિ, ઋણનો નાશ અને મહાલક્ષ્મીજીની કૃપા માટે કમળ ઉપર બિરાજમાન દેવીની સાધના કરવી જોઈએ. માં ભગવતીની પૂજા દિવાળી પર પણ કરવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.